નેપાળ સરકારે 26 લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. સોમવારે રાજધાની કાઠમંડુ ખીણ સહિતના અનેક શહેરોમાં યુવાનોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ બેરિકેડ તોડીને સંસદ પરિસરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે.
જણાવી દઈએ કે, વડાપ્રધાન કેપી ઓલીની સરકારે 4 સપ્ટેમ્બરના રોજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને એક્સ જેવી 26 સોશિયલ મીડિયા એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ગુસ્સે ભરાયેલા યુવાનોએ નવા બાણેશ્વરમાં ફેડરલ સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં પ્રદર્શનકારીઓએ શાંતિ જાળવવાનું વચન આપ્યું હોવા છતાં, પોલીસે તેમને વિખેરવા માટે ટીયર ગેસ અને પાણીના તોપનો ઉપયોગ કર્યો હતો, જેના પગલે પરિસ્થિતિ વધુ વણસી હતી.

નેપાળની આર્મી તૈનાત
દસ હજારથી વધુ Gen Z યુવાનોએ કાઠમંડુ, પોખરા, બુટવલ, ધારણ, ગોરાહી સહિતના શહેરોમાં વિરોધ રેલી યોજી હતી. તેઓ સુત્રોચ્ચાર કરી રહ્યા હતા કે, અમે આંદોલન કર્યું છે, અમે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડીશું. હજારોની સંખ્યામાં યુવાનોના ટોળા રસ્તા પર ઉતરી આવતા નેપાળી આર્મી તૈનાત કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે હેતુ સાથે કાઠમંડુ સહિત અમુક વિસ્તારોમાં કરફ્યુનો અમલ કરવામાં આવ્યો છે.
નેપાળમાં Gen-Z રિવોલ્યૂશન શરૂ
કાઠમંડુના વિવિધ શહેરોમાં વડાપ્રધાન કેપી શર્મા ઓલી સરકાર વિરૂદ્ધ Gen-Z રિવોલ્યૂશન શરૂ થયુ છે. મૈતીઘર, કાઠમંડુ, અને અન્ય ટોચના શહેરોમાંથી હજારોની સંખ્યામાં યુવાનો ભ્રષ્ટાચાર અને સરકારના સોશિયલ મીડિયા પર અંકુશનો વિરોધ કરતાં રેલી યોજી રહ્યા છે. તેઓએ સરકાર પર નાગરિકોની આઝાદી છીનવી લેવાનો આરોપ મૂકતાં સુત્રોચ્ચાર કર્યા છે.