આજે ખેડૂતોની ‘દિલ્હી ચલો કૂચ’ના કારણે તમામ બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે મોડી રાત સુધી બેઠક ચાલી હતી. સરકારે આંદોલન પર અડગ રહેલા ખેડૂતોને મનાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ ૫ કલાકથી વધુ ચાલેલી બેઠક અનિર્ણિત રહી હતી. જે બાદ ખેડૂત નેતાઓએ આર-પારની જંગનું એલાન કરતા કહી દીધું કે, દિલ્હી કૂચ થઈને જ રહેશે. ગાઝીપુર, સિંધુ, શંભુ, ટિકરી સહિત તમામ બોર્ડરો છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. સાથે જ પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતો કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પંજાબના પ્રદર્શનકારી ખેડૂતો દિલ્હીની સિંધુ બોર્ડર સુધી પહોંચી ગયા છે. ખેડૂતો ૨૫૦૦થી વધુ ટ્રેક્ટર સાથે દિલ્હી કૂચ તરફ આગળ વધ્યા છે. કેન્દ્રીય મંત્રીઓ સાથે પાંચ કલાકથી વધુ ચાલેલી બેઠકમાં કોઇ પરિણામ આવ્યું નહતું. ખેડૂતોએ કહ્યું કે અમે પોતાની માંગોને પૂર્ણ કરાવીને જ રહીશું. અમે ૬ મહિનાનું રાશન લઇને આવ્યા છીએ.
કિસાન મજદૂર મોરચા (KMM) અને સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ હજારો ખેડૂતો સરહદ પર ઉભા છે. દિલ્હી પોલીસ આ વખતે પણ મક્કમ છે કે તેઓ ખેડૂતોને કોઈપણ કિંમતે દિલ્હીમાં પ્રવેશવા દેશે નહીં. પોલીસ અને CRPFના જવાનો ખેડૂતોનો મુકાબલો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બેરીકેટ્સ, ભારે સિમેન્ટ બેરીકેટ્સ, કન્ટેનર અને ડમ્પરો વડે રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે. દિલ્હીની આસપાસની બોર્ડરો ચારેય બાજુથી સીલ કરી દેવામાં આવી છે.
ખેડૂત આંદોલનના પગલે ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સાથે જોડતી તમામ સરહદો પર બેરિકેડ લગાવીને સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. દિલ્હીના અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પ્રતિબંધોને કારણે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ સહિતના NCR શહેરોમાં લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો :-