સુરત: ‘વિકાસ સપ્તાહ’ ઉજવણી અંતર્ગત મજૂરાગેટ સ્થિત જિલ્લા રોજગાર કચેરી- સુરત દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI) ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો હતો. જેમાં આયોજિત ભરતી મેળામાં ૪૫૭ ઉમેદવારોને રોજગારપત્રો અને ૯૫૯ ITI તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટરનું વિતરણ કરાયું હતું. સાથે જ ITI અપગ્રેડેશન માટે વિવિધ કંપની સાથે ૧૮ MOU કરાયા હતા.
આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની સંખ્યા અને ગુણવત્તામાં ઉત્તરોઉત્તર વિકાસ થયો છે. દરેક સુવિધાથી સુસજ્જ એવા મોર્ડન ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. વડાપ્રધાન દ્વારા સ્કીલને પ્રાધાન્ય આપી યુવાનોના રોજગારલક્ષી પ્રોફેશનલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવે છે. આવનાર યુગમાં AI જેવી ટેકનોલોજીનું મહત્વ વધવાથી તે પ્રમાણેનું ટેકનિકલ જ્ઞાન વિદ્યાર્થીઓને મળે તેવા સતત પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરાઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઉદ્યોગોની માંગને આધારે ઉમેદવારોને રોજગાર મળે તે માટે સાંસદશ્રીએ યુવાઓને સમય સાથે ટેકનિકલી અપડેટ રહેવા પ્રોત્સાહન આપ્યું હતું. વડાપ્રધાનશ્રીના ‘હર હાથ કો કામ, હર કામ કો સન્માન’ના સૂત્રને સાર્થક કરવા યુવાઓને શિક્ષણ દ્વારા સ્કીલ, ઉર્જા અને સમયનો સમન્વય કરી રોજગારી મેળવવા અને શ્રેષ્ઠ દેખાવ કરવા અનુરોધ કર્યો હતો.