‘ઈફ્કો’માં જયેશ રાદડિયાની નાફરમાનીને ભાજપમાં બળવો નહીં તો બીજુ શું કહી શકાય?

Share this story
  • ઈફ્કોના ડિરેક્ટર્સની ચૂંટણી પક્ષનો મેન્ડેટ બિપિન પટેલના નામનો હતો છતાં જયેશ રાદડિયાએ ઉમેદવારી ચાલુ રાખવા સાથે ૧૧૩ મતોથી ચૂંટાઈ પણ આવ્યા જ્યારે પક્ષના ઉમેદાવરને ૬૭ મતો મળ્યા હતા
  • જયેશ રાદડિયાની દાવેદારી અંગે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ પણ વાકેફ હતા અને પોરબંદરમાં સાથે બેસીને ભોજન પણ લીધું હતું
  • ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીના દાવા મુજબ જયેશ રાદડિયાની દાવેદારી અંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને જાણ કરવામાં આવી હતી છતા બિપિન પટેલના નામનો મેન્ડેટ આપ્યો હતો
  • ભાજપના આદેશ બાદ ત્રીજા ઉમેદવાર પંકજ પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી બિપિન પટેલને ટેકો જાહેર કરી દીધો હતો અને વિવાદમાંથી ખસી ગયા હતા
લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનું આંદોલન અને ભાજપના ‌શીર્ષસ્થ નેતાગીરીના મૌન વચ્ચે ગુજરાત ભાજપમાં ગેર‌શિસ્તનો ભય અનુભવાઈ રહ્યો છે. દેશના ખેડૂતોની સૌથી મોટી સંસ્થા ઈન્ડિયન ફાર્મસ ફર્ટિલાઈઝ કો.ઓ. ‘ઈફ્કો’ના ‌ડિરેક્ટર્સની જાહેર કરાયેલી ચૂંટણીમાં ભાજપના અધ્યક્ષ દ્વારા ‌બિ‌‌પિન પટેલ (અમદાવાદ-ગોતા)ના નામનો મેન્ડેટ રાખવામાં આવ્યો હતો. તેમ છતાં પૂર્વ મંત્રી જયેશ રાદ‌ડિયાએ ઉમેદવારી નોંધાવી હતી અને ૧૧૩ મતોથી ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર ‌બિ‌પિન પટેલને માત્ર ૬૭ મતો મળ્યા હતા!!
સામાન્ય સંજોગોમાં ભાજપના નેતૃત્વ દ્વારા અપાયેલા આદેશનું અક્ષરશઃ પાલન કરવામાં આવે છે. ઉમેદવાર ગમતો ન હોય તો પણ પક્ષનો આદેશ હોવાથી ચૂંટી લાવવામાં આવે છે. પરંતુ ‌શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં હવે ક્રમશઃ નાફરમાનીનો દૌર શરૂ થયો છે કારણ ગમે તે હોય, પરંતુ ભાજપમાં હવે કેડરબદ્ધ ‌શિસ્ત રહી છે. ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં આ વખત ભાજપ કાર્યકરોનું ઝનૂન જોવા મળ્યું નહોતું. લગભગ દરેક કાર્યકર ક્યાંક ને ક્યાંક નારાજ દેખાતો હતો. માત્ર કાર્યકર જ નહીં પક્ષના આગલી હરોળના હોદ્દેદારો પણ અંગત રીતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. થોડા ‌દિવસ પહેલા એક અ‌ધિકારીના ‌નિવૃ‌િત્ત સમયે યોજવામાં આવેલા સમારોહમાં ઉપ‌સ્થિત રહેલા આગલી હરોળના આગેવાને ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. આ આગેવાનને પક્ષ માટે પોતાની જાત ઘસી નાંખી હોવાનો વસવસો હતો.
તેમના જ શબ્દોમાં કહીએ તો હવે ભાજપમાં ‘મઝા’ રહી નથી. ભાજપમાં જ જન્મેલા કાર્યકરો પણ નાખુશ અને વેદના વ્યક્ત કરતા અવારનવાર સાંભળ‍વા મળે છે અને આ ‌નિ‌ષ્ક્રિયતાની અસર ચૂંટણીના મતદાન ઉપર જોવા મળી હતી અને હજુ તો પ‌રિણામ બાકી છે. ઘણી બેઠકો એવી હશે. જ્યાં હાર-જીતના આંકડા કટોકટ હશે. અલબત્ત અન્ય પક્ષમાંથી તોડી લાવવામાં આવેલા લોકોને કેસ‌રિયો ખંભે નાંખતાની સાથે જ જો પક્ષમાં અને સરકારમાં મહત્ત્વનું સ્થાન મળી જવાનું હોય તો સ્વાભા‌વિક નારાજગી થવાની જ. વલસાડ બેઠકના ઉમેદવારની પસંદગી સામે પણ ખુદ ભાજપના લોકોએ વસવસો વ્યક્ત કર્યો હતો અને એ વસવસો સ્વાભા‌વિક હતો. અલબત્ત આ ઘટનાઓ હજુ શરૂઆત છે, ભાજપ ‌શિસ્તના દંડાના જોરે નહીં ગમતા લોકોની પસંદગી અને નહીં ગમતા ‌નિર્ણયો લેવાનું ચાલુ રાખશે તો ભાજપની છાવણીમાં ગમે ત્યારે ‌વિસ્ફોટ થવાનો ઈન્કાર કરી શકાય તેમ નથી. ચૂંટણીના પ્રારંભે પક્ષના ઉમેદવારો સામે અનેક જગ્યાએ બળવા જેવી ‌સ્થિ‌તિનું ‌નિર્માણ થયું હતું. વડોદરા અને બનાસકાંઠાના ઉમેદવાર બદલવામાં આવ્યા, પરંતુ વલસાડ સ‌હિત અન્ય બેઠકોના ઉમેદવારોના પ્રશ્ને ભાજપના નેતૃત્વનું મૌન અને અ‌નિર્ણાયકતાએ લોકોની નારાજગીને વધુ બળ આપવાનું કામ કર્યું હતું. કદાચ ભાજપના જોરે આવા ઉમેદવારો ચૂંટાઈ જશે તોપણ લોકોનાં મનમાં ધૂંધવાતા રોષને શાંત કરી શકાશે નહીં. આજે નહીં તો કાલે ક્યાંક ને ક્યાંક નારાજગીનો પડઘા ચોક્કસ પડતા રહેશે.
રાજકોટમાં ભાજપના ઉમેદવાર રૂપાલા સામેના ક્ષ‌ત્રિયોના રોષને થાળે પાડી શકાયો હોત, પરંતુ નારાજ ક્ષ‌ત્રિયોને સમજાવી શકે એવા લોકોને મહત્ત્વ જ આપવામાં આવ્યું નહોતું અને જેને જવાબદારી સોંપી હતી તેઓ કંઈ ઉકાળી શક્યા નહોતા અને પ‌રિણામ એ આવ્યું કે રાજકોટથી શરૂ થયેલ નારાજગીનો દોર આખા ગુજરાતમાં ફરી વળ્યો હતો અને ભાજપના અપપ્રચાર માટે પક્ષ‌વિરોધી અને પોતીકા અસંતુષ્ટોને મુદ્દો મળી ગયો હતો. ક્ષ‌ત્રિયોના આંદોલને મતદારો ઉપર કેટલી અસર કરી હતી તેનો ચૂંટણીનાં પ‌રિણામો વખતે ખ્યાલ આવશે, પરંતુ ક્ષ‌ત્રિયોનો મુદ્દો દેશવ્યાપી બની ગયો હતો એ હકીકત છે.
‘ઈફ્કો’ દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા છે અને આ સંસ્થાના ચેરમેન તરીકે પૂર્વ સાંસદ ‌દિલીપ સંઘાણી ફરજ ‌નિભાવી રહ્યા છે. ‌દિલ્હી ખાતે બોર્ડની છેલ્લી મિટિંગ મળી ત્યારે જ ‌ડિરેક્ટર્સ માટે જયેશ રાદ‌ડિયાએ દાવેદારી કરી હોવાની ગુજરાત ભાજપ અધ્યક્ષને જાણ કરવામાં આવી હતી. પરંતુ સહકારી સંસ્થાઓમાં ભાજપના સભ્યોને ઉમેદવારી કરવા માટે પક્ષનો ‘મેન્ડેટ’ આપવાની શરૂઆત કરવામાં આવી હોવાથી ભાજપ અધ્યક્ષે અમદાવાદના ‌બિ‌પિન પટેલ(ગોતા)ના નામનો મેન્ડેટ આપ્યો હતો, પરંતુ પક્ષના મેન્ડેન્ટ પૂર્વે જયેશ રાદ‌ડિયાએ દાવેદારી નોંધાવી દીધી હતી અને ‘ઈફ્કો’ના ચેરમેન ‌દિલીપ સંઘાણીએ પક્ષના અધ્યક્ષને જાણ પણ કરી હતી.
ખરેખર તો પક્ષના ‘મેન્ડેટ’ બાદ ‌બિ‌પિન પટેલ ‌સિવાયના જયેશ રાદ‌ડિયા અને પંકજ પટેલે ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈતી હતી, પરંતુ જયેશ રાદ‌ડિયાએ પોતાની દાવેદારી ચાલુ રાખી હતી, જ્યારે ત્રીજા ઉમેદવાર પંકજ પટેલે ભાજપના સત્તાવાર ઉમેદવાર ‌બિ‌પિન પટેલને પોતાનો ટેકો જાહેર કરીને પોતાની જાતને ‌વિવાદથી દૂર કરી લેવા ઉપરાંત પક્ષના આદેશને માથે ચઢાવી લીધો હતો. આ તરફ ભાજપના સત્તાવાર ઉમેદવાર ‌બિ‌પિન પટેલ અને ભાજપના જ પૂર્વમંત્રી જયેશ રાદ‌ડિયા વચ્ચે થયેલી સ્પર્ધામાં જયેશ રાદ‌ડિયાને ૧૧૩ મતો અને ‌બિ‌પિન પટેલને ભાજપના સત્તાવાર ઉમેદવાર હોવા છતાં માત્ર ૬૭ મતો મળ્યા હતા!! કુલ ૧૮૨ મતદારો પૈકી ૧૮૦ સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. બે સભ્યો ‌વિદેશમાં હોવાથી મતદાન કરી શક્યા નહોતા.
આ બધાની વચ્ચે નવાઈ પમાડનારી બાબત એ હતી કે ચૂંટણીપ્રચાર દર‌મિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અ‌મિત શાહ પોરબંદર ખાતે ‌દિલીપ સંઘાણી અને જયેશ રાદ‌ડિયાને મળ્યા હતા અને સાથે ભોજન પણ લીધું હતું. વળી, રાદ‌ડિયાએ ‘ઈફ્કો’ના ડિરેક્ટર તરીકે ફરી વખત દાવેદારી કરી હોવાની અ‌મિત શાહને જાણ પણ હતી અને તેમ છતાં જયેશ રાદ‌ડિયાએ પક્ષના ‘મેન્ડેટ’ની અવગણના કરી હોવાની ઘટના લોકો માટે નહીં, ખુદ ભાજપની નેતાગીરી માટે મનોમંથન કરવા જેવી છે. વળી, ૧૮૦ સભાસદ મતદારો પૈકી ૧૧૩ મતદારોએ જયેશ રાદ‌ડિયાની તરફેણમાં મતદાન કર્યું હતું. આ ઘટના પણ સૂચક કહી શકાય.
‘ઈફ્કો’ના ‌ડિરેક્ટર્સની ચૂંટણીમાં ભાજપ પક્ષના આદેશની ઉપરવટ જઈને જયેશ રાદ‌ડિયાએ કરેલી દાવેદારી અને ૧૮૦ પૈકી ૧૧૩ મતોથી ચૂંટાઈ આવવાની ઘટનાએ સહકારીક્ષેત્રમાં ધંૂધવાતા અસંતોષને માથું ઊંચકવા માટે બળ આપવાનું કામ કર્યું હતું. દ‌‌િક્ષણ ગુજરાતમાં અનેક સહકારી સંસ્થાઓ પથરાયેલી છે અને સહકારી માળખું જ ભાજપની જીત માટેનો મુખ્ય આધાર છે. સહકારી સંસ્થાઓમાં રાજકીય દર‌મિયાનગીરી કોઈને ગમતી નથી પરંતુ સત્તા આગળ શાણપણ દાખવવાની કોઈ ‌હિંમત કરતું નથી, પરંતુ જયેશ રાદ‌ડિયાએ પક્ષના આદેશની પરવા કર્યા વગર પોતાની દાવેદારી ચાલુ રાખીને ભાજપના નેતૃત્વ સામે ચોક્કસ પડકાર ફેંકવાનું કામ કર્યું છે. આમ પણ જયેશ રાદ‌ડિયા મનમાની કરવા માટે ખૂબ જ જા‌ણીતા છે કારણ કે રાજકોટ અને જામકંડોરણા પંથકમાં જયેશ રાદ‌ડિયાની જબરજસ્ત ‘હાંક’ વાગતી આવી છે. તેમના પિતા અને સાંસદ ‌વિઠ્ઠલ રાદ‌ડિયા મૂળભૂત કોંગ્રેસી હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવને કારણે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને હમણા થોડા વર્ષો પહેલાં તેમનું ‌નિધન થયું હતું.
ત્યારબાદ પુત્ર જયેશ રાદ‌ડિયાએ પણ ભાજપનો ‘પાલવ’ પકડીને મંત્રીપદ સુધી પહોંચી ગયા હતા. રૂપાણી સરકારના પતન વખતે અન્ય મંત્રીઓની સાથે જયેશ રાદ‌ડિયાનું પણ મંત્રીપદ ગયું હતું. પરંતુ રાજકોટ પંથકમાં તેમની પ્ર‌તિષ્ઠાને કોઈ આંચ આવી નથી. રાજકોટ ‌જિલ્લા સહકારી બેંક, રાજકોટ ખેતીવાડી માર્કેટ યાર્ડ સ‌હિત અનેક સહકારી સંસ્થાઓમાં જયેશ રાદ‌ડિયાનો દબદબો છે. રાજકોટથી નજીકના અંતરે આવેલા જામકંડોરણા ખાતેની તેમના ‌પિતા ‌વિઠ્ઠલ રાદ‌ડિયાએ શરૂ કરેલી ‌શિક્ષણ સંસ્થામાં પોતીકા પાટીદાર સમાજ અન્ય સમાજના સંતાનો પૂરેપૂરી સલામ‌તિ સાથે ‌‌ઉચ્ચ ‌શિક્ષણ મેળવી રહ્યા છે.
મતલબ જયેશ રાદ‌ડિયાની સામા‌જિક પ્ર‌તિષ્ઠા ગરનાર પર્વત જેટલી ઊંચી છે. ‘ઈફ્કો’ના ‌ડિરેક્ટર તરીકે તેમણે પક્ષના આદેશની ઉપરવટ જઈને કરેલી દાવેદારી ખરેખર તો ‘બળવો’ જ કહી શકાય, પરંતુ આ બળવાખોરી સામે પક્ષની નેતાગીરી હવે કેવા અને કેટલા ‘‌શિસ્તભંગ’ના પગલા ભરે છે એ જોવું રહ્યું.
પક્ષના ‌નિર્ણય ઉપર હવે સહકારી સંસ્થાઓની પણ નજર રહેશે.