Friday, Oct 24, 2025

ઉત્તર પ્રદેશના હાપુડમાં માર્ગ અકસ્માતમાં ૬ લોકોના ઘટનાસ્થળે મોત

2 Min Read

ઉત્તર પ્રદેશના હાપુડના ગઢમુક્તેશ્વર કોતવાલી વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે નેશનલ હાઈવે-૯ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક કાર અને ટ્રકની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ૬ લોકોના મોત થયા છે.

કારમાં સવાર ૩૮ વર્ષીય અનૂપ તેના મિત્રો સાથે ગાઝિયાબાદના લોનીથી રાત્રે ૯.૦૦ વાગ્યે નૈનીતાલ જવા નીકળ્યા હતા. મૃતક અનૂપના ભાઈ અક્ષયે જણાવ્યું હતું કે, બધા લોકો રવિવારે રાત્રે લગભગ ૯ વાગ્યાની આસપાસ ઘરેથી નૈનીતાલ કરૌલી જઈ રહ્યા હતા. રાત્રે લગભગ ૧૨:૦૦ વાગ્યે, પોલીસ દ્વારા તેમને અકસ્માત વિશે જાણ કરવામાં આવી હતી કે તે ગઢ ગંગાથી લગભગ ૧ કિલોમીટર પહેલા થયો હતો.

કારમાં કુલ સાત લોકો સવાર હતા જેમાંથી ૬ના મોત થયા છે અને એકની હાલત હજુ પણ ગંભીર છે. આ અકસ્માતમાં રોહિત સૈની ૩૩ વર્ષ, અનૂપ સિંહ ૩૮ વર્ષ, સંદીપ ૩૫ વર્ષ, નિક્કી જૈન ૩૩ વર્ષ, લોની ગાઝિયાબાદના રહેવાસી અને ૩૫ વર્ષ વિપિન સોની અને ખતૌલી મેરઠના રહેવાસી ૩૬ વર્ષીય રાજુ જૈનનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ હાઇવે પર કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી. ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી. કાર ડિવાઈડરને ટપીને હાઈવેની બીજી બાજુએ જતી રહી હતી અને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ૬ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો. પોલીસે તમામ મૃતકોના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article