Friday, Oct 24, 2025

બંગાળ સરકાર સામે ટાટાની જીત, Tata Motorsને આપવું પડશે ૭૬૬ કરોડ રૂપિયાનું વળતર, જાણો કારણ?

2 Min Read

ટાટા મોટર્સ માટે મોટી રાહતના સમાચાર છે. પશ્ચિમ બંગાળના સિંગૂરમાં નેનો કારના ઉત્પાદન માટે સ્થાપિત પ્લાન્ટ બંધ થયા પછી રોકાણ પરના નુકસાન તરીકે વ્યાજ સાથે ૭૬૬ કરોડ રૂપિયા મળશે. ત્રણ સભ્યોની આર્બિટ્રલ ટ્રિબ્યુનલે ટાટા મોટર્સની તરફેણમાં આ નિર્ણય આપ્યો છે.

ટાટા મોટર્સે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ટાટા મોટર્સ લિમિટેડ અને પશ્ચિમ બંગાળ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે સિંગૂરમાં ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર કરવામાં આવેલા મૂડી રોકાણના નુકસાન માટે પાસેથી વળતરનો દાવો કરી રહી છે. આ મામલે આર્બિટ્રલ ટ્રિબ્યુનલમાં સુનાવણી ચાલી રહી હતી. આર્બિટ્રલ ટ્રિબ્યુનલે ૩૦ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સર્વસંમતિથી ટાટા મોટર્સ લિમિટેડની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

ટાટા મોટર્સ ૧ સપ્ટેમ્બર, ૨૦૧૬થી વાર્ષિક ૧૧ ટકા વ્યાજ સાથે પશ્ચિમ બંગાળ વિકાસ નિગમ લિમિટેડ પાસેથી ૭૬૫.૭૮ કરોડ રૂપિયાની વસૂલાત કરી શકે છે. ટાટા મોટર્સે કહ્યું કે ટ્રિબ્યુનલે આ સુનાવણી પર થયેલા ૧ કરોડ રૂપિયાના ખર્ચને વસૂલવાનો પણ આદેશ આપ્યો છે. આર્બિટ્રલ ટ્રિબ્યુનલના આ નિર્ણય સાથે મધ્યસ્થતાને લઇને ચાલી રહેલી સુનાવણી હવે સમાપ્ત થઈ ગઈ છે.

પશ્ચિમ બંગાળની સીપીએમ સરકારે નેનો કાર બનાવવા માટે ટાટા મોટર્સને સિંગૂરમાં ૧૦૦૦ એકર ખેતીની જમીન ફાળવી હતી. જેના પર ટાટા મોટર્સે કાર બનાવવાના પ્લાન્ટમાં પણ રોકાણ કર્યું હતું. પરંતુ મમતા બેનર્જીના નેતૃત્વમાં સરકારના આ નિર્ણયનો ભારે રાજકીય વિરોધ થયો હતો. ખેડૂતોએ જમીન ફાળવણીનો પણ વિરોધ કર્યો હતો. આ વિરોધના કારણે ટાટા મોટર્સે કાર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય રદ કર્યો હતો. બાદમાં ટાટા મોટર્સે ગુજરાતના સાણંદમાં નેનો કાર પ્લાન્ટ સ્થાપ્યો હતો. જો કે હવે કંપનીએ નેનો કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

આ પણ વાંચો :-

Share This Article