Sunday, Sep 14, 2025

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી લીધો મોટો નિર્ણય, ધાર્મિક સ્થળોએ અમાન્ય લાઉડસ્પીકર પર પ્રતિબંધ

2 Min Read

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી, મોહન યાદવે બુધવારે પોતાનો પહેલો મોટો નિર્ણય લીધો અને ધાર્મિક તથા જાહેર સ્થળોએ અમાન્ય લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. ઉજ્જૈન દક્ષિણના ભાજપના ધારાસભ્ય મોહન યાદવે ગઈકાલે બુધવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

સીએમ ડો. મોહન યાદવે બુધવારે જ મંત્રાલય સ્થિત મુખ્યમંત્રીના રૂમમાં વિધિવત પૂજા કર્યા બાદ ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ આ આદેશ આપ્યો છે. આ આદેશ હેઠળ રાજ્યમાં લાઉડ સ્પીકરના મોટા અવાજ પર અંકુશ લગાવવામાં આવ્યો છે. આ અંતર્ગત જો લાઉડસ્પીકર નિર્ધારિત ડેસિબલથી વધુ અવાજે વગાડવામાં આવશે તો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આ આદેશ માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ટાંકવામાં આવી છે.

૧૩ ડિસેમ્બર ૨૦૨૩ના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ધાર્મિક નેતાઓ સાથે યોગ્ય સંચાર અને સંકલન કર્યા પછી મંદિરો અને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે. નિયમોનું પાલન ન કરતા ધાર્મિક સ્થળોની યાદી તૈયાર કરવામાં આવશે. આદેશમાં વધુમાં જણાવાયું છે કે, લાઉડસ્પીકરના બિનજરૂરી ઉપયોગથી અવાજનું પ્રદૂષણ થાય છે, જેનાથી કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની માનવ ક્ષમતામાં ઘટાડો થાય છે અને મોડી રાત્રે તેનો ઉપયોગ લોકોની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. તેથી લાઉડ સ્પીકર કે ડીજેનો દુરુપયોગ ન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સીએમ મોહન યાદવ આરએસએસ સાથે જોડાયેલા છે. તેમના પ્રથમ આદેશને લઈને અટકળો અને ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. આ પહેલા શિવરાજ સરકારમાં ડો. મોહન યાદવ શિક્ષણ મંત્રી પદ પર હતા. તેમણે ૨૦૨૧માં કોલેજોમાં હિન્દુ મહાકાવ્ય ‘શ્રી રામચરિતમાનસ’ને વૈકલ્પિક વિષય બનાવવાની જાહેરાત કરી હતી. મોહન યાદવને હિન્દુત્વના પ્રખર સમર્થક માનવામાં આવે છે.

આ પણ વાંચો :-

Share This Article