Sunday, Sep 14, 2025

હિટ એન્ડ રન કાયદો હાલ લાગુ નહીં કરવાની કેન્દ્ર સરકારનું આશ્વાસન

2 Min Read

હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચેની વાતચીત સફળ રહી છે. ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કહ્યું છે કે ટ્રક ચાલકો તેમની હડતાળ પાછી ખેંચી લે અને કામ પર પાછા ફરે. ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે. સરકાર દ્વારા સંગઠનને ખાતરી આપવામાં આવી છે કે હાલમાં કાયદાનો અમલ કરવામાં આવશે નહીં અને જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. આ પછી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મંગળવારે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે, હાલ હિટ એન્ડ રનના નવો કાયદો લાગુ કરવામાં આવશે નહીં. આમ કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે આ બેઠક સફળ રહી હતી. પરિણામે ટ્રાન્સપોર્ટ એસોસિએશને ટ્રક ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે. તેમજ સરકારે ટ્રક ડ્રાઈવરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે.

કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનને લઇને નવો કાયદો બનાવ્યો છે, જેની હેઠળ જો કોઇ ટ્રક કે ડમ્પર ચાલક કોઇને કચડીને ભાગે છે તો તેને ૧૦ વર્ષની જેલની સજા થશે. આ સિવાય ૭ લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. પહેલા આ કેસમાં કેટલાક દિવસમાં આરોપી ડ્રાઇવરને જામીન મળી જતા હતા.

ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રમુખ અમૃત લાલ મદને કહ્યું, તમે માત્ર ડ્રાઈવર નથી, તમે અમારા સૈનિક છો. અમે નથી ઈચ્છતા કે તમને કોઈ અસુવિધાનો સામનો કરવો પડે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હાલમાં દસ વર્ષની સજા અને દંડના કાયદા પર રોક લગાવી દીધી છે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની આગામી બેઠક સુધી કોઈ કાયદો લાગુ કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો :-

Share This Article