સંસદ ભવનની સુરક્ષા ચૂકમાં જવાબદાર ૮ લોકો સસ્પેન્ડ, ૫ લોકોની ધરપકડ

Share this story

સંસદની સુરક્ષામાં ક્ષતિના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સંસદ ભવન સુરક્ષા કર્મચારીઓ સાથે જોડાયેલા 8 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદ સુરક્ષા સ્ટાફના જે ૮ લોકોના નામ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના નામ રામપાલ, અરવિંદ, વીરદાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત, નરેન્દ્ર છે. ૧૩ ડિસેમ્બરે બનેલી ઘટના બાદ સંસદમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મકર ગેટથી માત્ર સાંસદોને જ સંસદભવનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને બિલ્ડિંગમાં પ્રવેશનાર તમામ વ્યક્તિઓના પગરખાં કાઢીને તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

આ મુદ્દાને લઈ લોકસભાની કાર્યવાહીની શરૂઆતથી વિપક્ષો ગૃહમાં હોબાળો કરી રહ્યા હતા. જેને લઈ લોકસભા બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષી સાંસદોએ આ ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે . રાજ્યસભાના સાંસદ ડૉ. સૈયદ નાસિર હુસૈને નિયમ ૨૬૭ હેઠળ બિઝનેસ સસ્પેન્શન નોટિસ આપી છે, જેમાં સંસદની સુરક્ષા ઉલ્લંઘનની ઘટના પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગણી કરવામાં આવી છે.

સંસદ ભવનમાં હુમલો કરનારા તમામ આરોપીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ FIR નોંધવામાં આવી છે. આ કેસની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરી રહી છે. પૂછપરછ દરમિયાન, ધરપકડ કરાયેલા ચાર આરોપીઓએ ખુલાસો કર્યો છે કે તેઓ ખેડૂતો, બેરોજગારી અને મણિપુરના મુદ્દા પર સરકારનું ધ્યાન દોરવા માગતા હતા.

બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ખોટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. ભારે પોલીસ અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો આ વિસ્તારમાંથી પસાર થતા દરેક વાહન અને વ્યક્તિની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકસભા સચિવાલયે સાંસદોને તેમના ‘સ્માર્ટ કાર્ડ’ નવા બિલ્ડિંગ સુધી પહોંચવા માટે તૈયાર રાખવા જણાવ્યું હતું.

આ પણ વાંચો :-