Saturday, Mar 21, 2026

વોટ્સએપ પર ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ રોકવા નવા સિક્યુરિટી ફીચર્સની તૈયારી

2 Min Read

આવનારા સમયમાં વોટ્સએપ પર ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમમાં ઉપયોગ થતી ડિવાઇસ ID બ્લોક કરવામાં આવી શકે છે. આ ઉપરાંત સ્કાઈપ (Skype) જેવી સુરક્ષા સુવિધાઓ લાગુ કરવા અને ખતરનાક APK ફાઇલોને ઓળખીને બ્લોક કરવા જેવા નવાં ફીચર્સ પણ ઉમેરવામાં આવે એવી શક્યતા છે. ગૃહ મંત્રાલયની હાઈ-લેવલ ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ કમિટીએ વોટ્સએપને આ અંગે સૂચનાઓ આપી છે. સરકારનું માનવું છે કે ડિજિટલ અરેસ્ટ જેવા સ્કેમ રોકવા માટે આ ફીચર્સ જરૂરી છે.

વોટ્સએપે પણ આ સૂચનો અમલમાં મૂકવા માટે સંમતિ દર્શાવી છે અને કેટલાંક ફીચર્સ પર કામ શરૂ કરી દીધું છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે હાઈ-લેવલ કમિટીની ત્રીજી બેઠક આ મહિનાની શરૂઆતમાં યોજવામાં આવી હતી.

પ્રસ્તાવિત મુખ્ય ફીચર્સ:

  • પહેલું ફીચર:
    ડિજિટલ અરેસ્ટ સ્કેમ કરનાર આરોપીઓના ડિવાઇસની ઓળખ કરીને તેમના ID બ્લોક કરવામાં આવશે.
  • બીજું ફીચર:
    Skype જેવી અનેક સુરક્ષા (પ્રોટેક્ટિવ) સુવિધાઓ વોટ્સએપમાં લાગુ કરવામાં આવશે.
  • ત્રીજું ફીચર:
    ડિલીટ થયેલા એકાઉન્ટના યુઝર ડેટાને ઓછામાં ઓછા 180 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે.
  • ચોથું ફીચર:
    ખતરનાક APK ફાઇલોને ઓળખીને આપમેળે બ્લોક કરી શકે તેવું મિકેનિઝમ વિકસાવવામાં આવશે.
  • પાંચમું ફીચર:
    ફેક કન્ટેન્ટ ઓળખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવશે. વોટ્સએપને નવાં ફીચર્સ અંગે 30 દિવસની અંદર પ્રપોઝલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. એ ઉપરાંત ડિજિટલ અરેસ્ટ કેસોમાં વપરાતી ડિવાઇસ ID બ્લોક કરવા માટે નવું મિકેનિઝમ અંગે 45 દિવસમાં અલગ પ્રસ્તાવ આપવા પણ કહેવામાં આવ્યું છે.

ડિજિટલ અરેસ્ટ સ્કેમ શું છે?

આ પ્રકારની સાયબર છેતરપિંડીમાં ઠગો પોતાને નકલી પોલીસ કર્મચારી અથવા તપાસ એજન્સીના અધિકારી તરીકે રજૂ કરે છે અને લોકોમાં ભય પેદા કરીને તેમને અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા મજબૂર કરે છે.

વધતા સાયબર ફ્રોડના કેસોને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે 28 નવેમ્બરે ટેલિકોમ વિભાગ (DoT)એ નવો નિયમ જાહેર કર્યો હતો. તેના હેઠળ WhatsApp, Telegram, Signal અને Snapchat જેવા એપ્સને યુઝરના એકાઉન્ટને સક્રિય SIM સાથે જોડવાની સૂચના આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ વોટ્સએપ આ નિયમ ચારથી છ મહિનામાં અમલમાં મૂકી શકે છે.

Share This Article