વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ

Share this story

વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો છે. એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો મેઈલ મળતાં એરપોર્ટ તંત્ર દોડતું થયું છે. બોમ્બથી ઉડાડી દેવાની ધમકીને પગલે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ અને સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એરપોર્ટની અંદર બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

બોમ્બની ધમકી મળતાં પોલીસ કાફલો ખડકાયો વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હરણી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય બની છે. એરપોર્ટ આવતા દરેક પેસેન્જરનું ચેકિંગ કરીને બાદમાં પ્રવેશ આપવામાં આવે છે. એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સીઆઇએસએફના જવાનો દ્વારા એરપોર્ટની અંદર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

પોલીસને ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ડિવાઈસ મળ્યું એરપોર્ટ બહાર અંદર પ્રવેશતી કારોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક કારમાં ઈલેક્ટ્રિક ડિવાઈસ મળી આવતા કારને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કારચાલકે એરપોર્ટના ગેટથી જ પાછો મોકલી દેવાયો હતો.

એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી. આ ધમકી પછી CISF પણ એક્શનમાં આવી ગઈ હતી અને સમગ્ર એરપોર્ટની ઊંડી તપાસ શરૂ કરી હતી. આ માટે બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગની પણ મદદ લેવાઈ હતી. બીજી બાજુ પોલીસે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી હતી. પોલીસે એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહન અને મુસાફરોની પણ ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી.