આજના ડિજિટલ યુગમાં લોકો રોકડના બદલે વધુપડતા UPI પેમેન્ટનો ઉપયોગ કરે છે. માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં, પરંતુ ગામડાઓમાં પણ UPI પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધતો જઈ રહ્યો છે. જોકે સોશિયલ મિડિયા પર ફેલાઈ રહેલી એક અફવાએ UPI પેમેન્ટ કરનારાઓમાં ચિંતા ફેલાવી છે. જોકે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ફક્ત અફવા છે અને આ પ્રકારનો કોઈ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી.
GST UPI Payments: શું UPI પેમેન્ટ પર ટેક્સ લાગશે?
સરકારે સ્પષ્ટતા કરી છે કે તે 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર GST લાદવાનું વિચારી રહી નથી. સરકાર 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST) લાદવાનું વિચારી રહી છે તેવા અહેવાલોને સ્પષ્ટ કરતા, નાણા મંત્રાલયે કહ્યું કે આ સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, હાલમાં સરકાર સમક્ષ આવો કોઈ પ્રસ્તાવ નથી. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) જેવા ચોક્કસ ચાર્જ પર GST વસૂલવામાં આવે છે.
MDR પણ દૂર કરવામાં આવ્યો
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ (CBDT) એ જાન્યુઆરી 2020 થી ગ્રાહકથી વેપારી (P2M) વચ્ચેના UPI વ્યવહારો પર MDR દૂર કરી દીધો છે. મંત્રાલયે કહ્યું, હાલમાં UPI વ્યવહારો પર કોઈ MDR વસૂલવામાં આવતો નથી, તેથી આ વ્યવહારો પર કોઈ GST લાગુ પડતો નથી. UPI વ્યવહારોમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે, જે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 21.3 લાખ કરોડથી વધીને માર્ચ 2025 સુધીમાં રૂ. 260.56 લાખ કરોડ થઈ ગઈ છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે સરકાર UPI દ્વારા ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
લોકોમાં ફેલાયેલા ભ્રમને દૂર કરવા માટે કેન્દ્રીય પરોક્ષ કર અને મર્યાદા શુલ્ક બોર્ડ (CBIC) એ X (ટ્વિટર) પર સ્પષ્ટતા આપી. CBIC એ ટ્વીટ કરીને કહ્યું હતું કે UPI ટ્રાન્ઝેક્શન પર GST લગાડવાના દાવા નકામા છે. જાન્યુઆરી 2020થી CBDT એ P2M (Person to Merchant) UPI ટ્રાન્ઝેક્શન પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) દૂર કર્યો છે, જેના કારણે GST લાગુ પડતો નથી. સરકાર 2021-22થી UPIને પ્રોત્સાહન આપવા માટે યોજના ચલાવી રહી છે, જેમાં 2023-24 સુધી ₹3631 કરોડ ફાળવવામાં આવ્યા છે.