ઈઝરાઈલ માં ફસાયા વડોદરાના ૨૫૦ લોકો

Share this story

ઈઝરાઈલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાઈલ માં વડોદરાના ૨૫૦થી વધુ લોકો ફસાયા છે. જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. નર્સિંગના વ્યવસાય સાથે સંકડાયેલી મહિલાઓ ઈઝરાઈલમાં ફસાઇ ગઈ છે.

ઈઝરાઈલની હોસ્પિટલોમાં ભારતીય નર્સો વર્ષોથી સેવા આપે છે. ગુજરાતની મહિલાઓ યુદ્ધમાં ફસાતા ગુજરાતમાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. ભારતીય વિદેશ મંત્રાલય યુદ્ધની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. રાજકોટના સોનલબેન ગેડીયાએ શેર કરેલા વિડિયોમાં ઈઝરાઈલની પરિસ્થિતિ સોશિયલ મીડિયામાં  જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, બાટીયમ સિટીમાં રાત્રે ધમાકા થયા હતા પરંતુ અત્યારે શાંતિ છે. હાલમાં બધા નાગરિકો સુરક્ષિત જગ્યાએ છે. હાલમાં ગાઝા તરફથી વિસ્ફોટના અવાજ આવી રહ્યા છે. મુખ્ય માર્ગ તેમજ મુખ્ય બજાર ઉપર જવા ઈઝરાઈલ સરકારે મનાઈ કરી છે

ધાર્મિક તહેવારો શબ્બત અને સિમચત તોરાહની રજા પર સમગ્ર દેશ સાયરન અને રોકેટના અવાજથી ગભરાઈ ગયો હતો કારણ કે પેલેસ્ટાઈન સમર્થિત હમાસ આતંકવાદીઓએ  ઈઝરાઈલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો અને એક પછી એક 5 હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. હમાસના રોકેટ હુમલાનો ઈઝરાઈલ ની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ જવાબ આપ્યો. ઈઝરાઈલ ની આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમએ આકાશમાં હમાસના રોકેટોનો નાશ કર્યો હતો, જોકે કેટલાક રોકેટ રહેણાંક વિસ્તારોમાં પડ્યા હતા, જેના કારણે નુકસાન થયું હતું. હમાસના હુમલાથી ચોંકી ઉઠેલા ઈઝરાઈલે યુદ્ધનું એલર્ટ વગાડ્યું અને જવાબી કાર્યવાહી કરી.

ઈઝરાઈલમાં અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ ગાઝા પટ્ટીમાં ૪૦૦થી વધુ લોકોના મોત થયા છે.