રાજકોટમાં હાર્ટ એટેકના કારણે ચાર લોકોના મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

Share this story

ગુજરાતના આ શહેરમાં હાર્ટ એટેકથી મૃત્યું થવાનાં કેસમાં વધારો થતા લોકોમાં હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજે ૨૪ કલાકમાં એક યુવક સહિત ચાર લોકોનાં હાર્ટ એટેકથી મોત થવા પામ્યું હતું. જેમાં રૈયાધારનાં બંધસીધર પાર્કમાં રહેતા રઘુભાઈ શિયાળિયા રવિવારે રાત્રે તેઓનાં ઘરે હતા. તે દરમ્યાન તેઓને અચાનક છાતીમાં દુઃખાવો થતા તેઓ બેભાન થઈ ગયા હતા. જે બાદ તેમનાં પરિવારજનો દ્વારા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.

ડ્રાઈવર રઘુભાઈ શિયાળિયા રૈયાધારના બંધસીધર પાર્કમાં રહે છે. ૫૪ વર્ષીય રઘુભાઈ રવિવારે રાત્રે ઘરમાં હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડયા બાદ અચાનક બેભાન થતા કુટુંબીજનો તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. શાકભાજીની ફેરી કરનાર મધુભાઈ રવિવારે સાંજે રિક્ષામાં શાકભાજી ભરી મોચી બજારમાં આવ્યા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડયા બાદ બેભાન થઈ ગયા. તેમને પણ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા. પરંતુ હોસ્પિટલ પંહોચતા પહેલા જ રસ્તામાં જ મધુભાઈ હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામ્યા.

કારખાનામાં કામ કરનાર રમેશભાઈ ઉદ્યોગ નગર ખાતે આવેલ કારખાનામાં કામ કરતા અચાનક ઢળી પડ્યા. ૫૫ વર્ષીય રમેશભાઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા જ એટેકના કારણે મૃત્યુ પામ્યા. ૨૪ કલાકમાં હાર્ટએટેકથી મૃત્યુ પામવાની ચોથી ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિ મધ્યપ્રદેશનો ડ્રાઈવર છે. મધ્યપ્રદેશના આ ડ્રાઈવર જેનું નામ કાંતિલાલ મેઘવાળ છે. ડ્રાઈવર કાંતિલાલ ગાડીમાં ફ્રૂટ ભરી મધ્યપ્રદેશથી રાજકોટના મેંગો માર્કેટમાં વેપાર અર્થે આવ્યો હતો. રાજકોટના રોકાણ દરમ્યાન ડ્રાઈવર સૂઈ ગયા બાદ બીજા દિવસે ના ઉઠતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યો. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે ડ્રાઈવરનું મૃત્યુ થવા પાછળ હાર્ટએટેક હોવાનું કારણ આપ્યું. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં જ ૪ વ્યક્તિઓના હાર્ટએટેકથી મોત નિપજતા લોકોમાં ભય ફેલાયો છે.