ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ અણધાર્યો વરસાદ અને ઝડપી પવનનો પ્રકોપ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવારે (30 મે, 2025) રાજ્યના અનેક જિલ્લાઓમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જોકે, રવિવારથી વરસાદની સંભાવના ઘટી જશે. આ અચાનક આવેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.
ગુજરાતના મોટાભાગના જિલ્લામાં શુક્રવારે (30 મે) 50થી 60 કિલોમીટર પ્રતિ ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, રવિવારથી રાજ્યમાં વરસાદની સંભાવના નથી. બીજી બાજુ વહેલા વરસાદના કારણે ડાંગરના પાકમાં નુકસાન થતાં મોંઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આંબાવાડીઓમાં મધીયાનો રોગ લગતા કેરીનો પાક પણ નિષ્ફળ જતા ત્રણેય બાજુ ખેતીવાડીમાં નુકસાનથી જગતના તાત ખેડૂતોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો છે.
ગુરુવારે રાજ્યના 35 તાલુકાઓમાં લગભગ 1 ઈંચ વરસાદ નોંધાયો, જેમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો. ભરૂચના ઝઘડિયા, હાંસોટ, વારિયા, તાપીના સોનગઢ, વડોદરાના કરજણ અને મહેસાણાના સતલાસણા જેવા વિસ્તારોમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 મેના રોજ સાંજે 05 :30 સુધી બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચમાં મધ્યમ વરસાદની આગાહી છે. પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને ભાવનગરમાં હળવો વરસાદ થશે, જ્યારે અમરેલીમાં છૂટાછવાયા ધીમા વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં, 31 મેના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાશે.