નેપાળમાં અતિ ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 170 થયો હતો, જ્યારે 42 લોકો લાપતા છે. તમને જણાવી દઈએ કે શુક્રવારથી ભારે વરસાદના કારણે પૂર્વ અને મધ્ય નેપાળનો મોટો હિસ્સો ડૂબી ગયો છે અને દેશના ઘણા ભાગોમાં પૂર આવી ગયું છે. નેપાળમાં પૂરના કારણે અડીને આવેલા બિહારના અનેક વિસ્તારો ફરી એકવાર પૂરનો શિકાર બનવા લાગ્યા છે. બિહારમાં ભારે વરસાદ અને નદીઓના જળસ્તર વધવાને કારણે હાહાકાર મચી ગયો છે. રસ્તાઓ તળાવ બની ગયા છે, 3-4 ફૂટ સુધી પાણી ભરાયા છે. ખાસ કરીને નેપાળને અડીને આવેલા જિલ્લાઓમાં પૂરનો કહેર જોવા મળી રહ્યો છે.
બિહારમાં મોતિહારીના કુંડવા ચૈનપુરમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. નેપાળમાં ભારે વરસાદને કારણે બાગમતી નદી અને લાલબકેયા નદીમાં પૂર છે, જેની અસર બિહારમાં પણ જોવા મળી રહી છે. રસ્તાઓ પર 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. ચૈનપુરના અનેક ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે. આ યાદીમાં હીરાપુર, ગુરહાનવા, વીરતા ટોલા, ભવાનીપુર, બલુઆ અને મહગુઆ સહિત ઘણા ગામોના નામ સામેલ છે. પાણીના જોરદાર પ્રવાહને કારણે બાગમતી નદી અને લાલબકૈયા નદી પર બનેલો બંધ ગઈકાલે રાત્રે અચાનક તૂટી ગયો હતો, જેના કારણે નદીઓમાં ગાબડું પડ્યું હતું. જેના કારણે ચૈનપુર સહિત અનેક વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા હતા.
નેપાળની બાગમતી નદીમાં ભારે પૂર આવ્યું છે અને હવામાન વિભાગ મુજબ હજુ મંગળવાર સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. કાઠમંડૂની મુખ્ય નદી બાગમતી પૂર્વી અને મધ્ય નેપાળમાં મૂશળધાર વરસાદ પછી જોખમી નિશાનથી ઉપર વહી રહી છે. કાઠમંડુમાં પહેલાં ક્યારેય આવું પૂર જોવા મળ્યું નથી. આઈસીએમઓડીના રિપોર્ટમાં કહેવાયું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર અને ચોમાસાના કારણે શનિવારે અનરાધાર વરસાદ વરસ્યો છે.
દરમિયાન ઉત્તર ભારતમાં મૂશળધાર વરસાદથી અનેક રાજ્યોની હાલત ખરાબ થઈ છે. નેપાળમાં આવેલા પૂરથી બિહારમાં નદીઓનું જળસ્તર વધતાં વીરપુર અને વાલ્મિકિનગર બેરેજના દરવાજા ખોલી દેવાયા છે. જેથી ૨૦ જિલ્લાઓમાં પૂરનું જોખમ સર્જાયું છે. બિહારની કોસી નદીમાં જળસ્તર વધતા ૫૬ વર્ષમાં સૌથી વધુ ૬.૬૧ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પરિણામે ૧૩ જિલ્લામાં ૧૬.૨૮ લાખથી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એ જ રીતે ગંડક નદીમાં પૂરના પાણી આવતા વાલ્મિકિનગર બેરેજમાંથી ૫.૬૨ લાખ ક્યુસેક પાણી છોડાયું છે.
આ પણ વાંચો :-