Thursday, Oct 23, 2025

દેશમાં આર્થિક અરાજકતા, બેરોજગારી, બેકસુર લોકોના આપઘાત માટે જવાબદાર કોણ?

10 Min Read
  • કોઇને પણ મરવું નથી પરંતુ પરિસ્થિતિ જ એવો આકાર લે છે કે આપઘાત કરવા સિવાય કોઇ વિકલ્પ દેખાતો નથી. રોજરોજ વ્ય‌િક્તગત અને સામૂહિક આપઘાતને અંજામ અપાતો રહે છે
  • એક તરફ આવકના દરવાજા બંધ થઇ રહ્યા છે. બીજી તરફ બેંકો અને નાણાં ધીરનારના ટોળા દરવાજે આવીને ઊભા હોય ત્યારે લોન અને દેવાના ચક્કરમાં ફસાયેલો મજબૂર માણસ ક્યાં જાય?
  • સરકાર ઉદ્યોગગૃહોના કરોડો માફ કરી શકતી હોય તો સામાન્ય નાગરિકને રાહત ન આપી શકાય? લોનધારકોને નાદારી નોંધાવવી નથી. બસ થોડો સમય આપવામાં આવે તો આવતીકાલ સુધરી જશે
  • નોટબંધીના દિવસે જ અર્થશાસ્ત્રીઓએ પ્રત્યાઘાતરૂપે ભયાનક મંદીના અણસાર આપ્યા હતા પરંતુ સત્તાનો નશો શરાબ કરતા વધુ ખતરનાક હોય છે
  • દેશના ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના આવકાર્ય પરંતુ આ સમસ્યાનો કાયમી ઉપાય નથી, લોકોને રોજગારીની જરૂર છે, મફત અનાજની નહીં
  • ત્રણ કરોડ લોકોને આવાસ આપ્યા હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ ૧૪૦ કરોડની વસ્તીમાં ત્રણ કરોડની વિસાત કેટલી? કદાચ સરકારને ખબર નહીં હોય કે અનેક પરિવારો એવા પણ છે કે જેની પાસે આવાસ ખરીદવાના પણ પૈસા નથી

સરકાર કે સરકારીબાબુ ભલે ઈન્કાર કરે, પરંતુ દેશમાં બેરોજગારી અને આર્થિક સંકડામણ ભરડો લઈ ચૂકી છે. રોજેરોજ વ્યક્તિગત અને સામૂિહક આત્મહત્યાની બની રહેલી ઉપરાછાપરી ઘટનાઓ એક વાત પુરવાર કરે છે કે, હવે માણસ પાસે જીવવા જેટલી પણ મૂડી બચી નથી. કેન્દ્ર સરકારના દાવા મુજબ દેશના 81 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે, પરંતુ માત્ર અનાજ આપવાથી જીવન ટકાવવાનું શક્ય નથી. મફત અનાજ મળવાથી કદાચ થોડા િદવસ ટકી જવાશે, પરંતુ પેટનો ખાડો પૂરવા ઉપરાંત સમાજ, પરિવારમાં ઉદ્દભવી રહેલી સમસ્યાનો જ્યારે કોઈ જ ઉકેલ નહીં દેખાય ત્યારે વ્યક્તિ પાસે પોતાની િજંદગી ટૂંકાવવા સિવાય કોઈ ઉપાય બચતો નથી અને આવા સેંકડો લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. રોજેરોજ આત્મહત્યાઓની હારમાળા પછી પણ સરકારી તંત્રોનું રુંવાડું પણ ફરકતું નથી. પરિણામે આર્થિક કટોકટીમાં ફસાયેલા સેંકડો લોકોના િદલ-દિમાગમાં આત્મહત્યા કરવાના િવચારો આવતા હશે!

કેન્દ્ર સરકારે એક મધરાત્રે ‘નોટબંધી’ની જાહેરાત  કરી એ જ સમયે અર્થશાસ્ત્રના િનષ્ણાતોએ નોટબંધીના પ્રત્યાઘાત રૂપે માર્કેટમાં ભયાનક મંદી આવવાના સંકેત આપ્યા હતા અે હવે ક્રમશઃ અર્થશાસ્ત્રીઓની ભવિષ્યવાણી સાચી ઠરી રહી છે. પરંતુ મદહોશ સરકાર માટે થોડા લોકોની આત્મહત્યા કોઈ મોટી ઘટના નથી અને હવે તો પોલીસના ચોપડે પણ આપઘાતના બનાવની કોઈ વિશેષ નોંધ લેવાતી નથી.
એક હકીકત છે કે, લોકો લોનના નાણાં ચૂકવી શકતા નથી, કારણ કે જ્યાં ખાવાના ફાંફા હોય ત્યાં લોન કેવી રીતે ભરવી? બેંકો અને ખાનગી નાણાં ધીરતી સંસ્થાઓનું અસહ્ય દબાણ અને બીજી તરફ માર્કેટમાં મંદી! સવારે કામની શોધમાં નીકળેલો માણસ સાંજે સાવ ખાલી હાથે પાછો આવે ત્યારે કેવી હાલત થતી હશે? થોડા િદવસ પહેલા સુરતની ધરતી ઉપર ઊભા રહીને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘‘ગરીબના ઘરનો ચુલો સળગે નહીં અને સંતાનો આંસુ પીઈને સૂઈ જાય એ િદવસો હવે ભારતને મંજૂર નથી.’’ વડાપ્રધાનના આ શબ્દો ચોક્કસ ગૌરવ અપાવે તેવા હતા, પરંતુ ધરતી ઉપરની વાસ્તવિકતા સાવ જુદી છે. ગરીબોની વાત છોડો અનેક મધ્યમવર્ગી પરિવારોએ કદાચ ભરપેટ ભોજન બનાવવાનું બંધ કરી દીધું હશે.

ગરીબ પરિવારો કરતા મધ્યમવર્ગીય પરિવારોની સંખ્યા આ દેશમાં ખૂબ મોટી છે. કરોડોની સંખ્યા ધરાવતા મધ્યમવર્ગીય પરિવારોને માત્ર અનાજની નહીં અન્ય અનેક પ્રકારની સમસ્યાઓ િદવસ-રાત રંજાડી રહી છે. ભારતીય પરંપરા મુજબ સરેરાશ પાંચ સભ્યોના પરિવારમાં એક વ્યક્તિ જ કમાનારો હોય છે અને આ વ્યક્તિની કમાણીનાં સાધનો બંધ થઈ જાય છે ત્યારે તેની અસર આખા પરિવાર ઉપર પડે છે. અનેક પરિવારો એવા હશે કે પરિવારના સભ્યો રાત્રે ઊંઘતા હશે ત્યારે ઘરનો મોભી આખી રાત પડખા ફેરવીને સવારની િચંતા કરતો હશે.
સરકારી સુખ સાહ્યબી અને વાહનોના કાફલામાં ફરતા, કહેવાતા સમાજસેવકોને ગરીબ, મધ્યમ વર્ગની પ્રજાની આર્થિક તકલીફનો ખ્યાલ કેવી રીતે આવી શકે? કારણ કે તેમના વાહનોમાં બળતું ઈંધણ લોકોના પરસેવાની કમાણીમાંથી બળતું હોય છે.

વ્યક્તિગત આપઘાતની સંખ્યા ગણવામાં આવે તો કદાચ કોરોનાની બીમારી કરતા વધુ લોકો મોતને ભેટ્યા હશે. ખાનગી વ્યાજખોરો સામે સરકારે લાકડી ઉગામી હતી, પરંતુ વ્યાજખોરોનો ત્રાસ આજે પણ યથાવત્ છે. વ્યાજના ચક્કરમાં આવી ગયેલો માણસ કેવી રીતે િદવસો ગુજારતો હશે? એની ચુંગાલમાં ફસાયેલી વ્યક્તિ જ વેદના વ્યક્ત કરી શકે. શેરીના ગુંડા કરતા પણ ખતરનાક પુરવાર થતા આવેલા વ્યાજખોરોને પણ કોઈ આપઘાત કરે તો તેની પરવા હોતી નથી. વ્યાજખોરોના ત્રાસથી લોકોએ આપઘાત કર્યા હોવાના દાખલા શોધવા જવાની જરૂર નથી. વળી સરકાર શા માટે આવા દાખલા શોધવાની મહેનત કરે?

અલબત્ત, દાનત હોય તો બધુ જ શક્ય બની શકે. વ્યાજખોરોની સમાંતર બેંકોની પઠાણી ઉઘરાણી પણ લોનધારકોને નાકે દમ લાવી દેનારી હોય છે. નોટીસ ઉપર નોટીસ અને છેલ્લે મિલકત ખાલી કરાવવાની ઘટના હૃદયદ્રાવક હોય છે. પક્ષીનો માળો તોડી નાંખવામાં આવે તોપણ િબચારા પક્ષીઓ િચચિયારી પાડી ઊઠે છે. જ્યારે બેંક નાણાં વસૂલવા માટે થઈને એક પરિવારને મિલકત ખાલી કરવાની ફરજ પાડે છે ત્યારે એ પરિવારની હાલત કેવી થતી હશે ? ઘરના દરવાજે પોલીસનો કાફલા સાથે ઊભેલો બેંક ઓફિસર જ્યારે બળજબરીથી પરિવારને ઘર ખાલી કરવાની દમદાટી આપતો હોય એ પળ, સમય પેલા પરિવારને કારમો લાગતો હશે.

વળી મોટા ભાગના મધ્યમવર્ગીય પરિવારો બેંક લોન લઈને જ ઘર વસાવતા હોય છે. પોતીકું ઘર વસાવીને પરિવારને સુખેથી રાખવાના સપનાં આંખમાં આંજીને ફરતા એ પરિવારના મોભીને ક્યાં ખ્યાલ હોય છે કે, તેણે જિંદગીના 20 થી 25 વર્ષ બેંકમાં ગીરવે મૂકી દીધા છે.
અલબત્ત, સરકાર ઈચ્છે તો અને દાનત હોય તો બેંકલોન િર-શિડ્યુઅલ કરીને લોનધારક પરિવારોને ચોક્કસ રાહત આપી શકે. પરંતુ સરકારી વૈભવમાં આળોટતા દેશના કહેવાતા કારભારીઓને ગરીબોની આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે િવચારવાની ક્યાંથી અને શા માટે ફુરસદ હોય?
એક તરફ સરકાર ગરીબોને ‘પોતીકું ઘર’ની લોભામણી વાતો કરીને દેશમાં ત્રણ કરોડ લોકોને ‘આવાસ’ આપ્યા હોવાનો દાવો કરે છે. પરંતુ સરકારને કદાચ એ વાતની ખબર નહીં હોય કે, છ થી સાત લાખની કિંમતનું આવાસ લેવાની સેંકડો ગરીબોને ત્રેવડ નહી હોય! આવાસ ચોક્કસ આવકાર્ય છે, પરંતુ 140 કરોડના દેશમાં જ્યારે મોટા ભાગનો એટલે કે 80 ટકા વર્ગ ગરીબ અને મધ્યમવર્ગીય હોય ત્યારે બે-ચાર કરોડ મકાનો કેટલા લોકોને પોતીકી છત પૂરી પાડી શકશે.

હકીકતમાં લોકો માટે રોજગારી પેદા કરવાની જરૂર છે. જો લોકોને કામ મળતું હશે તો આ દેશની પ્રજા પથ્થર તોડીને પણ પાણી કાઢે એવી ખુમારી ધરાવે છે. બાકી 80 કરોડ લોકોને માત્ર અનાજ આપવાથી દેશમાંથી ગરીબી દૂર નહીં થાય. કદાચ ગરીબની ‘વ્યાખ્યા’ બદલીને લોકોને ગરીબીરેખાની બહાર લાવ્યાનો ચોક્કસ દાવો કરી શકાશે પરંતુ વાસ્તવિકતા બદલી શકાશે નહીં.
વીતેલા દાયકાઓમાં ભારતીય પરિવારોનું જીવનધોરણ ચોક્કસ બદલાયું છે. લોકો િશક્ષિત બનવા સાથે સ્વચ્છ, સુઘડ અને સગવડતાભર્યું જીવન જીવતા થયા છે અને એટલે જ માથે દેવું કરીને પણ શક્ય હોય ત્યાં સુધી જરૂરિયાતો પૂરી કરતા આવ્યા હતા, પરંતુ હવે માથે દેવું કરવાની વાત તો દૂર રહી કરેલા દેવાનું વ્યાજ કે હપ્તા ચૂકવવાના રૂપિયા નથી અને એટલે જ જ્યારે સહનશક્તિની સીમાઓ પૂરી થઈ જાય છે ત્યારે સ્વાભાિવક ‘આપઘાત’ એકમાત્ર વિકલ્પ બચે છે.

સરકાર અબજોપતિ ઉદ્યોગગૃહોના કરોડોના દેવા માફ કરી શકતી હોય તો ગરીબ, મધ્યમવર્ગી લોનધારકોના હપ્તા, વ્યાજની ચૂકવણીમાં માફી નહીં તો કમસેકમ સમયની રાહત કેમ આપી શકાય નહી? મોટાભાગના લોનધારકોના મનમાં કદાચ આવો જ વિચાર ઘુમરાતો હશે કે, “થોડો સમય મળી જાય તો આવતી કાલે સારા િદવસો આવવાથી ચોક્કસ બેંકનું લેણું ચૂકવી દઈશું.”
પરંતુ કમનસીબે સરકાર કે બેંકો આ િદશામાં િવચારતી નથી બીજી તરફ બેંકના દેવામાં કે ખાનગી દેવામાં ડૂબેલા માણસ પાસે બીજો કઈ િવકલ્પ દેખાતો નથી.

કોઈને પણ મરવું નથી. ગટરના કીડાને પકડો તો પણ તરફડિયા મારે છે. જ્યારે ઘર-પરિવાર વસાવીને બેઠેલો માણસ ‘આપઘાત’નો િવચાર કઈ રીતે કરી શકે? અને છતાં અન્ય કારણો કરતા આર્થિક સંકડામણ અને બેરોજગારીના કારણે આપઘાત કરનારાઓની સંખ્યામાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. પોલીસની કામગીરી સરકારના ઈશારે કરાતી હોવાથી કદાચ પોલીસનાં ચોપડે આપઘાતની ઘટનાઓ પાછળના કારણો, વ્યથા લખાતી નહીં હોય, પરંતુ ઘરનો ‘મોભી’ ગુમાવનાર પરિવાર જ આપઘાતની વેદના વર્ણવી શકે.

હજુ બે દિવસ પહેલા જ સુરતના અમરોલી વિસ્તારમાં માત્ર એક લાખ રૂિપયા અને લોનની િચંતામાં પતિ, પત્ની અને પુત્રએ સામૂિહક આપઘાત કરી લીધા હતા! કદાચ થોડા િદવસ સુધી એક પરિવારના સામૂૂિહક આપઘાતની ઘટનાની ચર્ચા થશે. પછી સમયની રેતમાં મજબૂર પરિવારના મોતની ઘટના ભુલાઈ જશે. મંદી-તેજી આવવી સ્વાભાિવક છે, પરંતુ મંદીના સમયે જ પ્રજાને સાચવી લેવાની સરકારની ફરજ છે અને આ ફરજ સરકાર ચોક્કસ ભૂલી રહી છે આપઘાતના બનાવોની નોંધ લઈને સરકારના મનમાં ‘અનુકંપા’ પેદા થશે તો ચોક્કસ સમસ્યાનો રસ્તો નીકળી શકશે.

Share This Article