Thursday, Oct 23, 2025

વાપી: CGST ઑફિસમાં બે એકાઉન્ટન્ટો લાંચ લેતા ઝડપાયા, ફૂલ-છોડના કુંડાનું બિલ પાસ કરવા માગી લાંચ

2 Min Read

વલસાડ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે એક વધુ સફળ ટ્રેપ હાથ ધર્યો હતો. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે વાપી સ્થિત સી.જી.એસ.ટી. એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ કચેરીમાં બે અધિકારીઓ રૂ.2000/- ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. આ કાર્યવાહીથી વલસાડ જિલ્લામાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એ.સી.બી.ની કડક વલણ ફરી એકવાર સ્પષ્ટ થઈ છે.

વલસાડમાં બે એકાઉન્ટન્ટ લાંચ લેતા ઝડપાયા
પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા આરોપીઓમાં એક આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર અને એક સિનિયર એકાઉન્ટન્ટનો સમાવેશ થાય છે. આરોપીઓનાં નામ આ મુજબ છે: કપિલ નટવરલાલ જૈન, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસરરવિશંકર શ્યામંકાંત ઝા, સિનિયર એકાઉન્ટન્ટ બનાવની વિગતો એવી છે કે, ફરિયાદીએ CGST ઑફિસમાં ફૂલ છોડના કુંડા (Flower Pots) સપ્લાય કર્યા હતા. આ કુંડાઓના સપ્લાયનું બિલ પાસ કરવા માટે આ બંને લાંચિયા એકાઉન્ટન્ટોએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી.

ફૂલ-છોડના કુંડાનું બિલ પાસ કરવા માગી લાંચ
ફરિયાદીએ લાંચ આપવાને બદલે વલસાડ જિલ્લા ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ સમગ્ર મામલાની ગંભીરતા જોતાં તત્કાળ એક્શન પ્લાન બનાવ્યો હતો અને CGST કચેરીમાં જ છટકું ગોઠવવાનું આયોજન કર્યું હતું.ACBના પ્લાન મુજબ, ફરિયાદી લાંચની રકમ લઈને બંને આરોપીઓને આપવા ગયો હતો. લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે આરોપીની કેબિનમાં જ તેમને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

આરોપીઓએ રૂ. 2000ની માગી હતી લાંચ
આ ઘટનાથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ACBએ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ઓપરેશન દર્શાવે છે કે, ACB ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સતર્ક અને સક્રિય છે. અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે, સરકારી કામ માટે કોઈ પણ કર્મચારી લાંચ માંગે તો તાત્કાલિક ACBનો સંપર્ક કરવો.

Share This Article