Sunday, Dec 7, 2025

નકલી IAS બનીને 6 મહિનાથી ફાઈવ-સ્ટાર હોટલમાં રહેતી મહિલા ઝડપાઈ

2 Min Read

રાજ્યના છત્રપતિ સંભાજીનગરમાં જાલના રોડ પર આવેલી એક ફાઇવ સ્ટાર હોટલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક મહિલાએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને લગભગ છ મહિના સુધી શંકાસ્પદ રીતે ત્યાં રહીને સુરક્ષા એજન્સીઓમાં ચિંતા ઉભી કરી છે. ધરપકડ કરાયેલી મહિલાની ઓળખ કલ્પના ત્ર્યંબકરાવ ભાગવત (45) તરીકે થઈ છે, જે પડેગાંવના ચિનાર ગાર્ડનની રહેવાસી છે. પોલીસ તપાસમાં તેના અફઘાનિસ્તાન-પાકિસ્તાન સંબંધો પણ બહાર આવ્યા છે.

મહિલાના ફોનમાંથી સંવેદનશીલ ફોટોગ્રાફ્સ મળ્યા
સિડકો પોલીસના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં રહેતા તેના બોયફ્રેન્ડ અશરફ ખલીલ અને પાકિસ્તાનમાં રહેતા તેના ભાઈ અવેદ ખલીલના ખાતામાંથી મહિલાના બેંક ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. મહિલાના મોબાઇલ ફોનમાંથી બંને વિદેશીઓના પાસપોર્ટ, વિઝા અને ભારત આવવાની અરજી નકલો સહિતના સંવેદનશીલ ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા હતા.

મહિલાનુ આધાર કાર્ડ પણ નકલી
મહિલા છેલ્લા છ મહિનાથી જાલના રોડ પર આવેલી હોટલ એમ્બેસેડરમાં રોકાઈ હતી, અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઉચ્ચ કક્ષાના અધિકારી હોવાનો દાવો કરતી હતી. 22 નવેમ્બરની રાત્રે પોલીસને હોટલમાં એક વરિષ્ઠ અધિકારી શંકાસ્પદ રીતે રોકાયા હોવાની માહિતી મળી હતી. દસ્તાવેજોની તપાસ કરતાં, તેનું આધાર કાર્ડ પણ બનાવટી હોવાનું જાણવા મળ્યું.

પોલીસે તેના રૂમની તપાસ કરી, ત્યારે મહિલાએ શરૂઆતમાં રોફ બતાવીને પૂછપરછથી બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની બેગમાંથી UPSC 2017 પસંદગી યાદીની નકલ અને ભારતીય વહીવટી સેવા (IAS) નિમણૂક પત્રની બનાવટી ફોટોકોપી મળી આવી. આ દસ્તાવેજો જોતાં, પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી.

ATS અને IB દ્વારા પૂછપરછ
મહિલા વિરુદ્ધ CIDCO પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાં કોર્ટે તેને 26 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેસની ગંભીરતાને જોતાં, ATS અને IB એ પણ મહિલાની સઘન પૂછપરછ શરૂ કરી છે.

Share This Article