Thursday, Oct 23, 2025

ગુજરાતની ભાજપ સરકારમાં ૧૬૨ સભ્યોની સજ્જડ સંખ્યા છતાં સામૂહિક પરિવર્તન કરવાની કેમ જરૂર પડી?

7 Min Read
  • આનંદીબેન પટેલ, સ્વ. વિજય રૂપાણીની સરકારને ઉથલાવવા માટે પોતીકા જવાબદાર હતા, પરંતુ આ વખતે ખુદ નેતૃત્વને જવાબદાર ગણવું પડે
  • ભૂપેન્દ્ર પટેલ જ નહીં, કોઈ માથાફરેલો જાદુગર પણ હાથ-પગ બાંધીને સરકાર ચલાવી શકે નહીં
  • ભૂપેન્દ્ર પટેલ સજ્જન અને સક્ષમ પણ છે પરંતુ નેતાગીરીના નિયંત્રણોએ ‘નબળા’ બનાવી દીધા હતા અને સરવાળે સરકાર નબળી પુરવાર થવા સાથે ભ્રષ્ટાચાર અને નાફરમાની વધતાં કાયદો-વ્યવસ્થા શિથિલ થવા માંડ્યા હતા
  • ઢગલેબંધ ફરિયાદ છતાં અધિકારી સામે પગલાં નહીં ભરતું ભાજપ- નેતૃત્વ આમ આદમી પાર્ટી કે એકાદ ગોપાલ ઈટાલિયાને કારણે આખી સરકાર બદલી નાંખે એ વાત પચતી નથી
  • આખી સરકાર બદલી નાંખ્યા પછી પણ કેન્દ્રીય નેતૃત્વ ‘અંકુશ’ હળવા નહીં કરે તો નવા મંત્રીઓ પણ થોડા દિવસ દોડીને થાકી જશે અને ‘આપ’ જેવા વિકલ્પને સ્થાન પણ મળી શકે

ગુજરાત વિધાનસભાની ૧૮૪ બેઠકો પૈકી ૧૫૬ બેઠકો સાથેનો ધરખમ વિજય અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અન્ય ધારાસભ્યો જોડાતા ૧૬૨ ધારાસભ્યોની સજ્જડ બહુમતી છતાં ગુજરાત સરકારમાં પરિવર્તન કરવાની કેમ જરૂર પડી? આવો સવાલ સાર્વત્રિક પુછાઈ રહ્યો છે, પરંતુ કહેવાની જરૂર નથી ગુજરાતની વર્તમાન સરકાર પ્રજાની સંપૂર્ણ જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ નીવડી છે. ભૂતકાળમાં આનંદીબેન પટેલ અને સ્વ.વિજય રૂપાણી સરકારને ઉથલાવવા પાછળ કોનો હાથ હતો એ કહેવાની જરૂર નથી. પરંતુ આનંદીબેન પટેલ અને સ્વ. વિજય રૂપાણીની સરકારને ઉથલાવવા પાછળ બીજું કોઈ નહીં, પરંતુ પક્ષના લોકોનો જ અસંતોષ જવાબદાર હતો. નરેન્દ્ર મોદી જેવા ધરખમ રાજકીય ખેલાડીનું નેતૃત્વ છતાં પક્ષના અસંતુષ્ટોએ એકવાત પુરવાર કરી હતી કે, નેતૃત્વ ભલે ગમે તેટલું સજ્જડ હોય, પરંતુ સરકાર બદલવા માટે મજબૂર કરી શકાય છે. આ વાત એક નહીં બબ્બે વખત પુરવાર થઈ ચૂકી છે. અલબત્ત, સરકાર ઉથલાવવા માટેના પડદા પાછળના ખેલાડીઓ પોતે કંઈપણ મેળવી શક્યા નહોતા અને તેમ છતાં તેઓ ચોક્કસ કહી શકે કે તેમનો વિજય થયો હતો.

ખેર, આનંદીબેન અને સ્વ. વિજય રૂપાણીની સરકારને અડધી ગાદીએથી ઉઠાડી મૂકવાની વાત હવે જૂની થઈ ગઈ અને પડદા પાછળના અસંતુષ્ટોને ભાજપ નેતાગીરીએ માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા છે. ઉપરાંત, પક્ષના અસંતુષ્ટોને કારણે પેદા થયેલાઓ પણ લાંબું મેળવી શક્યા નથી, ભરયુવાનીમાં એક ખૂણામાં પડી રહેવા સિવાય વધુ કઈ પામી શક્યા નથી.આ બધાની વચ્ચે ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે અસંતોષનાં ઘણાં કારણો છે. ભૂપેન્દ્ર પટેલ સક્ષમ નથી એવું કહી શકાય નહીં. પરંતુ મહત્ત્વાકાંક્ષી પણ નથી. ‘બાવા બનો અને ચી‌િપયો ખખડાવતા ન આવડે એ કઈ રીતે ચાલી શકે!’ ભૂપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી ત્યારે ગુજરાતના લોકોને ભાજપ પક્ષ અને કેન્દ્રીય નેતૃત્વ પ્રત્યે ખૂબ મોટી અપેક્ષા હતી અને આ અપેક્ષાઓ સંતોષવામાં ભૂપેન્દ્ર પટેલ નિષ્ફળ રહ્યા છે એવું ચોક્કસ કહી શકાય. પક્ષની ચોક્કસ ગાઈડલાઈન હોઈ શકે અને શિસ્તમાં રહીને સરકાર ચલાવવી જ પડે, પરંતુ પક્ષની ગાઈડલાઈન સિવાયની કામગીરી પાર પાડવામાં ભૂપેન્દ્ર પટેલ ઢીલા પુરવાર થઈ રહ્યા છે. વળી જ્યાં ખોટું થતું હોય કે કોઈની તરફદારી કરવાની અનિવાર્યતા હોય એવા સમયે પક્ષના નેતૃત્વને વાસ્તવિકતા સમજાવવામાં નહીં આવી હોય એવું ચોક્કસ માની શકાય.એક એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ભાજપનું નેતૃત્વ જડતા સાથે કામ કરવા ટેવાયેલું છે અને પક્ષે નક્કી કરેલી ગાઈડલાઈન સામે જરૂર હોય ત્યાં સુધારો કે પ્રેક્ટિકલ કરાવવામાં કદાચ ભૂપેન્દ્ર પટેલ અધૂરા રહ્યા હશે અન્યથા તહેવારો અને સામી ચૂંટણીએ ભાજપનું નેતૃત્વ મોટા ફેરફાર કરે એ વાત માની શકાય તેવી નથી. અધિકારી સામે ઢગલેબંધ ફરિયાદો હોવા છતાં અધિકારીને બદલવા નહીં માંગતું ભાજપનું નેતૃત્વ કોઈક ડરના માર્યા આખી સરકાર બદલી નાંખે! આ વાત પચતી નથી.

આમ આદમી પાર્ટી કે ગોપાલ ઈટા‌િલયાથી ડરીને ભાજપ નેતાગીરી આખી સરકાર બદલી નાંખે એવી વાત માની લેવાને કોઈ કારણ નથી. ‘આપ’ના ભલભલા નેતાઓ આજે શોધ્યા પણ મળે નહીં એવી હાલત કરી નાંખી છે. મતલબ, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ ઊભો કરવાનો પ્રયાસ અને ખેડૂતોમાં નારાજગીનો મુદ્દો સરકારમાં ફેરબદલ માટે જરા પણ સ્વીકારી શકાય તેવો નથી.ગુજરાત સરકારની ‘ઢીલી’ કામગીરી સામે ઘણાં લાંબા સમયથી ચર્ચાઓ, ફરિયાદો થતી હતી. કારણ કે, સીધી લીટીનાં કામ પણ સરકારમાં થતાં નહોતાં.સજ્જન છે એટલે સફળ છે, આવું માનવું મિથ્યા છે. સજ્જનતા એ સદ્‍ગુણ છે અને સફળતા એ કાર્યક્ષમતા છે. ઘણી વખત સાવ અભણ માણસ પણ કુશળ વહીવટ આપવા સાથે વહીવટી તંત્ર ઉપર ધાક ઊભી કરી શકે અને સરકારને સફળતાની ટોચ ઉપર પણ લઈ જઈ શકે. વળી, રાજકારણમાં લડ્યા વગર કે માંગ્યા વગર કઈ મ‍ળતું નથી. મતલબ ‘શામ, દામ, દંડ, ભેદ’ની નીતિ જાણનારો વ્યક્તિ જાહેર જીવનમાં અને વહીવટમાં સફળ ખેલાડી પુરવાર થઈ શકે. આના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી બીજું કયું ઉદાહરણ બતાવી શકાય.

ગુજરાતની વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સામે પક્ષમાં અસંતોષ નથી, પરંતુ કોઈક કારણોસર ભૂપેન્દ્ર પટેલ પોતાની સજ્જનતા અને પક્ષના નેતૃત્વ સામે સાચી વાત પણ નહીં કરી શકવાથી તેમની સરકાર ‘નબળી’ સરકાર હોવાનું કહેવાઈ રહ્યું છે. કેન્દ્રીય નેતૃત્વએ ભૂપેન્દ્ર પટેલને ચોક્કસ જાળવી રાખ્યા છે અને તેમનું સન્માન પણ જાળવ્યું છે. પરંતુ ગુજરાતની સરકારમાં સામૂહિક પરિવર્તન કરવા પાછળ દેખીતું કારણ સરકાર નબળી હોવાનું માની શકાય.બીજી તરફ ભૂપેન્દ્ર પટેલની સરકાર ઉપર કેન્દ્રીય નેતૃત્વએ એક નહીં અનેક ‘અંકુશ’ મૂક્યા હોવાથી સ્વાભાવિક ભૂપેન્દ્ર પટેલ ઈચ્છિત નિર્ણયો લઈ શક્યા નહીં. ખરેખર જોવા જઈએ તો ભૂપેન્દ્ર પટેલની હાલત હાથ-પગ દોરડાથી બાંધીને રેસમાં ઉતારવા જેવી છે. વાતે વાતે કેન્દ્રીય નેતૃત્વને પૂછવાનું હોય તો સરકાર કઈ રીતે ચલાવી શકાય? પરંતુ આવી સ્થિતિ માટે બીજા કોઈએ નહીં, ખુદ ભૂપેન્દ્ર પટેલે નેતાગીરીને સાચી વાતથી માહિતગાર કરવી જોઈએ. પરંતુ તેઓ સમયસર આવી વાત કહી શકતા નથી અને એટલે રાજ્યમાં ક્રમશઃ સ્થિતિ કથળી રહી હતી. ભ્રષ્ટાચાર વધી રહ્યો હતો. કાયદો-વ્યવસ્થા ઢીલા થઈ રહ્યા હતા. ખુદ મંત્રીઓ અને લોકોમાં પણ ગુંગળામણ થઈ હતી. પરિણામે આક્રોશ ગમે ત્યાં ફાટવાની અણી ઉપર હતો.એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાતના લોકો હજુ ભાજપથી વિમુખ થયા નથી. પરંતુ લોકોમાં અસંતોષ ચોક્કસ છે અને એટલે જ કોઈક ખૂણામાં છાશવારે આક્રોશ ફાટી નીકળે છે.

પરંતુ આવી સ્થિતિ લાંબો સમય ચાલે તો પરિવર્તન આવી શકે અને ‘પરિવર્તન’ એ સંસારનો નિયમ છે અને આ નિયમ વિશ્વવ્યાપી છે.ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાત સરકારમાં પરિવર્તનનો કરેલો નિર્ણય ચોક્કસ સમયસરનો ગણી શકાય. પરંતુ આ વખતની સ્થિતિ માટે પક્ષના અસંતુષ્ટો નહીં, પરંતુ ખુદ પક્ષનાં નેતૃત્વને જવાબદાર માનવું પડે. વળી નવા ફેરફારો કર્યા પછી પણ સરકારના નેતૃત્વને હાથ-પગ બાંધીને સરકાર ચલાવવાનું કહેવામાં આવશે તો સ્થિતિમાં કોઈ જ ફેરફાર થવાનો નથી. કદાચ નવા મંત્રીઓ થોડા વધુ દોડશે, પરંતુ આખરે એક દિવસ તેઓ પણ લોકોને જવાબ આપી શકશે નહીં અને એટલે ‘આમ આદમી પાર્ટી’ જેવા નવા રાજકીય પરિબળને ગુજરાતમાં ઊભરવાની જગ્યા મળી શકે.

Share This Article