ઉત્તરપ્રદેશના ચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં દિલ્હી હાઈકોર્ટે ભાજપના સસ્પેન્ડેડ નેતા કુલદીપ સેંગરને સામૂહિક દુષ્કર્મના કેસમાં જામીનને સીબીઆઈ દ્વારા પડકારવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હાલમાં આગામી સુનાવણી સુધી હાઇકોર્ટના ચુકાદાને સ્ટે આપી દીધો છે અને કુલદીપ સિંહ સેંગર હવે જેલમાં જ રહેશે. ચાર અઠવાડિયા બાદ હવે સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના જજોએ કુલદીપ સિંહ સેંગર તરફથી હાજર વકીલોને ફિટકાર લગાવતા કહ્યું હતું કે તમે આડી અવળી વાતો કરવાની જગ્યાએ સ્ટે પર વાત કરો. અમે જામીન પર સ્ટે આપવા તૈયાર છે. તમે જો હાઇકોર્ટના જામીનને ચાલુ રાખવા માગતા હોવ તો અમને એનું કારણ જણાવો.
સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં સીબીઆઈના વકીલે આ કેસને ભયાનક ગણાવ્યો હતો. સીબીઆઈ તરફથી તુષાર મહેતા દલીલ કરવા કોર્ટમાં હાજર થયા હતા. તેમણે દલીલ કરી હતી કે જ્યારે પીડિતા પર આ ભયાનક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે તેની ઉંમર 15 વર્ષ જ હતી એટલે કે આ પોક્સોનો કેસ બને છે. આ એક ગંભીર અપરાધ છે અને તે સાબિત પણ થયો છે છતાં હાઈકોર્ટે આ મામલે ગંભીરતા ન દાખવતા સેંગરને જામીન પર છોડી મૂક્યો હતો.
ઉન્નાવ દુષ્કર્મ કેસ એ ભારતના સૌથી ચર્ચિત અને હચમચાવી દેનારા ગુનાઓમાંથી એક છે, જેમાં સત્તા, રાજકારણ અને અપરાધની મિલીભગતે એક સગીર દીકરીના જીવનને નરક બનાવી દીધું હતું. આ કેસનો મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશનો તત્કાલીન શક્તિશાળી ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર હતો.
પીડિતા અને તેના પરિવારે જ્યારે ન્યાય માટે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને સ્થાનિક પોલીસ અને પ્રશાસન તરફથી ભારે દબાણ અને ધમકીઓનો સામનો કરવો પડ્યો. કેસ દાખલ કરવામાં પણ આનાકાની કરવામાં આવી. મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે એપ્રિલ 2018માં પીડિતાએ લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાન બહાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેના થોડા જ દિવસો બાદ, પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું, જેમના પર સેંગરના ભાઈ દ્વારા ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
આ ઘટના 2017ની છે, જ્યારે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાની એક 17 વર્ષીય સગીરાએ બાંગરમઉના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેના સાથીઓ પર નોકરી અપાવવાના બહાને સામૂહિક બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાએ આરોપ મૂક્યો હતો કે 4 જૂન, 2017ના રોજ જ્યારે તે નોકરી માટે મદદ માંગવા ગઈ ત્યારે સેંગરે તેના ઘરે તેની પર બળાત્કાર કર્યો હતો.
જુલાઈ 2019માં, પીડિતા, તેના વકીલ અને પરિવારના સભ્યો જ્યારે જેલમાં બંધ તેના કાકાને મળવા જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. આ “અકસ્માત”માં પીડિતાના બે સંબંધીઓના મોત થયા હતા અને પીડિતા તથા તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો અને સુપ્રીમ કોર્ટે આ મામલે સખત વલણ અપનાવ્યું. સુપ્રીમ કોર્ટે કેસને ઉત્તર પ્રદેશમાંથી દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો અને CBIને તપાસ સોંપી.
દિલ્હીની તીસ હજારી કોર્ટે કુલદીપ સિંહ સેંગરને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યો અને ડિસેમ્બર 2019માં તેને આજીવન કેદની સજા ફટકારી. આ ઉપરાંત, પીડિતાના પિતાની કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં પણ તેને 10 વર્ષની સજા કરવામાં આવી હતી. આ ચુકાદાને પીડિતાના લાંબા અને પીડાદાયક સંઘર્ષના અંતે મળેલા ન્યાય તરીકે જોવામાં આવ્યો. જોકે, ડિસેમ્બર 2025માં દિલ્હી હાઈકોર્ટે સેંગરને શરતી જામીન આપ્યા હતા, જેનો કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ વિરોધ કર્યો હતો.