Thursday, Oct 23, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડથી આદિ કૈલાશના દર્શન કર્યા, 4200 કરોડની આપશે ભેટ

2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે ઉત્તરાખંડના પિથોરાગઢમાં કૈલાશ વ્યુ પોઈન્ટથી આદિ કૈલાશના દર્શન કર્યા હતા. આ વ્યુ પોઈન્ટ જોલિંગકોંગ વિસ્તારમાં છે જ્યાંથી કૈલાશ પર્વત સ્પષ્ટ દેખાય છે. આ માટે ચીનના કબજા હેઠળના તિબેટ જવાની જરૂર રહેશે નહીં. આ સાથે PM મોદીએ પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી હતી. ચીનની સરહદ અહીંથી ૨૦ કિલોમીટર દૂરથી શરૂ થાય છે.

નરેન્દ્ર મોદી દેશના પહેલા PM છે જેમણે ઉત્તરાખંડમાં ભારત-ચીન બોર્ડર પર આદિ કૈલાશ પર્વતની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે, ઉત્તરાખંડના ધારચુલાથી ૭૦ કિમી દૂર અને ૧૪૦૦૦ ફૂટ ઉપર આવેલું એક નાનકડું નિર્જન ગામ ગુંજી આગામી બે વર્ષમાં એક મોટા ધાર્મિક શહેર શિવધામ તરીકે વિકસિત થશે. ધારચુલા પછી, કૈલાશ વ્યુ પોઈન્ટ, ઓમ પર્વત અને આદિ કૈલાશના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે આ સૌથી મોટો અને મહત્વપૂર્ણ સ્ટોપ હશે. અહીંયા મોટા યાત્રી આવાસ અને હોટલ બનાવવામાં આવશે. ભારતીય ટેલિકોમ કંપનીઓનું નેટવર્ક પણ ઉપલબ્ધ થશે. ગામમાં હોમ સ્ટે વધારવામાં આવશે.

પિથોરાગઢના ડીએમ રીના જોશીના જણાવ્યા અનુસાર નાભિધંગ, ઓમ પર્વત અને કૈલાશ વ્યુ પોઈન્ટનો રસ્તો ગુંજીની જમણી બાજુથી જાય છે, જ્યારે આદિ કૈલાશ અને જોલીકોંગનો રસ્તો ડાબી બાજુથી જાય છે. તેથી આ ગામ કૈલાસ યાત્રીઓની સુવિધા માટે યોગ્ય છે.

વડાપ્રધાન બપોરે ૧૨ વાગે અલ્મોડા જિલ્લાના જાગેશ્વર જશે. અહીં તેઓ જાગેશ્વર ધામની મુલાકાત લેશે. લગભગ ૬૨૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલા જાગેશ્વર ધામમાં ૨૨૪ પથ્થરના મંદિરો છે. PM મોદી બપોરે ૨:૩૦ વાગ્યે પિથૌરાગઢ પહોંચશે. જ્યાં તેઓ ગ્રામીણ વિકાસ, રસ્તા, વીજળી, સિંચાઈ, પીવાનું પાણી, બાગાયત, શિક્ષણ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રો સાથે સંબંધિત લગભગ ૪૨૦૦ કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો :-

Share This Article