યશસ્વી જયસ્વાલ ભારત તરફથી ASIAN GAMES ટી 20 ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

Share this story

ચીનનાં હાંગઝોઉમાં એશિયન ગેમ્સ રમાઈ રહ્યા છે. વિવિધ રમતોમાં ભારતીયો ચમકી રહ્યા છે ત્યારે હવે ક્રિકેટમાં પણ ભારતે પોતાનો દમ બતાવ્યો છે. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે મેન્સ ક્રિકેટની ક્વાર્ટર ફાઇનલમાં ભારત નેપાળ સામે ટકરાયું હતું. આ મેચમાં યશસ્વી જયસ્વાલ અને રીન્કુ સિંઘ જોરદાર બેટિંગ કરીને ચમક્યા હતા. નેપાળ સામે ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારતીય ટીમ તરફથી યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ બેટિંગ કરવા આવ્યા હતા. બંનેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. ગાયકવાડ માત્ર ૨૫ રન બનાવીને આઉટ થયો જ્યારે લેફટી બેટર તિલક વર્મા પણ ડબલ ફિગર પાર કરવામાં સફળ થયો ન હતો. પરંતુ યશસ્વી જયસ્વાલ એક છેડેથી નેપાળને ધોવાનું ચાલુ રાખ્યું હતું અને અને માત્ર ૪૮ બોલમાં જ સદી ફટકારી દીધી હતી.

યશસ્વી ભારત તરફથી એશિયન ગેમ્સ ટી ૨૦ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ સુધી આવું કોઈ કરી શક્યું નથી. યશસ્વી જયસ્વાલ માત્ર ૨૧ વર્ષની વયે સદી ફટકારનાર ખેલાડી બન્યો આ સાથે ભારત તરફથી ટી-૨૦ ક્રિકેટમાં સદી મારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. અગાઉ આ રેકોર્ડ્ શુભમન ગિલનાં નામે હતો. જેની ઉંમર ૨૦ વર્ષ છે.યશસ્વી જયસ્વાલને સતત સારા પરફોર્મન્સ પછી પણ વર્લ્ડકપની સ્કવોડમાં સ્થાન મળ્યું નહોતું.

હવે એશિયન ગેમ્સમાં પણ તેણે પોતાનું શાનદાર પરફોર્મન્સ જારી રાખ્યું છે અને એશિયન ગેમ્સ જેવી મલ્ટી સ્પોર્ટ્સમાં સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બની ગયો છે. અગાઉ યશસ્વી જયસ્વાલે આઈપીએલથી લઈને ટીમ ઈન્ડિયા સુધી લગભગ દરેક મેચમાં શોર મચાવ્યો છે અને રન કરી બતાવ્યા છે.

યશસ્વી જયસ્વાલને બાદ કરતાં ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર સંપૂર્ણ રીતે પડી ભાંગ્યો હતો. યુવા બેટ્સમેને એકલા હાથે ટીમ ઈન્ડિયાને મોટો સ્કોર કરવામાં મદદ કરી હતી. ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા ઉપરાંત જીતેશ પણ ડબલ ફિગર પાર કરી શક્યા ન હતા. બીજા છેડેથી યશસ્વીના બેટથી તો રનનો વરસાદ થતો જોવા મળ્યો હતો. યુવા બેટ્સમેને માત્ર ૪૮ બોલમાં ૮ ચોગ્ગા અને ૭ ગગનચુંબી છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. યશસ્વીની વિસ્ફોટક બેટિંગના કારણે નેપાળની ટીમ બેકફૂટ પર જોવા મળી હતી. ભારતે ૨૦૦થી વધુનો આંકડો પાર કરી લીધો હતો અને નેપાળને મોટો પડકાર આપ્યો હતો.

યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું ત્યારે તેણે પણ એક પછી એક ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. ટી૨૦ ક્રિકેટની વાત આવે તો આ યુવા બેટ્સમેને તેમાં પણ જોરદાર બેટિંગ કરીને ઇનિંગ્સ રમીને હેડલાઇન્સ બનાવી હતી. હવે નેપાળ સામેની એશિયન ગેમ્સમાં પણ જયસ્વાલ ટીમ ઈન્ડિયાનો સંકટ મોચક સાબિત થયો છે. યશસ્વીએ પોતાની અડધી સદી માત્ર ૨૨ બોલમાં પૂરી કરી હતી.