સુરત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશના ૩૭ પતંગબાજો જોડાયા

Share this story

સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪  યોજાયો હતો. જેમાં ૧૨ દેશોના ૩૭ અને ભારતના ત્રણ રાજ્યોના ૧૪ પતંગબાજો તેમજ સુરતના ૩૯, નવસારી, ભરૂચના પતંગબાજો સહિત ૯૭ પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા-કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા. નિપુણ પતંગબાજોએ ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો-આકૃતિઓના પતંગો ઉડાડીને પ્રેક્ષક સમુદાયને રોમાંચિત કર્યો હતો.

આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશ માવાણીએ ગુજરાતે પતંગોત્સવને ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ બનાવીને ભારતીય પ્રાચીન સંસ્કૃતિને પતંગોત્સવ દ્વારા જીવંત રાખી છે એમ જણાવી જીવનમાં હાર-જીત અને ખેલદિલીના ગુણોને વિકસાવતા પર્વમાં સહભાગી થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. રાંદેરના પતંગોની વિદેશોમાં માંગ રહે છે જેથી રોજગારીનું પણ સર્જન થાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નીત-નવી ઉચાઈઓ સર કરી રહ્યું છે એમ જણાવીને વિદેશી પતંગબાજોને આવકાર્યા હતા.

પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, ચિલી, આર્જેન્ટિના, બલ્ગેરિયા, બેલારૂસ, કંબોડીયા, સ્પેન, તુર્કી, ડેન્માર્ક, બ્રાઝિલ જેવા દેશોના ૩૭ પતંગબાજો તથા ભારતના મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીના પતંગબાજો પતંગો ચગાવ્યા હતા. ભગવાન શ્રીરામની ઝાંખી કરાવતી પતંગે આકર્ષણ જમાવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ ગરબે ઘુમીને ગુજરાતની અસ્મિતાનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ડે.મેયરશ્રી નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી રાજન પટેલ, જિલ્લા કલેકટર આયુષ ઓક, , શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સોનલ દેસાઈ, ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ કેયુર ચપટવાલા, ઉદ્યાન સમિતિના ગીતાબેન સોલંકી, પ્રાંત અધિકારીશ્રી વિક્રમ ભંડારી, પ્રવાસન વિભાગના એક્ઝીક્યુટીવ તુલસીબેન હાંસોટી તથા કોર્પોરેટરો, મહાનગરપાલિકા-જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પતંગપ્રેમીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-