Thursday, Jan 15, 2026

કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

2 Min Read

આજે રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આગળ વધારવામાં આવી હતી. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે ચેતવણી આપી કે કોઈપણ શ્વાનના કરડવાથી બાળક કે વૃદ્ધને ઈજા થશે કે તેઓ મૃત્યુ પામશે, તો રાજ્યને વળતર ચુકવવાની ફરજ પાડવામાં આવી શકે છે.

ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની બેન્ચે કહ્યું કે શ્વાનના હુમલાની અસર લોકોને જીવનભર વેઠવી પડી શકે છે. કરડવા અને લોકોની પાછળ દોડવા માટે શ્વાનોને છુટા કેમ છોડવામાં આવી રહ્યા છે? શ્વાનોને ખવડાવનારાઓને જવાબદાર ઠેરવવામાં આવશે.

બેન્ચે રાજ્યોને ચેતવણી આપતા કહ્યું, “શ્વાન કરડવાના દરેક મામલા અને તેના લીધે થતા મૃત્યુને ધ્યાનમાં લઇને, જરૂરી વ્યવસ્થા ન કરવા બદલ અમે રાજ્યોને વળતર ચુકવવાની ફરજ પડી શકીએ છીએ. કૂતરાઓને ખોરાક આપનારાઓને પણ જવાબદાર ઠેરવવામાં આવશે.”

‘તો શ્વાનોને ઘરે લઇ જાઓ’
વકીલ મેનકા ગુરુસ્વામીએ રખડતા શ્વાનોના મુદાને “ભાવનાત્મક બાબત” ગણાવી હતી.
કોર્ટે કહ્યું કે, “તમારી ભાવના ફક્ત કૂતરાઓ માટે જ હોય તેવું લાગે છે.”વકીલ ગુરુસ્વામીએ કહ્યું,”એવું નથી. હું માણસો વિશે પણ એટલી જ ચિતા કરું છું”.

ન્યાયાધીશ નાથે કહ્યું કે “સરસ ,તો શ્વાનોને તમારા ઘરે લઈ જાઓ. ગંદગી કરવા, કરડવા હોય, લોકોને ડરાવવા તેમણે શા માટે બહાર છોડો છો?”

શ્વાનોને ખોરાક આપતા લોકો પણ જવાબદાર ઠરશે:
સુનાવણી દરમિયાન કડક સવાલ કરતા કહ્યું, “કોઈ ચોક્કસ સંસ્થા દ્વારા જેને ખોરાક આપવામાં આવે છે એ શ્વાન નવ વર્ષના બાળક પર હુમલો કરીને મારી નાખે, ત્યારે કોને જવાબદાર ઠેરવવું જોઈએ? શું એ સંસ્થાને જવાબદાર ન બનાવવી જોઈએ?”

સુનાવણી દરમિયાન ન્યાયાધીશ વિક્રમ નાથે જણાવ્યું કે દેશની સર્વોચ્ચ દાલત કાયદાકીય કાર્યવાહીને બદલે આ મુદ્દા માટે “જાહેર પ્લેટફોર્મ” બની ગઈ છે.

આ મુદ્દે થઇ રહી છે કાર્યવાહી:
બેન્ચ ગયા વર્ષે કોર્ટે નવેમ્બરમાં આપેલા આદેશોનું પાલન થઇ રહ્યું છે કે નહીં એના પર નજર રાખી અહી છે. એ આદેશમાં સ્થાનિક અધિકારીઓને બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, હોસ્પિટલ, શાળાઓ, કેમ્પસ અને અન્ય જાહેર સંસ્થાઓના પરિસરમાંથી રખડતા શ્વાનોને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે ABC નિયમો મુજબ શ્વાનોની રસીકરણ/નસબંધી કરાવવી આવશ્યક છે અને તેમને તે જ સ્થળે પાછા ન છોડવા જે જગ્યાએથી તેમને ઉપાડવામાં આવ્યા હતા.

Share This Article