ગુજરાતમાં 2.5 વર્ષથી ખોરંભે પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર ડો.એસ.મુરલીકૃષ્ણ દ્વારા કરવામાં આવી. આ ચૂંટણીઓ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની વ્યવસ્થાને મજબૂત કરવા અને વહીવટદાર શાસનનો અંત લાવવા માટે મહત્વપૂર્ણ છે. રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે, જેમાંથી 4,688માં સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ, જ્યારે 3,638માં પેટાચૂંટણીઓ યોજાશે. આજથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
ગુજરાતમાં ઘણા સમયથી રાહ જોવાતી ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ ચૂંટણી ચર્ચાસ્પદ એટલે પણ બની છે કે તેમાં બેલેટ પેપરથી મતદાન કરવાનું છે. આજે બપોરે રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા પત્રકારો સમક્ષ આ અંગે જાહેરાત કરવામાં આવી છે. 8થી વધુ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત કરતા ચૂંટણી અધિકારી કહે છે કે, આગામી 22 જૂને ગુજરાત રાજ્યમાં 8326 પંચાયતોની ચૂંટણી થશે.
ચૂંટણી કાર્યક્રમ અનુસાર, જાહેરનામું 2 જૂન, 2025ના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન, 2025 છે, જ્યારે 10 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો 11 જૂન સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે. મતદાન 22 જૂન, 2025ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા દરમિયાન યોજાશે, અને મતગણતરી 25 જૂન, 2025ના રોજ થશે. મતદાર યાદીની અંતિમ પ્રસિદ્ધિ 27 મે, 2025ના રોજ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ ચૂંટણીઓમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) નહીં, પરંતુ બેલેટ પેપરનો ઉપયોગ થશે.

