Saturday, Sep 13, 2025

ઉત્તરકાશીમાં મસ્જિદ વિવાદ પર હંગામો, ભારે બબાલ બાદ પોલીસનો લાઠીચાર્જ

3 Min Read

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મસ્જિદ હટાવવા માટે હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત જાહેર વિરોધ રેલીમાં ભીડ કાબૂ બહાર ગઈ હતી. ટોળાએ પોલીસ બેરિકેડ તોડી નાખ્યા હતા. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિરોધમાં સામેલ ભીડને નિયંત્રિત કરતી વખતે, પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ પછી પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી હતી. આજે શુક્રવારની નમાજને લઈને ઉત્તરકાશીમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે.

પોલીસના લાઠીચાર્જમાં અડધો ડઝન પ્રદર્શનકારીઓ પણ ખરાબ રીતે ઘાયલ થયા હતા. પોલીસના લાઠીચાર્જ બાદ ઉત્તરકાશી શહેરમાં તણાવ વધુ વધી ગયો છે. તેને ધ્યાનમાં રાખીને વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મસ્જિદ હટાવવાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓનો આરોપ છે કે વહીવટીતંત્ર પણ મસ્જિદના બિલ્ડરો સાથે મિલીભગતમાં છે.

ઉત્તરકાશી SP અમિત શ્રીવાસ્તવે કહ્યું કે, ગુરૂવારે સંયુક્ત સનાતન ધર્મ રક્ષક દળની રેલીને પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેમનો રૂટ અને સમય પણ નક્કી હતો. પરંતુ, તે આપવામાં આવેલા રૂટની બદલે બીજા રૂટથી જવાની જીદ્દ કરી રહ્યા હતાં. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો અમુક દેખાવકારોએ પથ્થરમારો શરૂ કરી દીધો, ત્યારબાદ પોલીસે હળવો બળ પ્રયોગ કરી ભીડને વિખેરી. આ ઘર્ષણ દરમિયાન 8 પોલીસકર્મીને ઈજા થઈ છે, જેમાંથી બે પોલીસકર્મીને ગંભીર ઈજા થઈ છે.

જનઆક્રોશ રેલીમાં સામેલ લોકો ઉત્તરકાશીની શેરીઓમાં સૂત્રોચ્ચાર કરતા પહેલા પોલીસ બેરિકેડની નજીક પહોંચ્યા હતા. રેલીને રોકવા માટે પોલીસે ત્રણ જગ્યાએ બેરિયર લગાવ્યા હતા. એકલ ચોકડી સહિત ભટવાડી રોડ અને ભૈરવ ચોકમાં અવરોધો સાથે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ સાંજ સુધી વિરોધ દરમિયાન પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી.

ઘટના બાદ પોલીસે રેલીમાં ભાગ લેનારને શાંતિ જાળવી રાખવા અને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાની અપીલ કરી છે. તેમ છતાં, શહેરમાં તણાવનો માહોલ યથાવત છે અને બજારમાં સામાન્ય ગતિવિધિ પ્રભાવિત થઈ રહી છે. પોલીસે લાઠીચાર્જના વિરોધમાં આજે હિન્દુ સંગઠનોએ બંધનું એલાન કર્યું છે. આ દરમિયાન સવારથી જ દુકાનો બંધ છે. જેના કારણે યાત્રીઓને પાણી મળવાની પણ મુશ્કેલી થઈ રહી છે. પોલીસ અને પ્રશાસનવ સ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈપણ અપ્રિય ઘટનનાને રોકવા તત્પર છે.

ઉત્તરકાશીમાં આ પ્રકારની હિંસા અને તણાવ અનપેક્ષિત નથી, પરંતુ પ્રશાસન અને પોલીસને આશા છે કે, જલ્દીથી સ્થિતિ સામાન્ય થઈ જશે. સુરક્ષા દળોને સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે અને સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article