Sunday, Sep 14, 2025

ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂ ઓપરેશન યથાવાત, જાણો કામ ક્યાં સુધી પહોંચ્યું

2 Min Read

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે ૧૭મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા ૪૧ મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. હવે વર્ટિકલની સાથે મેન્યુઅલ ડ્રિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એવામાં વધુ એક મુશ્કેલીરૂપી સમાચાર એવા છે કે હવામાન વિભાગે હિમવર્ષા અને વરસાદને લઇ એલર્ટ જારી કર્યું છે. જેના કારણે ઓપરેશન દરમિયાન વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે.

આજ સવારે ટનલની અંદર ચાલી રહેલા મેન્યુઅલ ડ્રિલિંગની તસવીરો પણ સામે આવી છે. પાઇપને દબાણ કરવા માટે ઓગર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ ૨ મીટર મેન્યુઅલ ડ્રિલિંગનું કામ પૂર્ણ થયું છે. માઈક્રો ટનલીંગ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, હોરીઝોન્ટલ ડ્રિલિંગનું કામ ગઈકાલે રાત્રે ખૂબ જ સારી રીતે ચાલ્યું હતું. સાથે વર્ટિકલ ડ્રિલિંગ દ્વારા પણ ૪૨ મીટર અને રેટ માઇનિંગ દ્વારા ૧૨ મીટર ખોદકામ પૂર્ણ થયું છે.

ઉત્તરકાશી સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધ સ્તરે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સમગ્ર ઓપરેશનની સમીક્ષા કરવા માટે સોમવારે પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પીકે મિશ્રા, ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધૂ અને અન્ય કેટલાક સીનિયર અધિકારી ઘટના સ્થળે હાજર રહ્યા હતા. આ વાતની માહિતી ઉત્તરાખંડ સરકારના સચિવ નીરજ ખૈરવાલે આપી હતી.

Share This Article