સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. એમડી ડ્રગ્સનો ઓવરડોઝ લેવાના કારણે જ યુવકનું મોત થયું હોવાનું પરિવારનું અનુમાન છે.યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ સામે આવશે.

મળતી માહિતી મુજબ, સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થઇ ગયું છે. પરિવારનું અનુમાન છે કે, MD ડ્રગ્સના ઓવરડોઝને કારણે જ યુવકનું મોત થયું છે. મૃતકના ભાઈએ કહ્યું કે, મારા ભાઈનું મોત MD ડ્રગ્સના ઓવરડોઝને કારણે જ થયું છે. ઉન પાટિયાથી લઈને ધંધા ચોકડી સુધી આ ધંધો ચાલી રહ્યો છે. પોલીસને મારી એટલી જ વિનંતી છે કે, આ બધુ બંધ કરાવીને યુવાનોને બચાવવામાં આવે. આ ધંધા ઉપર કાર્યવાહી કરો. મારા ભાઈને 3 દીકરીઓ છે અને ઘરમાં કમાવાળો તે એક જ હતો. મારા ભાઈને ન્યાય મળવો જોઈએ.
ઉન વિસ્તારમાં આવેલી સંજર સોસાયટીના નવાઝખાન પઠાણ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નવાઝ ખા સમયે-સમયે દારૂ પણ પીતો હતો. થોડા દિવસથી તે મિત્રો સાથે MD ડ્રગ્સનો નશો કરતો પણ થઈ ગયો હતો. 20 જાન્યુઆરીની રાત્રે 11:00 વાગ્યાના સમયગાળામાં નવાઝે પોતાના ઘર પર કોઈ નશાકારક દ્રવ્યનું ઈન્જેકશન લીધું હતું. ત્યારબાદ સવારે તેને ખેંચ આવી ગઈ હતી અને બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ લગભગ 3 ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. જો કે, કોઈ રિકવરી ન આવી અને સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. જોકે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ તેના મોતનું સાચું કારણ સામે આવશે. હાલમાં આ મામલે ભેસ્તાન પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
આ પણ વાંચો :-