રિ-ડેવલપમેન્ટના નામે બિલ્ડરોને વધારાનું અને કોમર્શિયલ બાંધકામ શા માટે આપવામાં આવે છે અને આવા બાંધકામો વેચીને થતી કમાણીનો ટેનામેન્ટ્સ માલિકોનો હિસ્સો કેમ નહીં?
ટેનામેન્ટ્સ જર્જરિત થાય, પોપડા ખરવા માંડે એકાદ-બે કે સામૂહિક મોતની ઘટનાઓ બને ત્યાર પછી જ ઉતારી પાડવાની પ્રક્રિયા કેમ કરાય છે? ખરેખર તો બાંધકામના સમયે જ બિલ્ડિંગનું આયુષ્ય નક્કી થઈ જતું હોય છે
ગરીબ, મજબૂર લોકોને ટેનામેન્ટસ દાનમાં કે મફત આપવામાં આવતા નથી, રૂપિયા વસુલીને આપવામાં આવતી મિલકતના ધારકનો ટેનામેન્ટ્સની જમીનની માલિકીમા રાસુકો હક્ક કેમ નહીં?
અન્ય ખાનગી મિલકતો પણ જર્જરિત થાય છે, તૂટી પડે છે ત્યાં કેમ સરકારી તંત્રો દોડી જતા નથી? બલ્કે મિલકત માલિકો સામે ગુના નોંધીને ડરાવવામાં આવે છે તો સરકારી તંત્રો કેમ જવાબદાર નહીં?
વૃદ્ધ થવું એ માત્ર સજીવ નહીં, નિર્જીવ માટે પણ એટલું જ સનાતન સત્ય છે. સજીવ વૃધ્ધ થાય એટલે મૃત્યુ પામે છે અને નિર્જીવ વૃદ્ધ થાય એટલે તૂટી પડે છે અને નામશેષ થઇ જાય છે.
આ ક્રમ સમગ્ર સૃિષ્ટમાં લાગુ પડે છે અને ઇતિહાસ રચાતાં રહે છે પરંતુ આ બધાની વચ્ચે લાગણી, પ્રેમ, લગાવ સહિત અનેક પરિબળો વણાયેલા હોય છે. શેરી, મહોલ્લામાં રહેતો પરિવાર ઠેકાણું બદલે કે મિલકત તૂટી પડે ત્યારે પરિવાર ઉપરાંત તેમની સાથે સંકળાયેલા તમામ દુઃખની લાગણી અનુભવે છે. નવા ઘરમાં જવાનો ભલે આનંદ હોય, પરંતુ જૂના ઘરનો દરવાજો છોડવાનું આસાન નથી અને જ્યારે મજબૂરીવશ ઘર-પરિવાર છોડવાનું આવે ત્યારે વ્રજાઘાત થાય છે.
ગરીબો માટે ઘરનું ઘર હોવાનું સપનું જીવનની શ્રેષ્ઠ ઘટના હોય છે. ભલે એક રૂમ અને રસોડાનું ઘર હોય, પરંતુ માથે છત હોવાનો અહેસાસ ભૂખ્યા પેટે પણ આનંદ કરાવે છે. આપણા વડાપ્રધાન ભલે ભારતને વિશ્વની બીજા કે ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવાનાં બણગાં ફૂંકતા હોય, પરંતુ એક હકીકત એ પણ છે કે ભારત આજે પણ ગરીબ દેશ છે. કરોડો પરિવારો પાસે રહેવા માટે એક રૂમ-રસોડાનું કહેવા પૂરતું રહેવા માટે પોતીકું ઘર નથી, દેશના ૮૦ કરોડ લોકોને પાંચ કિલો અનાજ મફત આપવું પડે છે. આવી હાલત હોવા છતાં વિશ્વની હરોળની આર્થિક સત્તાની ‘ડીંગ’ હાકવા કરતા પહેલાં દેશના ગરીબ, મજબૂર, પરિવારોને પોતાનું કહી શકાય એવું છાપરું આપવામાં આવશે તો પણ ગરીબો એવું માની લેશે કે ભારત દેશ વિશ્વમાં સૌથી મહાન દેશ છે.
ખેર, પાછલાં કેટલાંક વર્ષોથી આવાસ યોજના નામે કરોડો લોકોના મનમાં ‘ઘરનું ઘર’ ના સપનાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકોને મકાનો પણ મળ્યાં છે અને મળી રહ્યાં છે? પરંતુ આ બહુમાળી ઇમારતોની હાલત કેવી છે તેની કાળજી લેવાની ભાગ્યે જ કોઈએ દરકાર કરી હશે.
ઘરવિહોણા લોકોને આવાસ યોજના નામે લલચાવી મતો મેળવવાનો આખો ખેલ ચાલી રહ્યો છે. પરંતુ બીજી તરફ વર્ષો પુરાણી વસાહતો ‘રિ-ડેવલપમેન્ટ’ના નામે ઉતારી પાડી પુનઃનિર્માણના નામે કરોડોના સોદા કરવામાં આવે છે. એક હરીભરી વસાહતને તોડી પાડી શોિપંગ સેન્ટર કે કોમર્શિયલ બિિલ્ડંગો બનાવી બિલ્ડરોને અધધ કમાણી કરવાની તક આપવામાં આવે છે. આ કમાણીમાં ‘અન્ય’ની કેટલી ભાગીદારી હશે એ કહેવાની જરૂર નથી.
ખરેખર તો મિલકત બિસ્માર થવાની શરૂઆત થાય એ દિવસથી જ રિપેિરંગ સહિતનાં પગલાં ભરવામાં આવે તો મિલકતો ધસી પડવાની ઘટનાઓનો જ છેદ ઉડાવી શકાય, પરંતુ કમનસીબે આવું થતું નથી. પહેલા છતના પોપડા પડે. બાલ્કની તૂટી પડે, કોલમ ફાટવાની શરૂઆત થાય અને એકાદ-બે કે સામૂહિક મોતની ઘટના બને ત્યાર પછી જ આપણા સમાજસેવકો, રાજકીય આગેવાનો આળસ ખંખેરીને ઊભા થાય છે. મૃતકને શ્રદ્ધાંજલિ આપવાનો ડ્રામા કરવામાં આવે છે.
મૃતકના સગાઓને થોડી ઘણી સરકારી, આર્થિક સહાય કરવામાં આવે અને પછી જ આખી ઇમારતનું પુનઃનિર્માણ કરવાનો ખેલ શરૂ થાય છે. પરંતુ પુનઃનિર્માણ મૂળભૂત ઢાંચા સાથે અને સરકારી ખર્ચે કરવાને બદલે કોઈ બિલ્ડર સાથે ‘તોડ’ કરવામાં આવે છે અને હયાત કરતાં વધુ બાંધકામ કરવાની અને વધારાની મિલકતો વેચીને કમાણી કરી લેવાનું આખું ‘ચોકઠું’ ગોઠવવામાં આવે છે.
ખરેખર તો કોઈ બહુમાળી બિિલ્ડંગમાં માત્ર ફલેટનું વેચાણ કરવામાં આવતું નથી. ફલેટ ખરીદનાર સભ્યને બિિલ્ડંગની જમીનની પણ માલિકી આપવામાં આવે છે અને મિલકતના દસ્તાવેજમાં પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ સરકારી આવાસોમાં ધરાર ઉલટી ગંગા છે. સરકાર અને મહાપાલિકા ઇચ્છે ત્યારે બહુમાળી ઇમારત ટેનામેન્ટ્સનું ગમે ત્યારે ‘‘રિ-ડેવલપમેન્ટ’’ કરાવી શકે છે. અને કહેવાતું ટેન્ડિરંગ કરીને પોતાની પસંદગીના બિલ્ડરને રિ-ડેવલપમેન્ટની કામગીરી સોંપવામાં આવે છે.
ખરેખર આ અધિકાર ટેનામેન્ટ્સમાં રહેતા પરિવારોનો છે કારણ, આ ટેનામેન્ટ તેમને દાનમાં આપવામાં આવતા નથી. ચોક્કસ રકમ વસૂલ કરવામાં આવે છે. વળી સરકાર કે મહાનગરપાલિકા બેંકમાંથી નાણાં ઉઠાવી લે છે અને ટેનામેન્ટ ધારક લોનના હપ્તા ભરતો રહે છે. હવે સ્થિતિ સાવ સ્પષ્ટ છે. ટેનામેન્ટનું રિ-ડેવલપમેન્ટ સરકાર દ્વારા કઈ હેસિયતથી કરવામાં આવે છે. વળી રિ-ડેવલપમેન્ટ કરનાર બિલ્ડરને કોમર્શિયલ ઉપરાંત વધારાનું બાંધકામ (FSI) શા માટે આપવામાં આવે છે? બદલાયેલા નિયમો મુજબ વધારાનું બાંધકામ મળવાપાત્ર હોય તો એ ટેનામેન્ટ ધારકોનું છે. કારણ, ટેનામેન્ટ અને જમીનની માલિકી ટેનામેન્ટધારકોની છે.
પાછલા કેટલાક સમયથી સુરત સહિત રાજ્યના અન્ય નગરોમાં શહેરોમાં જર્જરિત ટેનામેન્ટ્સ ઉતારી પાડવામાં આવી રહ્યા છે. પરંતુ કોઈએ ભાગ્યે જ આવાસમાં રહેતા ગરીબ, મધ્યમવર્ગી લોકોની લાગણીને સમજવાની કોશિશ કરી હશે બલ્કે પોલીસફોર્સને સાથે રાખીને પરિવારોને ડરાવીને મકાનો ખાલી કરાવવામાં આવે ત્યારે પીડિત પરિવારના મન-હૃદય ઉપર ઝિંકાતા હથોડાની વેદના ભાગ્યે જ કોઈ સમજી શકતું હશે.
સરકારનો મતલબ જ પ્રજાના હિતના રખેવાળ તરીકેનો છે, પરંતુ સત્તાની ખુરસીમાં ચઢી બેઠેલાઓને લોકોનો આર્તનાદ સંભળાતો નથી, ગામના સરપંચથી શરૂ કરીને છેક મુખ્યમંત્રીના દરબાર સુધી રજૂઆત કરવા જતા ગરીબોને, પીડિતોને ઘણી વખત ચોકિયાતો ઘર-ઓિફસમાં ઘૂસવા પણ દેતા નથી. પછી પ્રજાની વેદના ક્યાંથી સંભળાય? આ તરફ સરકારી બાબુઓ રિ-ડેવલપમેન્ટ કે સંપાદનની ફાઇલો લઈને શાસકોની સહીઓ કરાવીને ખેલ પાડતા રહે છે અને ગરીબોનો આત્મા ગુંગળાઈને મરી જાય છે.
હકીકતમાં કોઈપણ આવાસ, મકાનનું નિર્માણ કરવામાં આવે એ દિવસે જ તેની ‘મૃત્યુિતથિ’ એટલે કે અૅક્સપાયરી ડેટ નક્કી થઈ જતી હોય છે પરંતુ જ્યાં સુધી જર્જરિત ઇમારતો ધસી પડે નહીં અને અનેકનાં મોત થાય નહીં ત્યાં સુધી તંત્ર હરકતમાં આવતું નથી.