ગુજરાતની શાંતિને કોણ પલીતો ચાંપવા ઇચ્છે છે, ક્ષત્રિયોને શાંત કરી શકે એવો એક પણ મરદ આગેવાન નથી?

Share this story

• ભલે પુરાવા ન હોય પરંતુ કોઇક તો આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે, રૂપાલાએ ત્રણ ત્રણ વખત માફી માંગી પછી પણ ઉકેલ કેમ નથી આવતો?

• જાતિવાદના ઝેરના ગુજરાતે ભૂતકાળમાં અનેક કડવા અનુભવો કર્યા છે, શાંત અને સમૃધ્ધ ગુજરાતમાં અશાંતિનો પલીતો ચંપાઇ ત્યાર પહેલા સરકાર અને આગેવાનો નહીં જાગે તો કોણ જાગશે?

• હજુ પણ મોડંુ થયું નથી, ચૂંટણીમાં ઉમેદવારી, પ્રચાર-રેલી, સૂત્રોચ્ચાર સાથે સરઘસના ટોળા નીકળવાની શરૂઆત થાય ત્યાર પહેલા જ મામલો દફનાવી દેવામાં જ શાણપણ ગણાશે. 

કારણ ગમે તે હોય પરંતુ પુરૂષોત્તમ રૂપાલાના રાજા, મહારાજા અંગેના નિવેદન બાદ ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો ગુસ્સો સાતમા આસમાને છે. વળી આ વખતે માત્ર ક્ષત્રિય પુરૂષો જ નહીં, ક્ષત્રિય મહિલા આગેવાનો પણ મેદાનમાં ઊતરી આવતા ગુજરાતના સમાજજીવનના પેટાળમાં કંઇક ધુંધવાટ હોવાનો ભાસ થઇ રહ્યો છે. ગુજરાતમાં ક્ષત્રિયોના આંદોલન સાથે રાષ્ટ્રીય કક્ષાએ પણ એવો અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે ભાજપે ‌િટ‌િકટો આપવામાં ક્ષત્રિયોની બાદબાકી કરી છે. કેટલાક લોકો તો ક્ષત્રિય સમાજના ધુંધવાટને વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અ‌િમત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચેના ‘કોલ્ડવોર’નું કારણ ગણાવી રહ્યા છે. વળી નજીકના દિવસોમાં બનેલી ઘટનાઓ જોતા ગુજરાત સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ ક્ષત્રિયોના સંમેલનો યોજાઇ ગયાં. આ બધાં જ સંમેલનોનો નિચોડ જોવામાં આવે તો એક વાત તરી આવે છે કે ક્ષત્રિય સમાજને ભાજપ કે મોદી સામે વાંધો નથી, પરંતુ ભાજપની ‌િટ‌િકટોની ફા‍ળવણીમાં ક્ષત્રિય સમાજ ઉપર ફેરવવામાં આવેલી કાતરને કારણભૂત માનવામાં આવે છે.

ખરેખર જોવા જઇએ અને ક્ષત્રિયોની વાતમાં દમ હોય તો ચોક્કસ કહી શકાય કે ભાજપ નેતૃત્વએ ‌િટ‌િકટોની ફા‍ળવણી કરવામાં ક્ષત્રિયો સાથે ચોક્કસ અન્યાય કર્યો હશે. કારણ ભાજપના ઉદય પાછળ ક્ષત્રિય સમાજનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. છેવાડાના ગામડાથી શરૂ કરીને ભાજપને દિલ્હીના ‘તખ્ત’ સુધી પહોંચાડવામાં ક્ષત્રિય સમાજની ખૂબ મોટી ભૂમિકા રહી છે. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી ગુજરાતમાં ભાજપના ઉદય માટે ક્ષત્રિય સમાજ ઉપરાંત પાટીદાર સમાજનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે. ગુજરાતનો પાટીદાર સમાજ ખમતીધર સમાજ છે અને હવે તો આર્થિક મોરચે પણ પાટીદાર સમાજ ખૂબ જ મજબૂત બનીને ઊભરી આવ્યો છે. એટલે સ્વાભાવિક રીતે સરકારમાં પણ મજબૂત સમાજનું પ્રભુત્વ રહેવાનું અને મજબૂત સમાજ એવું પણ ઇચ્છે કે સરકારમાં મુખ્યમંત્રી પણ અમારા જ સમાજનો હોય, પરંતુ ગુજરાત સરકારમાં માત્ર પાટીદારો જ નહીં, સર્વ સમાજના લોકો સમતોલ હોદ્દા ભોગવી રહ્યા છે. વળી અત્યાર સુધી તો રાજ્યનું ગૃહમંત્રાલય જેવું મહત્ત્વનું મંત્રાલય પણ ક્ષત્રિયની પાસે હતું.

ગુજરાતનો ઇતિહાસ તપાસવામાં આવે તો આજ પર્યન્ત પાટીદાર સમાજ અને ક્ષત્રિયો વચ્ચે કોઇકને કોઇક કારણોસર ખટરાગ ચાલતો આવ્યો છે. નજીકના ભૂતકાળમાં ખાસ કરીને ગામડાઓમાં આ બે સમાજ વચ્ચે ખટરાગની વધુ અસરો જોવા મળતી હતી અને એટલે જ ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદાર સમાજના પરિવારોનું શહેરો તરફ સ્થળાંતર થવાની શરૂઆત થઇ હતી. સુરત પહેલા અમદાવાદની કાપડમિલોમાં સેંકડો પાટીદારો કામે લાગ્યા હતા અને ત્યાર બાદ અનુક્રમે સુરત અને મુંબઇ તરફ પ્રવાહ વહયો હતો અને આજના તબક્કે દુનિયાનો કોઇ દેશ એવો નહીં હોય કે ત્યાં પાટીદાર ન હોય. વળી, ખેતી છોડીને બહાર નીકળેલા પાટીદારોએ અઢળક કમાણી પણ કરવા ઉપરાંત સમગ્ર સમાજને સધ્ધર બનાવ્યો છે. જૂની પેઢીના લોકો ભણી શક્યા નહોતા, પરંતુ તેમનુ નહીં ભણી શક્યાના દર્દના પ્રશ્ચાતાપરૂપે આજે નવી પેઢીને ભણાવી રહ્યા છે અને પાટીદાર સમાજના સંતાનો સનદી અધિકારી બનીને ઉચ્ચકક્ષાએ બેસે આ પાટીદાર સમાજની તમન્ના છે અને એટલે જ પ્રત્યેક મહાનગરોમાં પાટીદાર સમાજની શિક્ષણ સંસ્થાઓ, હોસ્ટેલો ઊભી કરવામાં આવી રહી છે અને સમાજના આગેવાનો પણ બે હાથે ડોનેશન આપી રહ્યા છે.

ખેર, આ બધાની વચ્ચે હજુ પેલુ વૈમનસ્ય ભુલાયું નથી છાશવારે અથવા કોઇક અનિચ્છનીય ઘટના બનવા પામે એટલે ભુલાઇ ગયેલા જખમને ખોતરીને તાજું કરવામાં આવે છે. બલ્કે એવું કહી શકાય કે હિંદુ-મુસ્લિમ વચ્ચે અઘોષિત કોમવાદ જેવી આ પણ એક સમસ્યા છે.

આ વૈમનસ્યનો કાયમી અંત લાવવા સરકાર કે સામાજિક લેવલે પ્રામાણિકતાથી પ્રયાસ કરવામાં આવ્યા નથી અને એટલે જ સામાજિક ઐકયના તાણાવાણા અમંગળ ઘટનાઓ વિખેરી નાંખે છે.

ગુજરાતમાં અનેક વખત સંઘર્ષની ઘટનાઓ બનવા પામી છે. ભૂતકાળમાં રાજ્યના આરોગ્યમંત્રી વલ્લભભાઇ પટેલની રાજકોટ સિવિલ હોસ્પિ.ની મુલાકાત દરમ્યાન બનેલી હત્યાની ઘટના આજે પણ વાત કરતા રૂંવાડા ઊભા થઇ જાય એવી હતી. ત્યાર બાદ ગોંડલમાં રાષ્ટ્રીયપર્વે ધ્વજવંદન કરતી વખતે ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા(પટેલ)ની હત્યાએ સમગ્ર ગુજરાતને ધ્રુજાવી નાંખ્યુ હતું અને ત્યાર બાદ ભાવનગર જિલ્લામાં પાટીદાર સમાજના ૧૧ લોકોની સામૂહિક હત્યાની ઘટના આજે પણ વાત કરતા ધ્રુજી જવાય એવી ઘટનાઓ હતી. આવી તો અનેક ઘટનાઓ પાછળ કોઇ વાડી કે ગરાસના ઝઘડાઓ નહોતા પરંતુ સામાજિક વૈમનસ્ય વધુ કારણભૂત હતું આ ઘટનાઓ સમયના ભૂતકાળમાં ધરબાઇ ગઇ છે પરંતુ લોકોના દિલો-દિમાગમાં પડેલા જખમની નિશાનીઓ હજુ રૂંઝાઇ નથી. પરિણામે ક્યારેક ને ક્યારેક માનસપટમાં ઝીંકાયેલા ઘા ફરી તાજા થઇ આવે એ સ્વાભાવિક છે.

એક શિક્ષક કરતા પણ વધુ સાહિત્યકાર કહી શકાય એવા ભાજપના વરિષ્‍ઠ આગેવાન અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના મોઢામાંથી અનાયાસે બોલાયેલા શબ્દોએ ધુંધવાતી આગને ફરી તાજી કરવાની તક આપી હતી. રૂપાલાના વિરોધ પાછળનું સાચું કારણ જે હોય તે, પરંતુ નજર સામેનું કારણ એવું દર્શાવાઇ રહ્યું છે કે રૂપાલાએ ‌ક્ષત્રિય સમાજની મા-બેન દીકરી માટે નીચા જોવાનું થાય એવા શબ્દ પ્રયોગ કર્યા હતા.

અલબત્ત રાજકોટની ઘટના અને વક્તવ્ય બાદ રૂપાલાએ ત્રણ-ત્રણ વખત ક્ષત્રિય સમાજની ‌માફી માંગી હતી. ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ રૂપાલા અને ભાજપ પક્ષવતી ક્ષત્રિય સમાજ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી હતી અને તેમ છતાં ક્ષત્રિયોનો ગુસ્સો શાંત થતો નથી તો કોઇક ચોક્કસ કારણ હશે જ, અન્યથા ક્ષત્રિયના ધર્મ મૂજબ શરણે આવેલાને માફ નહીં કરે એવું શક્ય બને જ નહીં.

ક્ષત્રિયો ભાજપ સાથે હોવા છતાં તેમની જીદ છે કે પુરૂષોત્તમ રૂપાલાની ‌િટ‌િકટ કાપીને નવો ઉમેદવાર મૂકવામાં આવે આ ઉમેદવાર પાટીદાર સહિત કોઇપણ સમાજનો હોય તો ક્ષત્રિયોને વાંધો નથી. આ તરફ ભાજપના નેતૃત્વએ પણ રહસ્ય જાળવી રાખ્યું છે અને રૂપાલાની ‌િટ‌િકટ કાપવાના મૂડમા હોય એમ લાગતું નથી. બની શકે કે ભાજપ નેતાગીરીને વિશ્વાસ હશે કે સમય જતા બધુ શાંત થઇ જશે. વચ્ચે થોડા દિવસ મામલો શાંત પણ થઇ ગયો હતો, પરંતુ પાછલા કેટલાક દિવસોથી વધુ આગળ પ્રસરી રહ્યો છે અને બધું શાંત પડી જશે એવું માનીને બેસી રહેવામાં આવશે તો કદાચ ચૂંટણી ટાણે મામલો વધુ વિસ્ફોટક બની શકે. ભાજપ પક્ષ અને સરકાર કક્ષાએ સમજાવટના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ પૂરી સક્રિયતા હોય એવું જણાતુ નથી. સરકાર અને સમાજ જો બન્ને આ મુદ્દે ગંભીર નહી બને તો અનિચ્છનીય પરિણામો પણ આવી શકે, કારણ ‌ક્ષત્રિય સમાજ હવે કસોટીની એરણ સુધી પહોંચી ગયો હોવાથી હવે વધુ કસોટીની રાહ જોયા વગર ગુજરાતના અને સમાજના હિતમાં પણ અસંતોષની આગને ઝડપથી ઓલવી નાંખવામાં આવશે એટલું જ ગુજરાતનું ‌િહત હશે. આંદોલન પાછળ કોણ છે? કોણ દોરીસંચાર કરી રહ્યું છે? આ મુદ્દામાં પડ્યા વગર ગુજરાતના સામાજિક જીવનની શાંતિ માટે પણ મામલો ઝડપથી પતી જાય એવા પ્રયાસો કરવા અનિવાર્ય છે.