રાજસ્થાનની 12 સગીરાઓને કેરળમાં માનવ તસ્કરોના કબજામાંથી છોડાવાઈ, 2ની ધરપકડ

Share this story

12 minors from Rajasthan freed

  •  કેરળની જે શાળામાં પ્રવેશ અપાવવા લઈ જવાઈ રહી હતી તે શાળા કેટલાય વર્ષોથી બંધ પડી હોવાથી શંકા જાગી હતી.

રાજસ્થાનમાંથી (Rajasthan) મોટા પાયે બાળકોની માનવ તસ્કરી થઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, રાજસ્થાન પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને (Anti Human Trafficking Unit) તેનો બિલકુલ અણસાર પણ નહોતો. જ્યારે કેરળ પોલીસે (Kerala Police) રાજસ્થાનમાંથી બાળકોની માનવ તસ્કરી થઈ હોવાની પુષ્ટિ કરવાની સાથે 2 તસ્કરોની ધરપકડ થઈ હોવાનું જણાવ્યું છે.

12 સગીરાઓને મુક્ત કરાવાઈ :

કેરળ કોઝીકોડ જીઆરપી પોલીસે 7 દિવસ પહેલા ટ્રેનમાંથી રાજસ્થાનના બાંસવાડાની 12 સગીરાઓને મુક્ત કરાવી હતી. તે તમામ બાળકીઓને કેરળના એર્નાકુલમ સ્થિત એક શાળામાં ભરતી કરવાના નામે લઈ જવાઈ રહી હતી. પોલીસે તેમના પરિવારજનોનો સંપર્ક કરીને તથ્યો પ્રાપ્ત કરવા પ્રયત્ન હાથ ધર્યા છે.

માત્ર 5 વર્ષ માટે ખુલી હતી શાળા :

કેરળ પોલીસના એક અધિકારીના કહેવા પ્રમાણે બાળકીઓને જે શાળામાં દાખલો અપાવવાના બહાને લઈ જવાઈ રહી હતી તે શાળા 2017ના વર્ષમાં જ બંધ થઈ ગઈ હતી. તે શાળા 2013માં ખુલી હતી પરંતુ શંકાસ્પદ ગતિવિધિઓના કારણે તેને માન્યતા નહોતી અપાઈ.

બાંસવાડાની 12 બાળકીઓને બાસંવાડા અને કેરળના 2 તસ્કરો સાથે મોકલવામાં આવી હતી. તે બંને તસ્કરો પાસેથી સગીરાઓના પરિવાર દ્વારા લખવામાં આવેલા એફિડેવિટ મળી આવ્યા હતા. તેમાં બાળકીઓને તેમની મરજીથી કેરળની શાળામાં ભણવા મોકલવામાં આવી હોવાનું લખેલું હતું. જ્યારે વાસ્તવમાં તે શાળા ઘણાં વર્ષોથી બંધ જ પડી હોવાથી માનવ તસ્કરીની શંકા જાગી હતી અને બંને આરોપીઓની આઈપીસીની કલમ 370 અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.

કેરળ પોલીસે આ ટોળકીના અન્ય સાગરિતોની તપાસ હાથ ધરી છે અને તે સગીરાઓને તેમના પરિવારને સોંપવામાં આવશે. આ પ્રકારની માનવ તસ્કરીમાં પીડિતોનું મજૂરી કામ, લગ્ન, ધર્માંતરણ, ભીખ માંગવા, વેશ્યાવૃત્તિ માટે અને ચોરી કરવા માટે શોષણ કરવામાં આવે છે.

આ પણ વાંચો  :-