દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદના કારણે જેતપુર વિસ્તારમાં એક બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દિવાલ ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં કુલ સાત લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ-પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી અને દિવાલની નીચે આઠ લોકો ફસાયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાટમાળ નીચે ફસાયેલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં 7 લોકોના મોત નિપજ્યા હતા. ગત મહિને દિલ્હીના મુસ્તફાબાદમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી અને આ ઘટનામાં 11 લોકોના મોત થયા હતા.
અકસ્માત બાદ ઝૂંપડપટ્ટી ખાલી કરાવવામાં આવી – DCP
દક્ષિણ પૂર્વના DCP એ જણાવ્યું કે 10-15 વર્ષ જૂની ઝૂંપડપટ્ટીમાં દિવાલ પડી ગઈ હતી. તેમણે કહ્યું કે અહીં મોટાભાગના ભંગારના વેપારીઓ રહેતા હતા. દિવાલ પડવાથી આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. શરૂઆતની તપાસના આધારે તેમણે કહ્યું કે ભારે વરસાદને કારણે દિવાલ પડી હતી. દિવાલનો પાયો નબળો હતો. DCP એ જણાવ્યું કે અકસ્માત બાદ ઝૂંપડપટ્ટી ખાલી કરાવવામાં આવી છે.
ભારે વરસાદને કારણે દિલ્હીમાં ટ્રાફિક જામ
શનિવારે સવારે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના સંબંધીઓના ઘરે જઈ રહ્યા હતા, પરંતુ વરસાદ અને જામને કારણે તેમને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો.