- શિવપૂજા બિલ્ડીંગ કોણે બનાવ્યું, કોણ બિલ્ડર હતો, ક્યારે પ્લાન મંજુર કરાયા વગેરે વગેરે વિગતો પોલીસને આપવામાં આવી પરંતુ ‘સ્પા’ને બબ્બે વખત ફટકારેલી નોટીસોની વિગત શા માટે છુપાવવામાં આવી?
- ‘સ્પા’માં વધુ ગ્રાહકોની અવરજવર થતી હોવાથી કાયદાકીય જોગવાઈ પ્રમાણે લોકોની સલામતિ માટે અલગથી NOC લેવાનું જરૂરી હતુ પરંતુ ફાયર વિભાગે બબ્બે વખત નોટીસો ફટકારવા છતાં ‘સ્પા’ના સંચાલકોએ અવગણના કરી હતી
- સુરતમાં ટ્યુશન ક્લાસીસ તક્ષશિલામાં બાવીસ યુવતી ભડથુ થઈ જવાની ઘટના બાદ મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડતાં ૧૩૫ના મોત, રાજકોટના ગેમઝોનની આગમાં ૨૭ના મોત, વડોદરાની હોડી દુર્ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોત અને હવે સુરતના ‘સ્પા’ની આગમાં બે નિર્દોષ યુવતીના મોત માટે સરકાર કોના ગળામાં ગાળિયો ફીટ કરશે
સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા સિટીલાઈટ વિસ્તારમાં ધમધમતા ‘અમૃત્યા સ્પા’માં ભીષણ આગની દુર્ઘટના અને સ્પામાં કામ કરતી સિક્કીમની ૨૪ અને ૨૫ વર્ષની બે હોનહાર યુવતીના મોતની ઘટનામાં પોલીસે સ્પા સંચાલકો સામે ‘સાપરાધ’ હત્યાનો ગુનો દાખલ કરી બેની ધરપકડ કરી કસ્ટડીમાં ધકેલી દીધા છે, પરંતુ સમગ્ર ઘટનાને ઈજન આપવા માટે સુરત મનપાનું તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
હકીકતમાં શિવપૂજા બિલ્ડીંગના બાંધકામને બબ્બે વખત મંજુરી આપવામાં આવી હતી પરંતુ ઈમ્પેક્ટ-ફી વસુલીને બીજી વખત બાંધકામ મંજુર કરાયા બાદ ‘સ્પા’ના સંચાલકોએ કરેલ જોખમી અને આંતરિક ફેરફાર અંગે મહાપાલિકાના ફાયર વિભાગે ‘સ્પા’ના સંચાલકોને બબ્બે વખત નોટીસો ફટકારી હતી. પરંતુ એવું કહેવાય છે કે, રાજકીય આગેવાનોની ભલામણને પગલે સંચાલકો સામે પગલાં ભરાયા નહોતા અને ‘સ્પા’ સંચાલકોને છુટ આપી દેવામાં આવી હતી. મતલબ ‘સ્પા’ની પ્રવૃત્તિ જોખમી રીતે ચાલી રહી હોવાનું સુરત મનપાના ફાયર બ્રિગેડ વિભાગની જાણમાં હતું જ.
ગઈકાલે એટલે કે, ગુરૂવારે કમિશનર શાલિની મેડમે શિવપૂજા બિલ્ડીંગના બાંધકામ સંદર્ભનો આખો અહેવાલ પોલીસ વિભાગને સુપ્રત કરી દઈને જવાબદારીમાંથી હાથ ખંખેરી નાંખ્યા હતા. પોલીસને સુપ્રત કરેલા અહેવાલમાં ક્યાંય પણ ફાયર વિભાગે બબ્બે વખત આપેલી નોટીસ અંગે ઉલ્લેખ કરાયો નથી. મતલબ કે ‘સ્પા’ સંચાલકની જોખમી બેદરકારી અંગેની આખી ઘટના પોલીસથી છુપાવવામાં આવી હતી.
સુરત મહાપાલિકાએ માત્ર શિવપૂજા કોમ્પલેક્ષનું બાંધકામ ક્યારે થયું? ક્યાં બિલ્ડરે મંજુર કરાવ્યું? ગેરકાયદે બાંધકામ ઈમ્પેક્ટ-ફી કાયદા હેઠળ ક્યારે મંજુર કરાવ્યું સહિતની વિગતો પોલીસને સુપ્રત કરેલા અહેવાલમાં વિગતો દર્શાવી છે.
હકીકતમાં ‘સ્પા’માં કરાયેલા આંતરિક ફેરફારો જોખમી હતા, વેન્ટીલેશન બંધ કરી દેવાયું હતું વગેરે વગેરે વિગતો માત્ર ફાયર બ્રિગેડના ધ્યાનમાં જ નહીં પરંતુ રેકોર્ડ ઉપર હતી જ અને છતાં સ્પા સંચાલકો કે સ્પાની મિલક્તના માલિક સામે પગલાં ભરાયા નહોતા. આ ઘટના જ ‘સ્પા’માં લાગેલી આગ અને બે યુવતીના મોતની જવાબદારી માટે મહાપાલિકાના અધિકારીઓને જવાબદાર ઠેરવી શકાય.
પરંતુ મનપાના અધિકારીઓ બિનસત્તાવાર એવું કહી રહ્યાં છે કે, ‘સ્પા’ સંચાલકો સામે પગલાં ભરવા સામે રાજકીય પક્ષના લોકો રોકી રહ્યાં હતા. જો ખરેખર આવું જ હતું તો જવાબદાર અધિકારીએ અંગત રીતે મ્યુનિ. કમિશનરને લેખિતમાં જાણ કરવાની જરૂર હતી પરંતુ આવો કોઈ જ રિપોર્ટ કરાયો હોવાનો દાવો કરી શકે તેમ નથી. મતલબ રાજકીય ભલામણો હશે જ પરંતુ કોઈ રાજકારણી નિર્દોષના મોત થવાના હોય તો ભલે થાય એટલી હદે ભલામણ નહીં જ કરે અને કોઈકે ભલામણ કરી હોય તો ‘સ્પા’ની ભયજનક સ્થિતિ અંગે ભલામણ કરનાર વ્યક્તિને વાકેફ કરવાની જરૂર હતી, પરંતુ આવું પણ કરાયું હોવાનું જાણમાં આવતુ નથી.
સત્તાવાર જાણવા મળતી વિગતો મુજબ સુરત મહાપાલિકાના ફાયર વિભાગે તા.૧૨મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પ્રથમ નોટીસ જીમ અને સ્પા સંચાલકોને ફટકારી હતી. જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમૃત્ય સ્પા અને જીમમાં વધુ લોકો અવરજવર કરતા હોવાથી આવી સંસ્થા ‘એસેમ્બલી’ કેટેગરીમાં આવતી હોવાથી સલામતિ અંગે અલગથી ‘એનઓસી’ મેળવવું જરૂરી છે.
પરંતુ પ્રથમ નોટીસ પછી પણ સ્પાના સંચાલકોએ કોઈ જ પગલાં નહીં ભરતા ફરી તા.૨૭મી ઓગષ્ટ ૨૦૨૪ના રોજ એટલે કે લગભગ ત્રણ માસ પહેલા ફરી નોટીસ ફટકારવામાં આવી હતી છતાં પણ કોઈ પગલાં ભરાયા નહોતા. બધુ રાબેતા મુજબ ધમધમતુ હતુ અને ગઈ તા.૬ઠ્ઠી નવેમ્બર બુધવાર ૨૦૨૪ના રોજ કમનસીબ સાંજે ‘સ્પા’માં આગની ઘટના બનવા પામી હતી અને બે નિર્દોષ યુવતીઓના કરૂણ મોત નિપજ્યા હતા.
હવે જ્યારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે ત્યારે મહાપાલિકાએ પોતાની ચામડી બચાવવા માટે પોલીસને ઊંધા ચશ્મા પહેરાવવાની કોશિષ કરી છે. અલબત હવે પોલીસ કેટલા તટસ્થ પગલાં ભરે છે એ પણ સમયનો સવાલ છે.
‘સ્પા’ની આગમાં મોતને ભેટેલી કમનસીબ બંને યુવતીની લાશો સુરતથી માદરે વતન સિક્કીમ રવાના થઈ ચૂકી છે. આ સાથે જ દુર્ઘટના માટે કોણ જવાબદાર અને નિર્દોષ યુવતીના મોત માટે ખરેખર જવાબદારો સુધી પોલીસની તપાસ તટસ્થ રહે છે કે કેમ એ પણ એક મોટો સવાલ છે.
ભૂતકાળમાં સુરતમાં ટ્યુશન ક્લાસ તક્ષશિલામાં લાગેલી આગમાં એક સાથે એક બે નહીં બાવીસ યુવતીઓ આગમાં ભડથું થઈ ગઈ હતી, પરંતુ દિકરીઓ ગુમાવનાર પરિવારોને હજુ વ્યાજબી ન્યાય મળ્યો નથી કે ગુનેગારોને સજા થઈ નથી. સુરત બાદ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં ૧૩૫ લોકોના મોતની ઘટનાના આંસુ હજુ સુકાયા નથી. મોરબી બાદ રાજકોટના ગેમઝોનની ભીષણ આગમાં ૨૭ લોકો હોમાઈ ગયા હતા પરંતુ કોને સજા થઈ? ક્યારે સજા થશે? એ પણ સમયનો તકાતો છે.
સમગ્રતયાઃ સુરત તક્ષશિલાની આગ મોરબીના બ્રિજની હોનારત, રાજકોટના ગેમઝોનની આગ અને છેલ્લે સુરતના ‘અમૃત્યા સ્પા’માં લાગેલી આગની ઘટના પાછળ ક્યાંકને ક્યાંક વહિવટી તંત્ર શંકાના દાયરામાં આવી રહ્યું છે પરંતુ હંમેશા બનતુ આવ્યું છે તેમ સુરતના ‘અમૃત્યા સ્પા’માં આગ અને બે યુવતીઓના મોતની ઘટના પણ સમયની રેતમાં ધરબાઈ જશે.