Saturday, Sep 13, 2025

ઈઝરાયલના ભીષણ હુમલામાં ગાઝામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૭ના મોત

2 Min Read

ઈઝરાઇલ-હમાસના યુદ્ધને ત્રણ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, ત્યારે ઈઝરાઇલી સેનાએ ગાઝામાં ભીષણ હુમલો કરતા ૨૪ કલાકમાં ૧૪૭ લોકોના મોત થયા છે. જ્યારે ઈઝરાઇલી સેનાએ દીર અલ-બલાહમાં અલ-અક્સા શહીદ હોસ્પિટલ પાસે રહેણાંક વિસ્તારમાં ૩ મિસાઈલ હુમલો કરતાં ઓછામાં ઓછા ૪૦ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હુમલા બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે, તો પેલેસ્ટાઈની રાજદૂતે ફરી યુએનમાં મુદ્દો ઉઠાવવા શુક્રવારે આરબ સમુહની બેઠક બોલાવી છે. ઈઝરાઇલના તેલ અવીવની મુલાકાતે આવેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને પણ વહેલીતકે યુદ્ધ સમાપ્ત કરવાની વાત કહી છે.

ગાઝા પટ્ટીમાં એક તરફ મોતના આંકડાઓ વધી રહ્યા છે, તો બીજીતરફ લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગી રહ્યા છે. ઈઝરાઇના સતત હુમલાના કારણે ઈજાગ્રસ્તોને સારવાર મળવી મુશ્કેલ બની છે, ઉપરાંત માનવીય સહાય પણ ત્યાં પહોંચી રહી નથી. એટલું જ નહીં ઈજિપ્તના અલ અરિશમાં જર્મની વિદેશમંત્રી અન્નાલીનાએ માનવીય મદદ પહોંચાડવા રફા બોર્ડર ખોલવા પણ અપીલ કરી છે.

યુદ્ધની સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે, જેને અટકાવવા સંયુક્ત રાષ્ટ્રમાં પણ સતત મુદ્દા ઉઠાવાઈ રહ્યા છે. પેલેસ્ટાઈનના સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત રિયાદ મંજૂરે ફરી પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ સંયુક્ત રાષ્ટ્રનો દરવાજો ખટખટાવશે. શુક્રવારે આરબ સમૂહની મુખ્ય બેઠક પણ યોજાવાની છે, જેમાં યુદ્ધનો મુદ્દો ઉઠાવાશે.

ઉલ્લેખનિય છે કે, ઈઝરાઇલી હુમલામાં અત્યાર સુધીમાં ૨,૩,૩૫૭ પેલેસ્ટાઈની નાગરિકોના મોત થયા છે. ૫૮ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ૨૩ લાખ લોકો બેઘર થયા છે. ૭ ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ઈઝરાઇલ વળતો જવાબ આપી રહ્યો છે. ઈઝરાઇલે પણ કહ્યું છે કે, અમે હમાસનો ખાતમો બોલાવ્યા બાદ જ યુદ્ધ સમાપ્ત કરીશું.

આ પણ વાંચો :-

Share This Article