- સ્વ. વિજય રૂપાણીની અડધી સરકાર ભંગ કરીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીનો તાજ પહેરાવ્યો ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે ભૂપેન્દ્ર પટેલ એક ‘માઇલસ્ટોન’ પુરવાર થશે
- તાજેતરમાં મંત્રી મંડળના વિસ્તરણ વખતે પણ હવા ચાલી હતી કે ભૂપેન્દ્ર પટેલને બદલવામાં આવશે, પરંતુ ભાજપના નેતૃત્વએ તેમને ફરી-ફરીને જાળવી રાખ્યા
- એક વાત ચોક્કસ છે કે ભૂપેન્દ્ર પટેલને ‘સત્તા’ ગમતી નથી એવું નથી; પરંતુ સત્તાને વળગી રહેવાનો મોહ નથી તેઓ માને છે કે આ જગતમાં કોઈ ‘અમરપટ્ટો’ લખાવીને આવ્યું નથી
- ભૂપેન્દ્ર પટેલ સરકારની સિદ્ધિઓ વચ્ચે એ પણ હકીકત છે કે ગુજરાતમાં ગુનાખોરી વકરી છે, આર્થિક સંકડામણને કારણે આપઘાતના પ્રમાણમાં વધારો થયો છે, વેપાર-ઉદ્યોગ, રોજગારમાં લોકોને સંતોષ નથી અને ભ્રષ્ટાચાર બેખોફ બની રહ્યો છે, ભૂપેન્દ્ર પટેલ આ મુદ્દે મક્કમ બનીને કોઈ ચોક્કસ પગલાં ભરશે તો લોકો વર્ષો પર્યન્ત ‘દાદા’ની સરકારને યાદ રાખશે
- પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુબાપા આજે પણ લોકોના માનસપટ ઉપરથી ભુલાતા નથી; ભૂપેન્દ્ર પટેલ અને કેશુબાપા વચ્ચે ઘણું ઘણું સામ્ય છે. ભૂપેન્દ્ર પટેલ ઇચ્છે તો સ્વ. કેશુબાપાની હરોળમાં આવી શકશે
ગુજરાતના ‘નાથ’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે તેમની સરકારના ત્રણ વર્ષ પૂરા કરશે. આ અગાઉ તેમના એક વર્ષના શાસનને જોડવામાં આવે તો ‘દાદા ભગવાન’ના માણસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મુખ્યમંત્રી તરીકેનો સમયકાળ ચાર વર્ષનો ગણી શકાય. સ્વ. મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર અધવચ્ચેથી ભંગ કરીને ભૂપેન્દ્ર પટેલના માથે ગુજરાત સરકારની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પૂર્વે ગુજરાત અને ભાજપના રાજકારણમાં ભૂપેન્દ્ર પટેલ ચર્ચાતો ચહેરો નહોતો, પરંતુ કંઇક નવું કરવાની હંમેશાં ખેવના ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્ચર્યજનક રીતે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરીને ગુજરાતને અને ખુદ ભાજપના લોકોને અચંબામાં મૂકી દીધા હતા. વિજય રૂપાણીની વિદાય પૂર્વે મળેલી પક્ષના ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી કરવામાં આવશે એ વાતથી ખુદ ભાજપનું સ્થાનિક નેતૃત્વ અંધારામાં હતું અને અચાનક ભાજપની જાદુઇ ટોપલીમાંથી ભૂપેન્દ્રદાદા એટલે કે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે ખુદ ભૂપેન્દ્ર પટેલ પણ અચંબો પામી ગયા હતા અને સ્વ. વિજય રૂપાણીએ કરેલી જાહેરાતની વારંવાર ખાતરી કર્યા બાદ વચ્ચેની હરોળમાંથી ઊભા થઇને મંચ ઉપર આવ્યા હતા.

ખેર, આ બધી જૂની અને આનંદ પમાડનારી અને વારંવાર વાગોળવા જેવી ઘટના છે કારણ કે રાજકારણમાં કોઇ ગુમનામ વ્યક્તિને અચાનક સર્વોચ્ચ શિખર ઉપર બેસાડી દેવામાં આવે એવી ગુજરાતના રાજકારણમાં કદાચ પ્રથમ ઘટના હતી.
પરંતુ સાવ એવું પણ નહોતું કે ભૂપેન્દ્ર પટેલ સાવ બિનઅનુભવી હતા. ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા એ પૂર્વે અમદાવાદ મહાનગરપાલિકાની ખૂબ જ મહત્ત્વની એવી સ્ટેિન્ડંગ સમિતિના ચેરમેન હતા અને ત્યાર બાદ ‘‘ઔડા’’ એટલે કે અમદાવાદ વિકાસ સત્તામંડળ ઓથોિરટીના ચેરમેન પણ હતા પરંતુ સ્થાનિક સંસ્થા અને સરકારના વહીવટ વચ્ચે ખૂબ મોટા તફાવત હોય છે, આ ઉપરાંત ખુદ ભાજપના ભૂગર્ભમાં ધુંધવાતા જૂથવાદમાં પણ બેલેન્સ કરીને ચાલવાનું હતું. પ્રારંભે એવું માનવામાં આવતું હતું કે ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જુથના છે. આ તરફ રાજકીય ચોગઠાબાજી ગોઠવવામાં માહિર અને રાજકીય વ્યૂહરચનાકાર અમિત શાહ સાથે પણ તાલ મિલાવવાનો હતો. કારણ પાછલા ઘણાં વર્ષોથી એટલે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપની ઘટનાઓ ઉપર અમિત શાહ સતત નજર રાખી રહ્યા છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે.
અલબત્ત સરવાળે આ બધી ભ્રમણાઓ હતી. બાહ્ય ચિત્ર ગમે તે હોય પરંતુ પક્ષના નિર્ણયમાં નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને અમિત શાહનો સામૂહિક મત હોય છે. ઘણા એવું પણ માનતા હતા કે સ્વ. વિજય રૂપાણી આનંદીબેન પટેલ જૂથના હતા. આ વાત કે ભ્રમણા માત્ર હતી, જે સાચી હોત તો આનંદીબેન પટેલે સ્વ. વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી દૂર થવા દીધા ન હોત, આનાથી પણ આગળ વધીને વાત કરીએ તો ખુદ આનંદીબેન પટેલને પણ અડધી સરકારે ગાદી છોડવી પડી હતી.
પરંતુ આ બધાની વચ્ચે એટલું ચોક્કસ કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલ પક્ષના શીર્ષ નેતૃત્વના હંમેશાં વિશ્વાસુ રહ્યા છે અને પોતે વિશ્વાસુ હોવાનું સાકાર કરી બતાવ્યું છે. થોડા સમય પહેલાં મંત્રીમંડળમાં ફેરફારો કરવામાં આવ્યા ત્યારે એવા અનુમાન વહેતા થયા હતા કે ભૂપેન્દ્ર પટેલને પણ મુખ્યમંત્રી પદેથી બદલવામાં આવશે. પરંતુ આવી કોઇ જ ઘટના બનવા પામી નહોતી, બલ્કે ખુદ વડાપ્રધાન મોદીએ ભૂપેન્દ્ર પટેલના ખભે હાથ મૂકીને કહ્યું હતું કે ચિંતા કર્યા વગર આગળ વધો અને તેમને મુખ્યમંત્રી પદે યથાવત્ જાળવી રાખ્યા હતા.વિતેલા તેમના શાસન કાળમાં ઘણી વિટંબણાઓ આવી. વિમાન દુર્ઘટના અતિવૃષ્ટિ જેવી ઘટનાઓ બનવા પામી ક્યારેક ભૂપેન્દ્ર પટેલ વિહવળ પણ થઇ ગયા હશે પરંતુ ભાજપના શીર્ષ નેતૃત્વનો ભૂપેન્દ્ર પટેલની કાર્યક્ષમતા ઉપરનો ભરોસો હજુ પણ અકબંધ છે. તેમના પુત્ર અનુજને આવેલા ‘બ્રેઇન સ્ટ્રોક’ વખતે ભૂપેન્દ્ર પટેલ હચમચી ગયા હતા અને એક તબક્કે તેમણે મુખ્યમંત્રી પદેથી હટી જવાનો નિર્ણય પણ કર્યો હતો. પરંતુ આવા કપરા સમયે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમની બરાબર પડખે ઊભા રહ્યા હતા અને પુત્રની સારવાર ચાલુ રાખવા અને મુખ્યમંત્રી પદે અડીખમ બનીને સરકાર ચલાવવા અનુરોધ સાથે ‘આદેશ’ પણ કર્યો હતો.એક તરફ દાદા ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા અને બીજી તરફ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભરોસાને કારણે ભૂપેન્દ્ર પટેલ માનસિક રીતે મજબૂત થઇ ગયા હતા અને બેધડક સરકારને દોડાવી હતી.
ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીની માફક ધરતીના માણસ હોવાથી છેવાડાના પરિવારોની જરૂરિયાત અને વ્યથાને સમજી શકે છે અને એટલે જ તેમણે પાછલાં ચાર વર્ષ દરમિયાન લીધેલા પ્રત્યેક નિર્ણયમાં ગામડાના છેવાડાના માણસથી શરૂ કરીને મહાનગરોમાં વેપાર-ઉદ્યોગ અને રોજગારી કરતા લોકોની હંમેશાં ચિંતા કરી છે અને કરતા અાવ્યા છે. ભૂપેન્દ્ર પટેલનું એક જમા પાસું એ પણ છે કે તેઓએ ક્યારેય પણ વ્યક્તિગત જશ ખાટવાનો પ્રયાસ કર્યો નથી. કોઇપણ સારા પરિણામ માટે તેઓ હંમેશા યશના હકદાર વડાપ્રધાન મોદી, અમિત શાહ અને પક્ષના નેતૃત્વને ગણાવતા આવ્યા છે.તાજેતરમાં મંત્રીમંડળના વિસ્તરણ વખતે ઘણા લોકો એવું માનતા હતા કે ‘‘દાદા’’ સાથે અન્યાય થયો છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી બિલકુલ વિપરીત છે. ગુજરાત સરકારમાં એકપણ નિર્ણય ભૂપેન્દ્ર પટેલની જાણ બહાર કે ઇચ્છા વિરૂદ્ધ કરાતો નથી. ભૂપેન્દ્ર પટેલ સ્વભાવગત ‘આ બધુ મેં કર્યુ’ એવું માનતા નથી, કારણ પોતે અત્યંત સંવેદનશીલ ઉપરાંત ધાર્મિક અને મૃદુ સ્વભાવના હોવાથી યશ, અપયશ બધું જ ‘દાદા ભગવાન’ની ઉપર છોડી દે છે. ભૂપેન્દ્ર પટેલ સ્પષ્ટ રીતે માને છે કે ‘મારી પાસે શું હતું અને કોણ લઇ ગયું!’ મને ક્યાં ખબર હતી કે હું ગુજરાતનો મુખ્યમંત્રી બનીશ. વળી આજે નહીં તો કાલે ગાદી ખાલી કરવાની જ છે. આ જગતમાં કોઇ ‘અમરપટ્ટો’ લખાવીને આવ્યું નથી.
ખેર, ભૂપેન્દ્ર પટેલની વીતેલા ચાર વર્ષની સરકારે કરેલા સેંકડો નિર્ણયમાં એક પણ એવો નિર્ણય નહીં હોય કે જેને વખોડવો પડ્યો હોય, ભૂલ કરી હોય તો સુધારી લેવા માટે હંમેશા તત્પર રહેતા આવ્યા છે. ઘણી એવી પણ ઘટનાઓ બનવા પામી હશે કે પ્રથમ નજરે એવું લાગે કે ભૂપેન્દ્ર પટેલ સક્ષમ નથી, પરંતુ દૂર સુધી નજર દોડાવવામાં આવે તો વિચાર બદલીને કહેવું પડે કે ‘ભૂપેન્દ્ર પટેલ જ બરાબર છે’’ કારણ, નિઃસ્પૃહી વ્યક્તિત્વને કારણે ભૂપેન્દ્ર પટેલ કોઇને ‘કઠયા’ નથી અને રસ્તો આપી દેવામાં માનતા ભૂપેન્દ્ર પટેલે ક્યારેય કોઇને રોકવાની કોશિશ પણ કરી નથી. પરિણામે ભૂપેન્દ્ર પટેલ ‘અજાતશત્રુ’ હોવાથી તેમની વિરૂદ્ધ વાત કરનારનું મન પણ છેલ્લી ઘડીએ બદલાઇ ગયું હોવાની અનેક ઘટનાઓ ગુજરાતના પાછલા વર્ષના ઇતિહાસમાં સાક્ષી છે.ગુજરાતમાં આજકાલ કોંગ્રેસ કરતા ‘આમ આદમી પાર્ટી’ વિપક્ષ તરીકે વધુ આક્રમક માનવામાં આવે છે. ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા બોલવામાં બેબાક છે. પરંતુ ક્યારેય પણ ભૂપેન્દ્ર પટેલ માટે હલકો શબ્દપ્રયોગ કર્યો નથી. કોંગ્રેસના જિગ્નેશ મેવાણી પણ નિવેદન કરવામાં આકરા છે. પરંતુ જિગ્નેશ મેવાણીએ પણ ભૂૂપેન્દ્ર પટેલ માટે ઘસાતો શબ્દપ્રયોગ કર્યો હોવાનું યાદ નથી.
આ વરવી વાસ્તવિકતાના મુદ્દે ભૂપેન્દ્ર પટેલ કોઇ ચોક્કસ નિર્ણય લઇ શકશે તો તેમના ‘બેદાગ’ અને મક્કમ પ્રજાભિમુખ વહીવટને લોકો દાયકાઓ સુધી યાદ રાખશે. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુબાપા આજે પણ લોકોના માનસપટ ઉપરથી ભુલાતા નથી. રાજકીય, સામાજિક કે દુઃખદ ઘટના હોય એકઠા થયેલા લોકોમાંથી હંમેશા ‘કેશુબાપા’નું નામ અચૂક સાંભળવા મળે જ મતલબ ‘કેશુબાપા’ લોકમાનસમાં ‘અમર’ થઇ ગયા છે.ભૂપેન્દ્ર પટેલનો સ્વભાવ અને વહેવાર કેશુબાપાની સાથે મળતા આવે છે. મૃદુ હાસ્ય વેરતા ભૂપેન્દ્ર પટેલ સહુ કોઇને પોતીકા માણસ લાગે છે. વીતેલા ચાર વર્ષમાં અનેક રાજકીય ઘટનાઓ બની, કુદરતી આફતો આવી અને ગઇ પરંતુ હંમેશા ‘માઇલસ્ટોન’ જેવા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે ચાર વર્ષ પૂરા કર્યા પછી આજે પણ જ્યાં ઊભા હતા ત્યાં જ ઊભા છે. તેમના સ્વભાવમાં કોઇ જ પરિવર્તન આવ્યું નથી. મહત્ત્વાકાંક્ષામાં કોઇ જ વધારો નથી અને મુખ્યમંત્રી નહી હોય ત્યારે ફૂટપાથ ઉપર ઊભા રહીને ગપ્પા મારવામાં તેમને કોઇ જ અફસોસ નહીં હોય.