ગુજરાતમાં આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે. વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહારના પટના, ભાગલપુર, પૂર્ણિયા અને ગયા તેમજ ઉત્તર પ્રદેશના લખનૌ, કાનપુર, આગ્રા, બહરાઇચ, ઉન્નાવ અને બરેલી માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તરાખંડના નૈનિતાલ અને ચમોલી અને હિમાચલ પ્રદેશના મનાલી અને શિમલા માટે પણ ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હાલમાં ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના પરિણામે ખાસ કરીને સવારના સમયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાશે. આ પરિસ્થિતિ 14 ડિસેમ્બર સુધી સામાન્ય રહેવાની શક્યતા છે.પવનની ગતિ વધુ હોવાથી લઘુતમ તાપમાન ભલે સ્થિર રહે, પરંતુ શીતલહેર જેવી ઠંડીનો અહેસાસ જારી રહેશે. ખેડૂતોને તેમના રવિપાકની જાળવણી માટે આ ઠંડું હવામાન સાનુકૂળ રહેશે, જોકે લોકોને ઠંડીથી બચવા માટે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
અમરેલીમાં 11.44 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 11.7 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી, રાજકોટમાં 12.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, ડિસામાં 12.7 ડિગ્રી, મહુવામાં 12.7 ડિગ્રી, કેશોદમાં 12.3 ડિગ્રી, અમદાવાદમાં 13.4 ડિગ્રી, વિદ્યાનગરમાં 14.4 ડિગ્રી, ભુજમાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 14.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી, દીવમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.