વડોદરાના હરણી તળાવમાં બોટ ઉંધી વળતાં ૨ શિક્ષકો અને ૧૦ વિદ્યાર્થીઓના મોત

Share this story

વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના બની છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને ૪ શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં બે શિક્ષક અને ૧૦ બાળકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય બાળકો હોસ્પિટલમાં દાખલ છે.

ધારાસભ્ય કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, આ ઘટના દુઃખદ, ખુબ જ ગોજારી કહેવાય. નાના બાળકો જે દેશનું ભવિષ્ય છે, તેની સાથે આ ઘટના બની છે. આ ઘટનામાં જે પણ નાની મોટી ચૂક હશે તેની ગંભીરતાની નોંધ લેવામાં આવશે. હાલમાં આ બાળકોને બચાવવાની પ્રથમિકતા છે. જે કોઈની ભૂલ હશે તેની સામે પગલા લેવામાં આવશે. બાળકોની સેફ્ટીને લઈ ચૂક થઈ હશે તો તે મામલે પણ તપાસ કરવામાં આવશે.વડોદરા શહેર પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ, કલેકટર, ધારાસભ્ય કેયુર રોકડીયા સહિતના અધિકારીઓ હાલ ઘટના સ્થળ પર હાજર થઈ ગયાં છે.

વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ ઘટનામાં બેદરકારી છે. નાના બાળકોને તેમના સ્કૂલના શિક્ષકો લાવ્યા હશે. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન જવાબદાર છે. જ્યારે એક હોનારત આપણે ત્યાં થઈ હતી એના પરથી પણ ના સમજ્યા. બાળકો ઉપર સેફ્ટી માટેના લાઈફ જેકેટ પણ નથી તો જવાબદાર કોણ છે. ફક્ત ભ્રષ્ટાચાર અને રૂપિયા કમાવવાની લાલસા છે.