દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના માટે ચૂંટણીપંચે આજે તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીપંચના જણાવ્યાનુસાર મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
૫ રાજ્યોમાં ૧.૭૭ લાખ મતદાન મથકો રહેશે. ચૂંટણી પંચે તમામ મતદારોને મતદાર યાદીમાં તેમના નામ ચેક કરવા, તેમની વિગતો સુધારી લેવા કરી અપીલ. ૧૭ ઓક્ટોબરે મતદાર યાદી જાહેર થશે. ૨૩ તારીખ સુધી યાદીમાં સુધારા કરી શકાશે. ચૂંટણી રાજ્યોમાં ૯૪૦ ચૂંટણી પોસ્ટ બનાવાઈ.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે તમામ ૫ રાજ્યોની મુલાકાત લીધી હતી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠકો કરી હતી. મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર ૨૦૨૩માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૪માં સમાપ્ત થઈ રહ્યો છે. આ ૫ રાજ્યોમાં ૬૭૯ વિધાનસભા સીટો છે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તમામ ૨૩૦ બેઠકો માટેની ચૂંટણી યોજાશે. રાજ્યમાં વિધાનસભાનો કાર્યકાળ ૬ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર ૨૦૧૮માં યોજાઈ હતી. તે ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા. પરંતુ માર્ચ ૨૦૨૦માં, કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ભારતીય જનતા પાર્ટી માં જોડાયા.
રાજસ્થાનમાં વિધાનસભાનો કાર્યકાળ ૧૪જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજ્યની ૨૦૦ બેઠકો પર મતદાન થશે. ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને અશોક ગેહલોત મુખ્યમંત્રી બન્યા.
છત્તીસગઢની ૯૦ બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાશે. છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3 જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સમાપ્ત થશે. છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર ૨૦૧૮માં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને ભૂપેશ બઘેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.
મિઝોરમમાં ૪૦ સીટો પર ચૂંટણી યોજાવાની છે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ ૧૭ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર ૨૦૧૮ માં યોજાઈ હતી, જેમાં મિઝો નેશનલ ફ્રન્ટે જીત મેળવી હતી અને રાજ્યમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ જોરમથાંગા મુખ્યમંત્રી બન્યા.
તેલંગાણા વિધાનસભાનો કાર્યકાળ ૧૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સમાપ્ત થશે. તેલંગાણામાં ૧૧૯ બેઠકો પર મતદાન યોજાશે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ રાજ્યમાં સરકાર બનાવી હતી. તેનું નામ હવે બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ રાખવામાં આવ્યું છે. ચંદ્રશેખર રાવ બીજી વખત મુખ્યમંત્રી બન્યા.
આ પણ વાંચો :-
અવકાશમાં મહાશક્તિ બનવા જઈ રહ્યું છે ભારત, ઈસરો પોતાનું સ્પેસ સ્ટેશન બનાવીને ઇતિહાસ સર્જશે