રાજકોટના મનસુખ સાગઠીયાની ઓફિસમાંથી ૫ કરોડ રોકડા અને ૧૫ કિલો સોનુ જપ્ત

Share this story

રાજકોટ શહેરના નાના મવા રોડ TRP ગેમ ઝોનમાં ભભૂકેલી આગ બાળકો સહિત ૨૭ જણાનો ભોગ લઇ ગઇ હતી. આ ગોઝારા અગ્નિકાંડ અંગે તાલુકા પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ ગુનો નોંધી ગેમ ઝોનના સંચાલકો, ભાગીદારો, મનપાના અધિકારીઓ મળી પંદરની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતાં. બીજી તરફ આ ગુનામાં પકડાયેલા મોટુ માથા ગણાતા મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ ડી. સાગઠીયા સામે ACBનો એક મળી ત્રણ ત્રણ ગુના નોંધાઇ નોંધાયા હતાં. અપ્રમાણસર મિલ્કતના ગુનામાં મનસુખ સાગઠીયાનો એસીબીએ જેલમાંથી કબ્જો મેળવી તેને સાથે રાખી ૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે ટ્વીન ટાવરમાં નવમા માળે આવેલી તેની ઓફિસના રાતે સીલ ખોલી સર્ચ ચાલુ કર્યુ હતું. સવાર સુધી આ કામગીરી ચાલી હતી. જેમાં ૫ કરોડ રોકડા અને ૧૫ કિલો સોનુ તથા ૨ કિલો ચાંદી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.

એન્ટી કરપ્શન બ્યુરોના રાજકોટ અને સુરેન્દ્રનગરની ટીમોના ૨૦ અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો રાતે અગિયારેક વાગ્યે મનસુખ ડી. સાગઠીયાને સાથે રાખી તેની ટ્વીન ટાવરના નવમા માળે આવેલી ૯૦૧ નંબરની ઓફિસે પહોંચ્યો હતો. એસીબીએ અગાઉ તપાસ શરૂ કરી એ પહેલા જ આ ઓફિસને સીલ લગાવી દેવાયુ હતું. આ સીલ ખોલીને એસીબીની ટીમો અંદર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સર્ચ દરમિયાન ઓફિસમાં આવેલી મસમોટી તિજોરી તપાસતાં તેમાંથી રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા હતાં.

એસીબી સુત્રોના જણાવ્યા મુજબ ૫ કરોડની રોકડ અને સાતથી આઠ કિલો સોનાના દાગીના મળી આવ્યા છે. એસીબીમાં અગાઉ અપ્રમાણસર મિલ્કતનો ગુનો સાગઠીયા વિરૂધ્ધ દાખલ થયો હતો ત્યારે ૪૦૦ ગણી વધુ મિલ્કત આવક કરતાં સામે આવી હતી, હવે ઓફિસની તિજોરીમાંથી કરોડોની રોકડ અને સોનુ મળી આવતાં આ આવક ૭૦૦ ગણી વધુ થઇ ગઇ છે. સાગઠીયાની એસીબીના ગુનામાં ધરપકડ થઇ ચુકી હોઇ આજે રિમાન્ડ માંગણી સાથે રજૂ કરાશે.

આગાઉ રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી એમ.ડી. મનસુખ સાગઠીયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા. ACB દ્વારા ચાલતી તપાસમાં સાગઠીયા પાસેથી ૧૦.૫૫ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ મામલે તેની સામે ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધ્યો છે. આરોપી સાગઠીયા પાસેથી તેની કાયદેસર આવક કરતાં ૪૧૦% વધુ સંપત્તિ મળી આવી છે. સાગઠીયાએ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ કર્યું હતું, જેમાં રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-