મિસાઈલ હુમલાથી રશિયાએ ફરી યુક્રેનમાં તબાહી મચાવી, ૧૬ લોકોના મોત, ૬૧ ઘાયલ

Share this story

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષથી વધુ સમય વીતી ગયો છે. રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે. આ દરમિયાન રશિયાના તાજેતરના હુમલામાં ૧૬ લોકોના મોત થયા છે. રશિયા તરફથી છોડવામાં આવેલી મિસાઈલ ઉત્તરી યુક્રેનના ચેર્નિહિવમાં આઠ માળની ઈમારત પર પડી હતી, જેમાં ૧૬ લોકોના મોત થયા હતા. યુક્રેનની ઈમરજન્સી સર્વિસે જણાવ્યું કે હુમલામાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા ૬૧ લોકો ઘાયલ થયા છે. ચેર્નિહિવ યુક્રેનની રાજધાની કિવથી લગભગ ૧૫૦ કિલોમીટર ઉત્તરમાં રશિયા અને બેલારુસની સરહદ નજીક સ્થિત છે અને તેની વસ્તી લગભગ ૨.૫ મિલિયન છે.

યુદ્ધે તેના ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે રશિયા યુક્રેનમાં હજુ પણ ઘાતક હુમલા કરી રહ્યું છે. પશ્ચિમી દેશોએ યુક્રેનને વધારાના સૈન્ય સાધનો ન આપવાને કારણે રશિયા સામેના યુદ્ધમાં તેની સ્થિતિ નબળી પડી રહી છે. જો કે, શિયાળાના મહિનાઓ દરમિયાન, રશિયા યુદ્ધ મોરચે કોઈ પ્રગતિ કરી શક્યું ન હતું. દરમિયાન, ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલાએ જણાવ્યું હતું કે તેમની સરકારે EU બહારના દેશોમાંથી યુક્રેનને ૫૦૦,૦૦૦ આર્ટિલરી શેલ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. આ હથિયારો જૂનમાં સપ્લાય કરવામાં આવશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પશ્ચિમી દેશોને તેમના દેશને વધુ એર ડિફેન્સ સિસ્ટમ પ્રદાન કરવા વિનંતી કરી છે. તેમણે ચેર્નિહિવ હુમલા વિશે કહ્યું હતું કે “જો યુક્રેનને પર્યાપ્ત હવાઈ સંરક્ષણ સાધનો મળ્યા હોત અને વિશ્વ રશિયન આતંકવાદનો સામનો કરવા માટે સંકલ્પબદ્ધ હોત, તો આવું ન થયું હોત.” મિસાઇલ અને ડ્રોન હુમલાઓ સામે રક્ષણ કરવા માટે યુક્રેન પાસે એર ડિફેન્સ મિસાઇલોનો અભાવ છે. તાજેતરમાં, રશિયાએ એક હુમલામાં યુક્રેનના સૌથી મોટા પાવર પ્લાન્ટ્સમાંથી એકને નષ્ટ કરી દીધો હતો.

‘ઇન્સ્ટીટ્યુટ ફોર ધ સ્ટડી ઓફ વોર’ના જણાવ્યા અનુસાર યુક્રેનમાં સૈન્ય સાધનોની અછત છે. તાજેતરમાં એક ISW રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે યુક્રેનને યુએસ સૈન્ય સહાયની જોગવાઈમાં વિલંબને કારણે રશિયા ઝડપથી આગળ વધી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન સહાય વિના યુક્રેન યુદ્ધના મેદાનમાં લાંબો સમય ટકી શકે નહીં. ISWએ કહ્યું કે યુક્રેનને અત્યારે સૌથી વધુ જેની જરૂર છે તે એર ડિફેન્સ સિસ્ટમ અને આર્ટિલરી છે.