Saturday, Feb 28, 2026

વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૮મોં પદવીદાન સમારોહ, ૯૯ અભ્યાસક્રમોના ૮,૭૨૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

2 Min Read

રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની ઉપસ્થિતિમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૮મા પદવીદાન સમારોહમાં ૧૨ વિદ્યાશાખાઓના ૯૯ અભ્યાસક્રમોના ૮,૭૨૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરાઈ હતી. ઉપરાંત મહાનુભાવોના હસ્તે ૧૪૯ પી.એચ.ડી. તથા ૧ એમ.ફિલ. ને પદવીઓ એનાયત કરાઈ હતી. આ પ્રસંગે મહાનુભાવોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉપયોગી પરીક્ષાલક્ષી તમામ માહિતી આવરી લેતું VNSGU માટે એક્ઝામિનેશન મેન્યુઅલનું લોકાર્પણ કર્યું હતું.

આ સમારોહને દીપાવતા સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ શંખનાદ અને ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી. પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતા સાંસદએ જીવનભરના સંભારણા સમાન પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે યુવાઓને પ્રામાણિકતા અને જ્ઞાનોપાર્જનને જીવન સાથે વણી લેવાની માર્મિક શીખ આપતા જણાવ્યું કે, પોતાની સાથે સમગ્ર પરિવાર માટે ગૌરવવંતી આ સફળતા જીવનના મુખ્ય ધ્યેય તરફનું પ્રથમ સોપાન છે. વિદ્યાર્થી જીવન પછીની સાચી કારકિર્દી અને ઓળખ ભવિષ્યના સારા કર્મો નક્કી કરશે.

જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં પ્રવેશવા તૈયાર નવયુવાઓને જીવનના દરેક પડકારને તકમાં રૂપાંતરિત કરી સત્ય, નિષ્ઠા અને પરિશ્રમ સાથે નિશ્ચિત પરિણામ પ્રાપ્ત કરવા ધોળકિયાએ આહ્વાન કર્યું હતું.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.એન. ચાવડાએ જણાવ્યું કે, નર્મદ યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શિક્ષણના વિશાળ વટવૃક્ષ સમાન આ યુનિવર્સિટીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈડી બનાવવામાં અને સૌથી વધુ ક્રેડિટ પ્રાપ્ત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પી.એમ. ઉષા યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના વિકાસ માટે મળેલી રૂ.૧૦૦ કરોડની ગ્રાન્ટ પૈકી રૂ.૬૦ કરોડના બહુવિધ શિક્ષણવિકાસના કામો પ્રગતિમાં છે.

આ પ્રસંગે કુલસચિવ આર.સી. ગઢવી, પરીક્ષા નિયામક એ.વી.ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડિજીલોકરમાં તમામ ૮ હજારથી વધુ ડિગ્રીઓ ડિજીટલી ઉપલબ્ધ બનશે
૫૮મા પદવીદાન સમારોહમાં એનાયત થયેલી તમામ ૮,૭૨૫ ડિગ્રીઓ વિદ્યાર્થીઓના ડિજીલોકરમાં ઉપલબ્ધ બનશે, જે લોગઈન આઈડીથી વિદ્યાર્થીઓ એક્સેસ કરી શકશે. મહાનુભાવોએ રિમોટ દ્વારા તમામ ડિગ્રીઓ નેશનલ એકેડેમિક ડિપોઝીટરીમાં ડિજિટલ માધ્યમથી ડિપોઝીટ કરી હતી.

Share This Article