- ખાડીની સફાઈ, આધુનિકીકરણ સહિત વિવિધ બહાને કરોડોનું આંધણ કરવા છતાં મનપાના જાંબાઝ અધિકારીઓ, શાસકો પાસે કોઈ જ ઉકેલ નથી, કારણ…
- ખાડીનું પુરાણ, ખાડીકાંઠે ગેરકાયદે બાંધકામો આ બધું કોની મહેરબાનીથી થાય છે? પૂર ટાણે વિરોધ કરવા નીકળી પડતા કહેવાતા લોકપ્રતિનિધિઓ જ ગેરકાયદે બાંધકામો તોડવામાં હંમેશાં ‘આડાપગ’ કરતા આવ્યા છે
- સુરતના મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સજ્જન છે, પરંતુ સક્ષમ નથી; તંત્ર પાસે કામ કરાવવામાં નિષ્ફળ રહ્યા
- દરવર્ષે ચોમાસાના દિવસોમાં સેંકડો પરિવારોના ઘરમાં પૂરના પાણી ફરી વળે છે, વહીવટી તંત્ર સામે તાયફા કરાય છે, વિરોધ રેલી પણ નીકળે છે, પરંતુ પૂરના પાણી બંધ થતા નથી
- વાતવાતમાં પક્ષના નેતૃત્વના નામે પોતાની નિષ્ફળતા ક્યાં સુધી ઢાંકી શકાશે, મળેલી બંધારણીય સત્તાનો ઉપયોગ કરતા આવડતું ના હોય તો અધિકારી પણ ક્યાંથી ગાંઠવાના? સુરતને ભૂતકાળમાં પણ મહિલા IAS અધિકારી મળ્યા હતા, પરંતુ તંત્રને ખડેપગે રાખવામાં માહિર હતાં
- ઝિંગા તળાવ સુરતની કાયમી સમસ્યા છે, તળાવો તોડી પાડવા માટે વર્ષોથી ઉધામા થતા આવે છે, પરંતુ કેટલાં તળાવ તૂટ્યાં? ઘણી વખત તો ઉધામા કરનારાઓ પણ ખોવાઈ જાય છે, કહેવાની જરૂર નથી કે ઉધામા કરનારા કેમ ચૂપ થઈ જાય છે
લગભગ દરવર્ષે સુરતના ખાડી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ફરી વળે છે, પરંતુ આજ પર્યંત ખાડીપૂરની સમસ્યા દૂર કરવામાં મહાપાલિકા અને સિંચાઈ વિભાગ સતત નિષ્ફળ રહેતાં આવ્યાં છે. પ્રતિવર્ષ ખાડીની સફાઈ, બાંધકામ, બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. હવે આ કરોડો રૂપિયા ખરેખર ખાડીની સફાઈ અને આધુનિકીકરણ માટે ખર્ચ કરવામાં આવે છે તો પછી દરવર્ષે ખાડીના પૂર કેમ ફરી વળે છે? મતલબ ખાડી સફાઈના નામે નર્યું ‘તૂત’ ચલાવવામાં આવે છે. વળી શાસકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દરવર્ષે ખાડીકાંઠાના વિસ્તારોનું ઉપરાણું લઈને મહાપાલિકા અને કલેક્ટરની સંકલન બેઠકમાં ઉધામા મચાવીને પોતે લોકોના ઉદ્ધારક હોવાની અને ‘હીરો’ બનવાની કોશિશ કરે છે.
આ લોકોને ચોક્કસ ખાતરી હોય છે કે, ચોમાસાના દિવસો પૂરા થઈ જતા બધું જ ભુલાઈ જશે અને ખાડીકાંઠાના ગેરકાયદે બાંધકામો તૂટતાં રોકવા ફરી આ કહેવાતા લોક પ્રતિનિધિઓ જ આડા ઊભા રહી જાય છે. મતલબ ખાડીના પૂરની સમસ્યા માટે બીજું કોઈ નહીં. ખાડીકાંઠે દબાણ અને બાંધકામ કરનારા લોકો અને ખુદ નગરસેવકો જ જવાબદાર છે.
સુરત દરિયાકાંઠાનું શહેર હોવાથી દરિયાને મળતા નદી, નાળા અને ખાડીના પાણી સુરત શહેરની વચ્ચોવચ્ચથી પસાર થઈ રહ્યાં છે. અલબત્ત આ કુદરતી વહેણને ડાયવર્ટ કરવા કે નિયંત્રણમાં રાખવાનું કામ કપરું નથી, પરંતુ શાસકોની દાનત નથી. ખાડીકિનારે વસતા લોકો શિયાળો, ઉનાળાના દિવસોમાં કુદરતી વહેણને અવરોધતાં બાંધકામો કરે છે અને આવા બાંધકામો રોકવા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે જે તે વિસ્તારના પ્રતિનિધિઓ જ ગેરકાયદે બાંધકામ કરનારાઓનું ઉપરાણું લઈને અધિકારીઓને દબડાવતા હોવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. ચોમાસાનો વરસાદ પડતા ખાડીપૂરની પીડા આકાર પામે છે. ત્યારે ગેરકાયદે બાંધકામો અને દબાણો કરનારાઓ ભૂલી જવાય છે.
આ ઘટનાઓથી શાસકો કે વહીવટી અધિકારીઓ અંધારામાં નથી, પરંતુ ખાડીની સફાઈ અંગે ગંભીર નથી. સ્વચ્છતામાં નંબર વન ગણાતા સુરતની વરસાદી ગટર લાઈનોમાં બારેમાસ ગંદા પાણીનો ધોધ વહેતો રહે છે. આ કોના કારણે અને કોની બેદરકારીને કારણે થઈ રહ્યું છે? લાંબું વિચારવાની જરૂર નથી. થોડા દિવસ પહેલા અમરોલી વિસ્તારમાં એક-બે વર્ષનો બાળક ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે ગટરમાં પડી ગયો અને માસૂમ બાળકનાં મોતની અત્યંત ગંભીર ઘટના પછી પણ દેશમાં સ્વચ્છ ગણાતા સુરત શહેરના શાસકોનું રૂવાડું ફરક્યું નથી. બાળકની શોધખોળના અંતે લાશ મળી. પરંતુ સાથે-સાથે એ પણ બહાર આવ્યું હતું કે, વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનમાં ઘરના મળ, મૂત્ર અને ગંદા પાણીની લાઈનોનું મેલું વહેતું હતું!પરંતુ થોડા દિવસના કકળાટના અંતે આખો મામલો ભુલાઈ ગયો અને માત્ર અમરોલી નહીં, શહેરભરની વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનોમાં ગટરના ગંદા પાણી વહી રહ્યાં છે.
સુરતના કમનસીબે એક નિષ્ફળ કહી શકાય એવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. સુરતને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે ભૂતપૂર્વ IAS અધિકારીઓએ દિવસ-રાત એક કર્યા હતા અને હવે મેડમ ક્રેડિટ લઈ રહ્યાં છે. સુરતને ભૂતકાળમાં પણ મહિલા IAS અધિકારી મળ્યાં હતાં, પરંતુ આખું શહેર તેમના પગ નીચે રહેતું હતું. શહેરના કોઈપણ ખૂણામાં કોઈક ઘટના આકાર પામે એટલે ગણતરીની મિનિટોમાં મેડમના કાન સુધી વાત પહોંચી જતી હતી. એ સમયે પણ રાજકીય જૂથબંધી હતી, પરંતુ શહેરનો વિકાસ અને છેવાડા માણસની સમસ્યાઓનો તાકીદે ઉકેલ આવી જતો હતો. પરંતુ સુરત મહાપાલિકાની વર્તમાન હાલત ‘લંગડા ઘોડા’ જેવી છે. દોડતો નથી અને તંત્રને દોડવા પણ દેતો નથી!
સદ્નસીબ કહો કે કમનસીબ, વર્તમાન શાસકોના અંતિમ પડાવમાં મેયર દક્ષેશ માવાણી અને સ્ટેિન્ડંગ ચેરમેન રાજન પટેલ બંને તરવરિયા યુવાનો છે, પરંતુ વહીવટી તંત્ર પાસે કામ કરાવવામાં સરિયામ નિષ્ફળ રહ્યા છે એવું ચોક્કસ કહી શકાય. એવું કહેવામાં આવે છે કે, આ બંને શોભાના ગાંઠિયા જેવા છે અને પોતાની નિષ્ફળતા ઢાંકવા ભાજપ અધ્યક્ષ સી.આર. પાિટલને બદનામ કરવામાં આવે છે.
કોઈ નીતિવિષયક નિર્ણય લેવાનો હોય ત્યારે સ્વાભાવિક પક્ષના શીર્ષ નેતૃત્વને પૂછવાનું હોય! આ રાજકીય પક્ષોની પ્રણાલી છે, પરંતુ રોડ-રસ્તા રિપેર કરવાના, ગંદકીની સમસ્યા દૂર કરવા કે મહાપાલિકાની રોજબરોજની કામગીરીનો અમલ કરાવવા માટે ભાજપ અધ્યક્ષને પૂછવાની જરૂર નથી, પરંતુ તંત્રની અને પોતાની નિષ્ફળતાનો દોષ સી.આર. પાિટલના માથે ઢોળવામાં આવે છે અને ચિત્ર એવું ઊભું કરવામાં આવે છે કે, સુરત મહાપાલિકાની રોજબરોજની કામગીરીમાં પણ પક્ષના નેતૃત્વની ઇચ્છા વગર કંઈપણ થતું નથી.અલબત્ત, આ હળાહળ જુઠ્ઠાણું છે. સુરત મહાપાલિકામાં એવા પણ ઘણા કામો ચાલતાં રહે છે, જેની પક્ષના નેતૃત્વને જાણ સુધ્ધાં હોતી નથી.
ખેર, મૂળ વાત ઉપર આવીએ તો પાછલા ત્રણ વર્ષ દરમિયાન શહેરમાંથી પસાર થતી ખાડીઓની પાણીની વહનક્ષમતા વધારવા પાછળ લગભગ છ કરોડનો ખર્ચ કરાયો હતો! હવે આ છ કરોડ કઈ કામગીરી પાછળ ખર્ચ કરવામાં આવ્યા તેનો કાગળ ઉપર ચોક્કસ હિસાબ હશે. પરંતુ સ્થળ ઉપર તપાસ કરવામાં આવે તો છ કરોડના ખર્ચના આંકડા સાથે મેળ નહીં બેસે. પરંતુ મહાપાલિકાની તિજોરીમાંથી છ કરોડનો ખર્ચ કરાયો છે એ હકીકત છે અને છતાં ખાડીપૂરની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી એ પણ નજર સામેની હકીકત છે! તંત્રની ખરેખર દાનત હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગેરકાયદે બાંધકામો તૂટતા રોકવા કે ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન આપવાનું બંધ કરે તો ખાડીપૂરની સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ ચપટી વગાડવા જેવું છે. પરંતુ સુરતના કમનસીબે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ખાડીપૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દાનત નથી.ખાડી જેવી જ સમસ્યા ઝિંગા તળાવની છે. બધા જ જાણે છે કે ઝિંગા તળાવને કારણે પાણીના કુદરતી વહેણ અવરોધાય છે અને પૂરની સમસ્યા વર્ષોવર્ષ પેદા થાય છે, પરંતુ એકપણ શાસક ઝિંગા તળાવોનાં બાંધકામો તોડવામાં સફળ રહ્યો નથી. એવું કહેવાય છે કે, ઝિંગા તળાવ કરોડોનો ધંધો છે અને જ્યાં ‘ધંધા’ની વાત આવે ત્યાં શાસકોના હાથ હેઠા પડવાના જ.
થોડા દિવસ પહેલા ખુદ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાિટલે પાણીના વહેણને અવરોધતા ઝિંગા તળાવો તોડી પાડવાનો આદેશ કર્યો હતો, પરંતુ પરિણામ શું આવ્યું? કેટલા ઝિંગા તળાવ તોડી પાડવામાં આવ્યા?વળી તંત્ર દ્વારા મહાપાલિકા પાસે તળાવો તોડી પાડવા સાધન સહાય માંગીને નવો ડ્રામા ઊભો કરવામાં આવ્યો હતો. બસ આવું જ ચાલ્યા કરશે અને ચોમાસુ પતી જતાની સાથે જ ખાડીપૂર સહિતનો આખો મામલો ભુલાઈ જશે અને સ્વાભાવિક તંત્રના વાહકો પણ આવું જ ઇચ્છતા હશે. સુરત માટે ખાડીપૂર જેટલા જોખમી છે એટલાં જ ઝિંગા તળાવ પણ જોખમી છે. એરપોર્ટ ઉપર ઝિંગા તળાવને કારણે જ ‘બર્ડ હીટ’ એટલે કે વિમાન સાથે પક્ષી અથડાવાનું જોખમ રહેલુ છે પરંતુ આ સમસ્યાની કોને અને શા માટે પડી હોય! દરવર્ષે ચોમાસુ આવવાનું જ, સંકલન બેઠકો મળવાની, અધિકારીઓ સામે ‘તડાફડી’ના ડ્રામા થવાના, પરંતુ વર્ષોનો અનુભવ કહે છે કે સરવાળે ‘પીડા’નો કોઈ જ ઉકેલ આવવાનો નથી.