અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી ખોડિયારનગરની એક જીન્સ બનાવતી કંપનીમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. કાપડ ધોવાની માટે બનાવેલી વિશેષ ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના શ્વાસ રૂંધાતા મોત થયા છે. મૃતક યુવકોની ઓળખ સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર તરીકે થઈ છે. તમામ યુવકોની ઉંમર અંદાજે 25થી 30 વર્ષ વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે.
પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્રણેય યુવકોના મૃતદેહ રાતભર ટાંકીમાં જ રહ્યા હતા અને સમયસર બચાવ કાર્યવાહી ન થતા દુર્ઘટના ઘટી. યુવકોને બેભાન અવસ્થામાં મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા છે. ત્રણેય યુવકોના મૃતદેહો આખી રાત ટાંકીમાં રહ્યાં હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હવે તપાસ આ દિશામાં ચાલી રહી છે કે શું સુરક્ષા નિયમોની અવગણના થઈ હતી? અને આવા તણાવભર્યા પરિસ્થિતિમાં કઈ રીતે કામદારોને કામ પર ઉતારવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની ગંભીરતા અનુસાર તપાસ શરૂ કરી છે. દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાવ્યો છે.