અમદાવાદમાં પ્રજા સાથે રસ્તા પર દાદાગીરી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક હેડ કોન્સ્ટેબલ મહિલાને જાહેરમાં લાફાં ઝીંકી દે છે. જેથી આ મામલાની ગંભીરતા લઈ હેડ કોન્સ્ટેબલને ફરજ પરથી તાત્કાલિક મોકૂફ કરી દેવામાં આવ્યો છે અને તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા નામનો હેડ કોન્સ્ટેબલ ફરજ બજાવતો હતા. ત્યારે તે બંદોબસ્તમાં હતો તે વેળા એક મહિલાના આઈડી કાર્ડની આપ-લે કરતી વખતે આઈડી કાર્ડ નીચે પડી ગયું હતું. સામાન્ય બાબતે પોલીસકર્મી જયંતી ઝાલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ખાખી વર્દીનો પાવર બતાવીને મહિલા સાથે દાદાગીરી શરૂ કરી હતી. વાત એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસકર્મીએ મહિલાનું સન્માન જાળવવાને બદલે તેના પર હાથ ઉઠાવી દીધો હતો.
ડીસીપીએ આ અંગે મીડિયા સાથે વાતચીત કરી જણાવ્યું કે, આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા શિસ્તભંગના કિસ્સામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
ત્યારે આ મામલે મહિલા સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહિલાએ ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મહિલાએ ભૂતકાળમાં આવું વર્તન કર્યું છે કે કેમ, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
DCP ભાવનાબેન પટેલે સ્વીકાર્યું કે, ‘પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી ભૂલ છે એ હું માનું છું.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસે હંમેશા નાગરિકો સાથે પ્રેમ અને શાંતિથી વર્તવું જોઈએ.’ આ ઘટના ગૃહ મંત્રાલય સુધી પહોંચતાં કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જો કે, હાલ રાજયમાં આ વીડિયો એટલો વાયરલ થયો છે કે ચારેબાજુ આ ઘટનાની ટીકા પણ કરવામાં આવી રહી છે.