વક્ફ સુધારા બિલ લોકસભામાં રજૂ થાય તે પહેલાં દેશમાં રાજકારણ ગરમાયું છે. ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ કહ્યું છે કે તે વક્ફ સુધારા બિલને સમર્થન આપશે. તે પહેલાં, સરકાર અને વિપક્ષ રાજનીતિનાં મેદાનમાં પોતપોતાની ફિલ્ડિંગ ગોઠવવામાં વ્યસ્ત છે. વિપક્ષને લાગી રહ્યું છે કે આ બિલને કોઈપણ રીતે રોકવું જોઈએ, તો સરકારનો દાવો છે કે NDA ના સાથી પક્ષો ઉપરાંત, કેટલાક અન્ય પક્ષો પણ તેનું સમર્થન કરી રહ્યા છે. આ બિલને લઈને JPCની બેઠકમાં ચર્ચા થઈ હતી. જો કે ભાજપ માટે તેના સાથી પક્ષો આ અંગે ચિંતા વધારી શકે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે આ બિલ અંગે ભાજપના લોકસભાના દંડક સાથે બેઠક કરી છે. તે જ સમયે, આ બિલ મંજૂર થાય તે પહેલાં રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. વકફ સુધારા બિલ પર, NDA ના સાથી પક્ષ JDUપર સંસદમાં શું સ્ટેન્ડ લેશે તે બાબતે કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી, જો કે તેમણે વિપક્ષ પર મુસ્લિમોને ભ્રમિત કરવાનો આક્ષેપ કર્યો છે.
દરમિયાન, લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે, વિપક્ષે BAC બેઠકમાંથી વોકઆઉટ કર્યું કારણ કે સરકાર પોતાનો એજન્ડા લાદી રહી છે. મતદાર ID અને આધાર કાર્ડને લિંક કરવાના મુદ્દા પર ચર્ચાની માંગ સ્વીકારવામાં આવી ન હતી.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, મારો પક્ષ વકફ સુધારા બિલની ચર્ચામાં ભાગ લેશે, અમે સુધારા રજૂ કરીશું. અમે અમારી બધી દલીલો રજૂ કરીશું અને સમજાવીશું કે આ બિલ કેવી રીતે ગેરબંધારણીય છે અને તે મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતાની વિરુદ્ધ કેવી રીતે જાય છે. ચંદ્રબાબુ નાયડુ, નીતીશ કુમાર, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરી આ વાત સમજી રહ્યા નથી. જનતા તેમને ચૂંટણી સમયે સમજાવશે.
ભાજપના સાંસદ દિનેશ શર્માએ વકફ બિલ પર કહ્યું, “…વકફ ગરીબ મુસ્લિમો માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. આ તેમની દુર્દશા સુધારવા માટેનું બિલ છે. આ બિલમાં, ન તો સરકાર કે ન તો કોઈ અન્ય કોઈ વકફની એક ઇંચ જમીન લઈ રહ્યું છે. કોઈપણ વ્યક્તિને કોર્ટમાં પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવાનો અધિકાર હશે, જો કોઈ આ સુધારાનો વિરોધ કરે છે, તો મને લાગે છે કે તે બંધારણની વિરુદ્ધ છે અને બી. આર. આંબેડકરનો વિરોધ કરે છે.”