મુંબઈમાં ધૂળના તોફાનને કારણે સોમવારે ઘાટકોપર વિસ્તારમાં એક વિશાળ હોર્ડિંગ (બિલબોર્ડ) પડી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આજે મંગળવારે વહેલી સવારે આ ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૪ થઈ ગયો છે અને ઓછામાં ઓછા ૭૪ લોકો ઘાયલ થયા છે. NDRFની ટીમોએ હોર્ડિંગ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓનું કહેવું છે કે, આ હોર્ડિંગ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વગર બાંધવામાં આવ્યું હતું.
જ્યારે આ અકસ્માત થયો ત્યારે પેટ્રોલ પંપ પાસે ૧૦૦ થી વધુ લોકો હાજર હતા. હોર્ડિંગ પડી ગયા બાદ હોબાળો થયો હતો. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, એનડીઆરએફની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે આખી રાત ચાલુ રહ્યું હતું. સવારે ૩ વાગ્યા સુધીમાં, હોર્ડિંગની અંદર ફસાયેલા કુલ ૮૬ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ૧૨ લોકોના મોત થયા છે. તે જ સમયે, ૪૩ ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાં ઘણા લોકોની હાલત નાજુક છે. આ સિવાય ૩૧ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
પોલીસે બિલબોર્ડ મેન્યુફેક્ચરિંગ એજન્સી મેસર્સ ઇગો મીડિયા અને તેના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પંત નગર પોલીસ સ્ટેશનમાં હોર્ડિંગ માલિક ભાવેશ ભીંડે અને અન્ય વિરુદ્ધ IPCની કલમ ૩૦૪, ૩૩૮, ૩૩૭ હેઠળ કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સોમવારે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનો માટે રૂપિયા 5 લાખની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી અને કહ્યું કે, ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. બીજી ઘટનામાં વડાલામાં લોખંડનું માળખું તૂટી પડ્યું હતું. ૪:૨૨ વાગ્યે, વડાલાના બરકત અલી નાકામાં શ્રીજી ટાવર પાસે મેટલ/સ્ટીલ પાર્કિંગ ધરાશાયી થયું. રસ્તાના કિનારે પાર્ક કરાયેલા અનેક વાહનો તેની સાથે અથડાયા હતા. કારની અંદર એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. મુંબઈ ફાયર બ્રિગેડએ તેને બચાવી લીધો.
આ પણ વાંચો :-