ભારત ગૌરવ સ્પેશીયલ ટ્રેનમાં લગભગ ૮૦થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. આ અંગે પુણે સ્ટેશન પર રેલવે અધિકારીઓને ઘટનાની જાણકારી મળી હતી. આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી. જે કાર્યક્રમ ગુજરાતના પાલિતાણા યાત્રાધામ સંબંધિતનો પ્રવાસ હતો. આ ટ્રેનમાં લગભગ એક હજાર જેટલા પ્રવાસીઓ હાજર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટા ભાગે મુસાફરોને ચક્કર, ઉલટી અને પેટમાં દુખાવાના બનાવ સામે આવ્યા હતા.
રેલવે હોસ્પિટલના ડોક્ટરોની એક ટીમ, રૂબી હોલના ડોકટરો અને અન્ય રેલવે અધિકારીઓની સાથે તબીબી સહાય તત્કાલીન ધોરણે પુણે સ્ટેશન પર મોકલવામાં આવી હતી. પુણે રેલવે ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અને પીઆરઓ આ વિશે માહિતી આપી છે. ટ્રેન રાતે ૧૧:૨૫ કલાકે પુણે સ્ટેશન પહોંચી અને મુસાફરોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. રેલવે અધિકારી રામદાસ ભીસેએ જણાવ્યું કે, મુસાફરોને ટ્રેન પરથી પ્લેટફોર્મ પર ઉતારી દેવાયા અને સારવાર શરુ કરવામાં આવી હતી. જોકે, હાલ સુધી કોઈ મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી.
ટ્રેન ઉપડતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, ટ્રેનમાં પેન્ટ્રીની કોઈ સુવિધા નહોતી. એવું જાણવા મળ્યું હતું કે મુસાફરોને સોલાપુરથી લગભગ ૧૮૦ કિમી દૂર વાડી રેલવે સ્ટેશન પર જમવાનું આપવામાં આવ્યું હતું. અમે ભોજનના સ્ત્રોતને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમને માહિતી મળી છે કે કેટલાક લોકોએ પ્રસાદ સ્વરૂપે ભોજન આપ્યું હતું. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ રેલવે દ્વારા ભોજન પૂરું પાડવામાં આવ્યું ન હતું. જોકે, વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો :-