સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે જૂની અદાવત અને સરપંચ વિવાદને લઈને ભયાવહ હિંસક અથડામણ થઈ હતી. ગામના ભૈરવ મંદિરના વહીવટની તકરાર ઉગ્ર બનતાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી.
આ જૂથ અથડામણ એટલી હિંસક હતી કે ગામમાં ભારે નુકસાન થયું હતું. કુલ 100થી વધુ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેમાં 26 કાર, 50થી વધુ બાઇક, 6 ટેમ્પો અને 3 ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. એક કારને તો સંપૂર્ણપણે સળગાવી દેવામાં આવી હતી. અસામાજિક તત્વોએ 10 જેટલા મકાનો અને અન્ય ઘરોના બારી-બારણાના કાચમાં પણ તોડફોડ કરી હતી. વાહનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જવું પડ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અથડામણમાં 10થી વધુ લોકોને ઇજા પહોંચી છે. જેમાંથી 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે હિંસા ફેલાવનારા 60 વ્યક્તિ સામે નામજોગ સહિત કુલ 120 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. હિંસા પર કાબૂ મેળવવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 25થી 30 જેટલા લોકોને રાઉન્ડ અપ (અટકાયત) કર્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘર્ષણનું મૂળ કારણ ગામના ભૈરવ મંદિરના વહીવટની જૂની અદાવત અને સરપંચને લગતાં વિવાદો છે. દિવાળીના તહેવાર નિમિત્તે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન થવાનું હતું, તેના પૂર્વે જ બંને જૂથ વચ્ચે બોલાચાલી બાદ પરિસ્થિતિ વણસી હતી. ઘટનાની ગંભીરતા જોતાં મોડી રાત્રે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં મજરા ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. પોલીસે બંને જૂથ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.