છેલ્લા ચાર દિવસથી ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટો રદ્દ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. ગઈકાલે (5 ડિસેમ્બરે) ઇન્ડિગો એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે, 15 ડિસે. સુધીમાં જેનું બુકિંગ છે, તેણે હાલાકી ભોગવવી પડી શકે છે. જોકે, ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
અમદાવાદ એરપોર્ટ પર વિરોધ પ્રદર્શન કરવા આવેલા NSUI અને યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે, તેને લઈને NSUI અને યૂથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. NSUI અને યૂથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓેની તુરંત જ પોલીસે અટકાયત કરી લીધી હતી.
NSUIના કાર્યકર્તા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, અમે પાણીની બોટલ આપવા આવ્યા છીએ. શું અમને પાણીની બોટલ આપવાનો પણ અધિકાર નથી? મુસાફરો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આખા ભારતમાં લોકો હેરાન થઈ રહ્યા છે. પહેલા નોટ બંધી કરીને ગરીબોને લાઈનમાં લગાડવામાં આવ્યા, હવે અમીરોને પણ લાઈનમાં લગાડવામાં આવ્યા છે.
આજે પણ ઇન્ડિગોની રાત્રિના 12 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 66 ફ્લાઈટ કેન્સલ થઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીના જણાવ્યા મુજબ, અમદાવાદથી જતી 35 અને આવતી 24 ફ્લાઇટ એમ કુલ 59 ફ્લાઇટ કેન્સલ થઈ છે. આ સાથે જ વડોદરા એરપોર્ટની 6, રાજકોટ એરપોર્ટની એક ફ્લાઈટ રદ થઈ છે.
દિવસ દરમિયાન તમામ એરપોર્ટ પર આવતી અને જતી ફ્લાઈટ એકંદરે અડધો કલાકથી વધુ મોડી પડી રહી છે. ફ્લાઈટની હાલાકીના કારણે અમદાવાદ એરપોર્ટ પર એક યુવતી રડી પડી હતી. ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ ફરીથી રદ થવાને કારણે પેસેન્જરોની કતારો લાગી હતી. ઇન્ડિગો દ્વારા યોગ્ય જવાબ ન મળતો હોવાનો પણ આક્ષેપ મુસાફરોએ કર્યો હતો.